-મહેશ્વરી
દરેક કલાકાર સાથે આવું બનતું જ હોય છે. કોઈ નાટક સુપરહિટ જાય તો રાજીના રેડ થઈ જવાય અને કોઈ નાટકને સાવ મોળો આવકાર મળે તો નર્વસ થઈ જવાય. એવું જ પ્રેક્ષકોની બાબતમાં બનતું હોય છે. જૂની રંગભૂમિમાં એવાં અનેક ઉદાહરણ શેઠિયાઓના જોવા મળ્યાં હતાં જે ગુજરાતના કોઈ ખૂણેથી વિમાન પકડી નાટક જોવા મુંબઈ આવતા
મુંબઈ શહેરમાં મારા રઝળપાટની કથા આગળ વધારું એ પહેલા ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થતી આ કોલમના સંદર્ભે થયેલો એક સરસ મજાનો અનુભવ વાચકો સાથે શૅર કરવાની લાલચ હું નથી રોકી શકતી. ભાંગવાડી થિયેટરમાંથી છૂટા થયા પછી મરાઠી નાટકોમાં મેં કામ કર્યું હતું એ વાંચી એક વાચકે મને ૮૮ વર્ષ પહેલા ભજવાયેલા મરાઠી નાટક ‘એકચ પ્યાલા’ નાટકની જાહેરખબર મોકલી. આ નાટકના લેખક હતા રામ ગણેશ ગડકરી.
ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીમાં જન્મેલા શ્રી ગડકરીના નાટ્યલેખનની એક રસપ્રદ વાત એ છે કે તેમણે લખેલા મોટાભાગના નાટકના નામ પાંચ અક્ષરના હતા: એકચ પ્યાલા, ગર્વ નિર્માણ, પુણ્ય પ્રભાવ, પ્રેમ સંન્યાસ, ભાવ બંધન, રાજ સંન્યાસ વગેરે. તેમના નાટક ‘એકચ પ્યાલા’ની જાહેરાત વર્ષો સુધી એવરગ્રીન (સદાબહાર) નાટક તરીકે થતી આવી છે.
મરાઠી રંગભૂમિના ઈતિહાસના અનન્ય નાટકોની યાદીમાં વટથી બિરાજતું આ નાટક છે. દારૂના વ્યસનને કારણે સુધાકર જેવી એક બુદ્ધિમાન, તેજસ્વી અને સ્વાભિમાની વ્યક્તિ પોતાની સાધ્વી જેવી પત્ની સિંધુ અને પોતાના સંસારનો કેવી રીતે સર્વનાશ કરે છે એ પ્રભાવી ભાષા અને રોમાંચક ઘટના દ્વારા ગડકરીએ લોકોને સમજાવ્યું છે. નાટકમાં દારૂના વ્યસનની મીમાંસા ગડકરીએ કરી છે.
આ અજરામર નાટકની અચરજ પમાડે એવી વાત એ છે કે લેખક રામ ગણેશ ગડકરીના અવસાન પછી આ નાટકનો પ્રથમ પ્રયોગ ભજવાયો હતો. ૨૩મી જાન્યુઆરી, ૧૯૧૯ના દિવસે ગડકરીનું અવસાન થયું અને નાટક ૨૦મી ફેબ્રુઆરી, ૧૯૧૯ના દિવસે વડોદરામાં પહેલીવાર ભજવાયું હતું. મારા સદનસીબ કે નાટ્ય સફરના પ્રારંભ કાળમાં જ્યારે હું ગણેશોત્સવ દરમિયાન મરાઠી નાટકોમાં કામ કરતી હતી
ત્યારે ‘એકચ પ્યાલા’માં કામ કરવાનો મોકો મને મળ્યો હતો. સીમાચિહ્ન બની ગયેલા આ નાટકને ગુજરાતી રંગભૂમિ સાથે શું નિસ્બત એવો સવાલ તમને થયો હોય તો એ સ્વાભાવિક કહેવાય. આ મરાઠી નાટકનો તંતુ ગુજરાતી નાટ્ય લેખક સાથે જોડાયો હોવાની જાણ હું દેશી નાટક સમાજમાં હતી ત્યારે મને થઈ હતી.
વાત વિગતે જાણવા જેવી છે. સિદ્ધહસ્ત નાટ્ય લેખક મૂળશંકર મુલાણી લિખિત ‘સૌભાગ્ય સુંદરી’ નાટકને જોરદાર સફળતા મળી જેને પરિણામે લેખકશ્રીને સામાજિક નાટકોલખી પ્રેક્ષકોની રુચિ વાળવાની પ્રેરણા મળી હતી. તેમણે ‘જુગલ જુગારી’ નામનું નવું સામાજિક નાટક લખ્યું.
નાટકના બે મુખ્ય પાત્ર જુગલ અને લલિતા હતા. જુગલનો પાઠ બાપુલાલ નાયકે ભજવ્યો, જ્યારે લલિતાનો પાઠ જયશંકર સુંદરીએ કર્યો. આ નાટકનો પ્રથમ પ્રયોગ ૧૯૦૨માં થયો હતો. નાટકને અફાટ લોકપ્રિયતા મળી અને એવું કહેવાયું હતું કે જેમ ‘ભર્તુહરિ’ નાટક જોયા પછી કેટલાક લોકોએ સંસાર છોડ્યો હતો અને ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયા પછી ગાંધીજીને સત્યના પ્રયોગો શરૂ કરવાની પ્રેરણા મળી હતી અને કેટલાક લોકોએ અસત્ય નહીં બોલવાનું વ્રત લીધું એ જ રીતે ‘જુગલ જુગારી’ જોયા પછી અનેક લોકોએ જુગાર રમવાનું છોડી દીધું હતું. હૃદય હચમચાવી નાખે એવા નાટકના સંવાદોએ જનમાનસ પર ઘેરી અસર કરી હતી.
નાટ્ય લેખક શ્રી મુલાણીના અવસાન પછી જયશંકર ‘સુંદરી’એ આકાશવાણી પરથી અંજલિ આપતા કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના લોકપ્રિય નાટ્યકાર શ્રી ગડકરીને તેમના સર્વશ્રેષ્ઠ નાટક ‘એકચ પ્યાલા’ લખવાની પ્રેરણા કદાચ ‘જુગલ જુગારી’ પરથી મળી હોય તો નવાઈ નહીં.’ જયશંકર ભાઈ જેવી વ્યક્તિ આવી વાત કરે ત્યારે એ કેવળ તર્ક નહીં પણ તર્કથી વિશેષ હોવાની સંભાવના છે.
એક ગુજરાતી નાટક અમર બની ગયેલા મરાઠી નાટક માટે પ્રેરણારૂપ બન્યું હોય એ ગુજરાતી રંગભૂમિ માટે ગૌરવ લેવા જેવી ઘટના કહેવાય. કોઈ જાણકાર આ વાત પર વધુ પ્રકાશ પાડી શકે તો એનાથી રૂડું શું? ‘મુંબઈ સમાચાર’ આવી જાણકારી બહાર લાવવામાં નિમિત્ત બને તો સહુ કોઈને હરખ થશે.
ગયા અઠવાડિયે અધૂરી રહેલી વાતનું અનુસંધાન આગળ વધારીએ. દરિયો નજીક હોવાથી બાળકોને સાંતાક્રુઝમાં મોજ પડી રહી હતી અને બાળકો ખુશ એટલે મા પણ ખુશ જ થાય. ત્રણેક મહિના સુધી તો નવી જગ્યા નહીં શોધવી પડે એમ હોવાથી અચાનક ઘર છોડવાની પળોજણ ઊભી નહીં થાય એ વાત નિરાંત આપનારી હતી.
એક દિવસની વાત છે. મારા રિહર્સલ નહોતા એટલે સેનેટોરિયમના ગાર્ડનમાં બાંકડા પર બેઠી હતી. બાળકો રમવામાં મશગૂલ હતા અને એમનો ખીલખીલાટ મારા માટે વિટામિનની ગરજ સારતો હતો. આમ પણ હું મક્કમ મનોબળ ધરાવતી હતી અને બાળકોના પ્રસન્ન ચહેરા મજબૂત મનોબળનો ગુણાકાર કરી રહ્યા હતા. બેઠા બેઠા હું વિચારે ચડી અને ભૂતકાળમાં સરી ગઈ.
શરૂઆતમાં ગણેશોત્સવ વખતે કરેલા નાટકોથી શરૂ થયા ત્યારબાદ એક પછી એક પ્રસંગ નજર સામે તરવરવા લાગ્યા. કોઈ સારા હતા કોઈ નરસા પણ હતા. અલબત્ત દરેક કલાકાર સાથે આવું બનતું જ હોય છે. કોઈ નાટક સુપરહિટ જાય તો રાજીના રેડ થઈ જવાય અને કોઈ નાટકને સાવ મોળો આવકાર મળે તો નર્વસ થઈ જવાય. એવું જ પ્રેક્ષકોની બાબતમાં બનતું હોય છે.
જૂની રંગભૂમિમાં એવા અનેક ઉદાહરણ શેઠિયાઓના જોવા મળ્યા હતા જે ગુજરાતના કોઈ ખૂણેથી વિમાન પકડી નાટક જોવા મુંબઈ આવતા. કોઈ પાત્ર કે નટ – નટી પર ઓળઘોળ થાય તો એમને મોંઘીદાટ બક્ષીસ પણ આપતા. કેટલાક એવા પ્રેક્ષકો પણ હતા જે ચોક્કસ રોની ચોક્કસ સીટમાં જ બેસી નાટક જોવાનો આગ્રહ રાખતા હતા. અમે જે નાટકો ભજવતા હતા એ જોવા કોઈ છાયાભાઈ નામના ગૃહસ્થ નિયમિત આવતા. શરૂઆતમાં તો એ સીટ પર બેસી અમારા પરફોર્મન્સ બિરદાવતા અને અમને એ ગમતું, કોઈ પણ કલાકારને વાહ વાહ તો ગમતી જ હોય.
ધીરે ધીરે એ મહાશય નાટક પત્યા પછી અમને મળવા આવી સંબંધ વધારવાની કોશિશ કરવા લાગ્યા. એક પછી એક ડગલું આગળ વધી એક દિવસ અમને જમવાનું આમંત્રણ પણ આપ્યું. હું ને માસ્તર સાથે ગયા અને અમારો પરિચય વધવા લાગ્યો. અમારા ઘરે પણ આવતા થયા.
સંબંધ ઘનિષ્ઠ બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. એવામાં અમારે ગુજરાત ટુરમાં જવાનું થયું. છાયા ભાઈ મૂળ રાજકોટના અને રાજકોટમાં પણ અમારા શો હતા. રાજકોટમાં તેમણે અમને એક જણને ત્યાં પ્રાઇવેટ કાર્યક્રમ કરવાનું આમંત્રણ આપ્યું, પણ પછી એવું બન્યું કે…
નાટકમાં પહેલીવાર ગરબા – રાસ…
આજની તારીખમાં મોરબી સિરામીક ટાઈલ્સ અને ઘડિયાળના ઉદ્યોગથી ધમધમતા શહેરની ઓળખ ધરાવે છે. જોકે, આ મોરબીના લલાટે મચ્છુ ડેમની હોનારત પણ અંકિત છે.
આ ઓળખ વચ્ચે નાટ્ય સૃષ્ટિ સાથેના સંબંધની ઓળખ વિસરાઈ ગઈ છે. ‘આર્ય સુબોધ નાટક મંડળી’માંથી છૂટા થઈ મોરબીના બંધુઓ વાઘજીભાઈ તથા મૂળજીભાઈ આશારામ ઓઝાએ એ મંડળીના નામ આગળ ‘મોરબી’ શબ્દ ઉમેરી ‘મોરબી આર્ય સુબોધનાટક મંડળી’ના નવા નામે નાટ્ય પ્રવૃત્તિ શરૂ કરી હતી.
વાઘજીભાઈ સંસ્કૃતના અભ્યાસુ હતા. તેમના ‘રાજા ભરથરી’ની સફળતાથી કંપની લોકપ્રિય બની ગઈ. વાઘજીભાઈ સતત કશુંક નવું આપવા વિચારતા રહેતા અને કેવળ વિષય પૂરતા સીમિત ન રહેતા ભજવણીમાં પણ શું નવું કરી શકાય એની તાલાવેલી તેમને રહેતી.
કહેવાય છે કે ૧૮૯૩માં મુંબઈમાં ભજવાયેલા તેમના નાટક ‘ત્રિવિક્રમ’માં પહેલી વાર નાટકમાં ગરબા અને રાસને રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રયોગ સફળ સાબિત થયો અને ગુજરાતણોને રીતસરનું ગરબાનું ઘેલું લાગ્યું. આ જોઈ ડાહ્યાભાઈ ધોળશાજીએ પણ પોતાના નાટકોમાં રાસ અને ગરબા રાખવાનું શરૂ કરી દીધું હતું. (સંકલિત)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને