મુંબઈ: ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈને નામે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને શ્રેણીબદ્ધ ધમકીઓ મળ્યા પછી હવે કિંગ ખાન ગણાતા શાહરુખ ખાનને મોતની ધમકી મળી હતી. પોલીસ સ્ટેશનમાં કૉલ કરી ધમકી આપનારાએ 50 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ પ્રકરણે મુંબઈ પોલીસે રાયપુરના વકીલને સમન્સ બજાવ્યા હતા, જ્યારે પોતાનો મોબાઈલ ફોન પાંચ દિવસ પહેલાં ચોરાયો હોવાનો દાવો વકીલે કર્યો હતો.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ખંડણી માટે ધમકીભર્યો કૉલ જે મોબાઈલ નંબર પરથી આવ્યો હતો તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. એ નંબર છત્તીસગઢના રાયપુર ખાતે રહેતા વકીલનો હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો: “હિંદુ પંડિતોને ખરાબ ચિતરે, મુસ્લિમોને સારા બતાવે” શાહરુખ ખાનની ફિલ્મ પર બોલ્યા અન્નુ કપૂર
અભિનેતા સલમાન ખાનને ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ દ્વારા વારંવાર ધમકીઓ આપવામાં આવી હતી. સલમાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર પણ કરાયો હતો. ત્યાર બાદ અનેક વાર બિશ્નોઈ ગૅન્ગના નામે સલમાનને ધમકી મળી ચૂકી છે ત્યારે શાહરુખ ખાન માટે ધમકીભર્યો કૉલ આવતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
બાન્દ્રા પોલીસ સ્ટેશનને આ ધમકીભર્યો કૉલ આવ્યો હતો, જેમાં ધમકી આપનારાએ 50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. આ પ્રકરણે બાન્દ્રા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(4) અને 351(3)(4) હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ માટે પોલીસની ટીમ વિવિધ સ્થળે મોકલવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
રાયપુરના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સંતોષ સિંહે જણાવ્યું હતું કે શાહરુખ ખાનને ધમકીની તપાસના ભાગરૂપે મુંબઈ પોલીસની ટીમ ગુરુવારની સવારે રાયપુરના પંડરી પોલીસ સ્ટેશને પહોંચી હતી. પંડરી પોલીસ સ્ટેશનની હદમાં રહેતા વકીલ ફૈઝાન ખાનને સમન્સ બજાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: શાહરુખની લાડલી Suhana Khan અંગે તેના કોસ્ટારે કર્યાં ચોંકાવનારા ખુલાસા…
પ્રાથમિક માહિતી અનુસાર ફૈઝાન ખાનને નામે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી શાહરુખને ધમકીભર્યો કૉલ આવ્યો હતો. ફૈઝાનને પૂછપરછ માટે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.
મુંબઈ પોલીસની ટીમ પંડરી પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ફૈઝાનને પણ ત્યાં બોલાવવામાં આવ્યો હતો. ફૈઝાને પોલીસને કહ્યું હતું કે તેનો મોબાઈલ ગયા સપ્તાહે ચોરાયો હતો, જેની ફરિયાદ તેણે ખમરદીહ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
બાદમાં રાયપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફૈઝાને દાવો કર્યો હતો કે તેનો મોબાઈલ બીજી નવેમ્બરે ચોરાયો હતો. તેની વિરુદ્ધ કાવતરું ઘડવા કોઈએ તેના મોબાઈલથી ધમકીભર્યો કૉલ કર્યો હશે. મારી બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
ફૈઝાને કહ્યું હતું કે મેં અગાઉ ‘અંજામ’ ફિલ્મમાં હરણના શિકાર સંબંધી શાહરુખ ખાનના ડાયલોગ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હું રાજસ્થાનનો વતની છું. બિશ્નોઈ સમાજના લોકો મારા મિત્રો છે. કાળિયારની રક્ષા કરવી એ તેમના ધર્મનો એક ભાગ છે, પણ કોઈ મુસ્લિમ કાળિયાર વિશે આવું બોલતો હોય તો તે વખોડવા લાયક છે. એટલે મેં તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. (પીટીઆઈ)