પ્રેક્ષકોનાં ન સ્વીકારાય એવા ‘લાફ્ટર’ સાથે પ્રથમ શો પત્યો. એ વખતે બ્લોક બુકિંગ બહુ થતાં નહીં, હા પ્રેક્ષકો ટિકિટ બારી ઉપર નિર્માતા ‘સરભર’ થઈ રહે એવો ઉમળકો બતાવતાં. નાટક દરમિયાન પહેલી વાર કલાકારો સાથે નાની-મોટી દલીલો થતી રહેતી.
‘શક’ જોઈએ એવું ઊપડ્યું નહીં. થિયેટરોની તારીખો તો ‘ગુડવીલ’ની જમાપૂંજી સામે મળતી રહેતી. હું મન મનાવતો, કથાવસ્તુ તો સારી હતી, કોમેડી ખૂટતી હતી. મારી જીદ કે ‘જોક્સ’ નાખીને કોમેડી ઊભી કરી વાર્તા-પ્રવાહમાં વિક્ષેપ પાડી પ્રેક્ષકોની રસક્ષતિ ન કરવી.
ઈશ્ર્વર સારી વ્યક્તિને પણ થોડો ખરાબ સમય તો જરૂર બતાવે છે એ એને દુ:ખી કરવા નહીં , પણ પોતાનો અને પોતાનાનો પરિચય કરાવવા માટે. મિત્રો માટે જયારે વિચારું છું ત્યારે એક વસ્તુનું જ્ઞાન મને થયું કે સંબંધનું આયુષ્ય તમે ઘસાવ ત્યાં સુધીનું જ હોય છે.
આ નાટકનો અનુભવ વિચિત્ર રહ્યો. જેમને નાટક વિશે પણ કદાચ સમજ નહોતી એમની સામે મેં મન મૂકીને કામ કર્યું, પણ વખત આવે સંભળાવી દેવામાં એમને શરમ પણ નહોતી નડતી. અમુક કલાકારો, પોઝિશન વધતી ગઈ એમ પોતાની અગત્યતા બતાવતા ગયાં. આવું થતું હોય છે, જયારે તમારું નાટક પ્રેક્ષકો સામે ૧૯-૨૦ સાબિત થાય. આ નાટકમાં પ્રતાપ સચદેવ તો મિત્ર હતો. મેં ‘શક’ એક માત્ર એને માટે ડિરેક્ટ કર્યું અને સનત વ્યાસને ‘વાત મધરાત…’ પછી તો અમે ત્રણેય જુદા-જુદા નિર્માતા સાથે કામ કરતા. ‘શક’ જોઈએ એવું ચાલતું નહોતું એટલે ઘણાંનાં તેવર બદલાતા રહ્યાં.
કુદરતનો નિયમ છે કે પોતે પગભર થઈ ગયા પછી બીજાને પગ નીચે ધકેલતાં વાર નથી લાગતી. આ સમય ‘અહમ’ ની આડ લઈ આવી જાય છે. કહે છે ને કે માણસ ગેરસમજ પણ પોતાની સમજ પ્રમાણે બતાવે છે. બધા બીજા નાટક વિશે અચાનક વિચારતા થઈ ગયા. ‘શક’ આમ ‘ફ્લોપ’ જ કહી શકાય, કહેવાતા જાણીતા કલાકારો ભેગા કર્યા પછી પણ…. લાગે કે નાટક નહિ ચાલે પછી બંધાયેલી લાગણી ઓછી થવા માંડે.
બીજી તરફ, ‘વાત મધરાત…’ વખતે ઉમળકો અલગ દેખાયેલો. દલીલો પણ નહોતી. આ નાટકમાં રિસ્પોન્સ ન દેખાતા કલાકારોની બદલાયેલી વર્તણૂક દેખાવા માંડેલી. આગળ-પાછળ થતી વાતો વિશે ખબર પડતા મન ગ્લાનિ અનુભવતું. અંધારાથી બીક નહોતી લાગતી, અંધારામાં રાખનારની બીક લાગવા માંડેલી. ખેર! સૌને પોતાના સંસ્કાર સાચવવાનો હક છે.
રાજેન્દ્ર શુકલ, તુષાર શાહ અને હું, આખા પ્રોજેક્ટનું વિષ્લેષણ કરતાં. ક્યાંય કોઈ કચાશ નહોતી, છતાં ‘કઈક એવું’ હતું જે પ્રેક્ષકોને અપીલ ન કરી શક્યું.
આમેય રાજેન્દ્ર એટલે ‘ફાસ્ટ-ફૂડ’. કોઈ વિષય ફ્લોપ ગયો કે તરત બીજો સંભળાવી દે. મારા દુ:ખથી એ પણ દુ:ખી હતો. મને કહે : ‘દોસ્ત. ભૂલી જા બધું. લાઈફમાં શાંતિ જોઈતી હોય તો બીજાનાં દોષો માટે આંધળા થઈ જવું, પછી કોઈ પણ હોય. ફરી મહેનત કરીશું.’ મને બીજાનાં દોષ કરતાં મારી સમજમાં જ ખામી લાગતી હતી.
ખેર! બીજે દિવસે નવી વસ્તુ લઈ આવવાની વાત સાથે છૂટા પડ્યા. અમદાવાદના અભય શાહ અને ધનજી સોલંકીએ પણ ‘શક’માં રસ ન લીધો, જે સ્વાભાવિક હતું. મૂળ ‘કોમેડી-મિસિંગ’ હતી એ શક વગરની હકીકત હતી. આજે તો કોમેડી નાટકોનો રાફડો ફાટે છે. અપવાદ હોય છે, પણ વેઢે ગણાય એટલાં.
નિર્માતાના મનમાં એક ગ્રંથિ છે કે પ્રેક્ષકો, મુંબઈમાં આખો દિવસ ‘ટેન્સન’માં અને ખોટી હાય- વોયમાં પસાર કરી અઠવાડિયે મનોરંજન માણવા અને રિલેક્ષ થવા આવે છે. ત્યાં રોના-ધોનાવાળાં નાટકો એ ન સ્વીકારે પછી કલેક્શનમાં બ્રેક જ લાગે.લોકોને કારણ હોય કે ન હોય, હસવું જ છે. આ માન્યતા દ્રઢ થઈ ગઈ છે. કોઈ પણ વાતને હળવાશથી કહેશો તો કડવાશ નહિ થાય અને ટિકિટબારી છલકાશે. ‘વાત મધરાત..’ નાટકે એ સાબિત કરેલું, પણ મેં મારી જીદ પકડી રાખી એનું આ પરિણામ.
ટૂંકમાં ‘શક’ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવવું એમ નક્કી થયું. થિયેટરની તારીખો તો હતી. અને આવતી રહેતી હતી. બે-ચાર શો જોઈએ એ દરમિયાન નવું નાટક તૈયાર કરી લઈએ.
બીજે દિવસે રાજેન્દ્ર શુકલ એક બોલ્ડ વિષય સાથે આવ્યો. વાત એક યુવતીને વેશ્યા બનાવતા પ્રોસેસની હતી. મેં તરત કહ્યું : ‘શક’ બેશક ચાલશે એ આશા તો ફળીભૂત ન થઈ ત્યાં પાછો આવો વિષય?’
રાજેન્દ્ર કહે : આ વિષય હાથવગો હતો, ઠીક છે કોઈ કોમેડી સબ્જેક્ટ શોધું છું. કોને ખબર, પણ તુષાર શાહને આ વિષય ખુબ પસંદ પડ્યો. નિર્માણ એમણે કરવાનું હતું. એ વેપારી હતા અને એમની જીદે જ ‘વાત મધરાત..’નાટક જન્મ્યું અને હીટ પણ ગયું. ફરી એમની જીદ સામે મેં અને રાજેન્દ્રએ બીજી વાતો જતી કરી દીધી. અમુક વાર તમારી જતું કરવાની આદત બીજાની ધાર્યું કરવાની આદત બની જતી હોય છે.
તુષારભાઈએ આ ‘વેશ્યા’ નાં વિષય ઉપર પોતાની મંજૂરીની મહોર લગાવી દીધી. રાજેન્દ્ર કહે : ‘આપણે કોલગર્લનાં અડ્ડામાં જઈ જાણવું તો પડશે કે સીધી સાદી યુવતીઓ આ ‘ધંધા’મા કઈ રીતે આવી જતી હોય છે? આવા અડ્ડાની માલકિન આપણને જણાવે તો નાટકની વાત વાસ્તવિકતા ભરી લાગે.’
તુષારભાઈ એ રાત્રે પારડી નીકળી જવાના હતાં. મને કહે, ‘દાદુ, તમે અને રાજેન્દ્ર ‘એવી’ જગ્યાએ જઈ આવજો’.
એમણે તો કહી દીધું, પણ મને તો પરસેવો વળી ગયો….
કુંવારા માણસ સાથે જીભા-જોડી ન કરવી, કારણકે એને સાંભળવાનો અનુભવ નથી હોતો.