Gujarat Accident News: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. એક જ દિવસમાં થયેલા બે અલગ અલગ અકસ્માતોમાં કુલ સાત લોકોના મોત થયાં હતાં. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ઉત્તર ગુજરાતના મોડાસાના ગળાદર નજીક શામળાજી મંદિરે દર્શન કરી પરત જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
શામળાજી મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા નડિયાદના પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં તેમની કાર અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગળાદર નજીક સ્થિત પુલ પરથી નીચે પટકાતા કારમાં સવાર એક મહિલા, બે પુરૂષ તેમજ એક બાળકીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં જ ટીંટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે શામળાજી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
આપણ વાંચો: અકસ્માતમાં 6 વિદ્યાર્થીઓના મોત છતાં પરિવારજનોએ ફરિયાદ ન નોધાવી! પોલીસ પણ મુંઝવણમાં
હાંસોટ નજીક અકસ્માત
શુક્રવારે વહેલી સવારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર હાંસોટ તાલુકાના શેરા ગામ નજીક પૂરઝડપે પસાર થઈ રહેલી કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાંસોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહોને ભરૂચ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહુધામાં આઈસર અને રીક્ષા વચ્ચે અકસ્માત
મહુધામાં આઈસર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે એકની હાલત ગંભીર છે.
અમરેલીમાં બે ટુ વ્હીલરની ટક્કર
અમરેલીના ધારીમાં પ્રેમપરા પાસે બે ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.