(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જોરદાર સફળતા બાદ હવે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પ્રકાશમાં આવી છે. માહિતી મળી રહી છે કે 29 નવેમ્બરે શપથગ્રહણ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેબિનેટમાં કુલ 20 પ્રધાનો શપથ લેશે. શિવસેનાના પ્રધાનોના નામ પર મહોર લાગી ગઈ છે. પ્રથમ તબક્કામાં શિવસેનાના પાંચ પ્રધાનો શપથ લેશે અને એનસીપીના પણ પાંચ પ્રધાનો શપથ લેશે. ભાજપના 10 પ્રધાનો શપથ લઈ શકે છે. બંને પક્ષોએ સંભવિત વિધાનસભ્યોના નામ દિલ્હી મોકલ્યા હતા. જેને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: 1 લાખથી વધુ મત મેળવ્યા પછી પણ 58 ઉમેદવારના નસીબમાં હાર
કોણ બનશે પ્રધાન?
જાણવા મળ્યું છે કે શિવસેના તરફથી એકનાથ શિંદે, ઉદય સામંત, તાનાજી સાવંત, દીપક કેસરકર, શંભુરાજ દેસાઈ શપથ લેશે. એનસીપી તરફથી અજિત પવાર, અદિતિ તટકરે, અનિલ પાટીલ, ધનંજય મુંડે અને દિલીપ વળસે-પાટીલ શપથ લેશે. પરંતુ મુખ્ય પ્રધાન કોણ બનશે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. પ્રથમ તબક્કામાં આવા કુલ 20 પ્રધાનો શપથ લેવાના છે.
ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાથી ભાજપ પાસે વધુ પ્રધાનો હશે. તે પછી શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના પ્રધાનો બનશે. કેબિનેટમાં બે નાયબ મુખ્ય પ્રધાન હોય તેવી પણ શક્યતા છે.
આ પણ વાંચો: ગામમાં પાર્ટીને એકેય મત મળ્યો નહીંઃ કોંગ્રેસના પ્રવક્તાએ કરી ચોંકાવનારી વાત…
દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન પદના પ્રબળ દાવેદાર છે. જોકે મહાયુતિ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડ્યું હતું, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ પાસે તમામ ફોર્મ્યુલા હતી. દેવેન્દ્ર ફડણવીસે તેમની વ્યૂહરચનાથી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિના રેકોર્ડબ્રેક ઉમેદવારોને જિતાડ્યા છે. 2019માં ફડણવીસ મુખ્ય પ્રધાન બની શક્યા નહીં કારણ કે ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધન તોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે જવાનું નક્કી કર્યું. પરંતુ ફરી એકવાર તે જનતાના સમર્થનને કારણે આ રેસમાં આગળ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને