(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોનો સાવચેતીનો અભિગમ, ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળેથી સાંકડી વધઘટે અથડાઈ ગયા બાદ મધ્ય પૂર્વના દેશોના તણાવને કારણે સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં એક ટકા કરતાં વધુ ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણે ભાવ કિલોદીઠ રૂ. ૧૫૨૮ તૂટ્યા હતા, જ્યારે સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૭નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૫૨૮ના કડાકા સાથે રૂ. ૯૧,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૯૦,૪૧૨ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં પણ વૈશ્ર્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે નરમાઈનું વલણ રહ્યું હોવા ઉપરાંત રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૭ ઘટીને ૯૯૫ ટચ સોનાના રૂ. ૭૫,૪૨૨ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૫,૭૨૬ના મથાળે રહ્યા હતા.

આવતીકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત થવાની હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. વધુમાં આજે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા બાદ મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં સલામતી માટેની માગ ખૂલતા હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૬૫૦.૨૨ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૬૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૧ ટકાના કડાકા સાથે ઔંસદીઠ ૩૧.૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે હિઝબુલ્લાએ ઈઝરાયલના ત્રીજા ક્રમાંકના સૌથી મોટા શહેર હૈફા પર રોકેટ હુમલા કર્યાના અહેવાલને પગલે સોનામાં સલામતી માટેની માગને ટેકે ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

એકંદરે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડની મજબૂતીને કારણે હાલમાં સોનાએ તેજીનો તાલ ગુમાવ્યો હોવા છતાં મધ્ય પૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા તણાવ અને ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે સલામતી માટેની માગનો ટેકો જરૂર મળી રહ્યો હોવાનું કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની આવતીકાલની જાહેરાત, ગુરુવારે જાહેર થનારા ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ તેમ જ શુક્રવારે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ પર સ્થિર થઈ છે અને ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં અનપેક્ષિત વધારો જોવા મળે તો ડૉલર ઈન્ડેક્સમાં વધારો થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવે તેવી શક્યતા વૉટરરે વ્યક્ત કરી હતી.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૮૭ ટકા શક્યતા ટ્રેડરો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા. દરમિયાન ગઈકાલે સેન્ટ લુઈસ ફેડના પ્રમુખ આલ્બર્ટો મુસાલેમે આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે વ્યાજદરમાં વધુ વધારા અંગે તરફેણ કરી હોવાના અહેવાલ હતા.