મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
આજે તો સવાર સવારમાં જ ચુનિયાના ઘરવાળાનો ફોન આવી ગયો.હજી તો હું ઊંઘમાં હતો ત્યાં મારી ઘરવાળીએ મને જગાડ્યો કહ્યું કે `ભાભીનો ફોન છે …વાત કરો’ હાંફળા ફાફળા થઈ મેં ફોન રિસીવ કર્યો :
બોલો.. બોલો ભાભી, કંઈ તકલીફ પડી?’તકલીફ તો શું પડે, પરંતુ કાલ તમારા ભાઈ તમારી સાથે પ્રોગ્રામમાં આવેલા તો એને તમે તમારી સાથે હોટલમાં નહોતા રાખ્યા? આખો થેલો મેં જોઈ લીધો- ક્યાંય શેમ્પૂ કે સાબુ દેખાયા નહીં અને તમે જે હોટલમાં ઊતરવાનું કહેતા હતા તે હોટલમાં તો આખી કિટ આપે છે.’ મેં તરત જ કહ્યું : ના ના, ભાભી એવું નથી અમે તે જ હોટલમાં ઉતરેલા.’ ફોનમાં દેકારો સાંભળી અને ચુનિયો એના ઘરે ઉઠી ગયો હશે. એણે પોતાની ઘરવાળીને ખખડાવી કેઅત્યારે સવારના પોરમાં મિલનભાઈ ને ક્યાં જગાડે છે મને પૂછ તો ખરી? જો, બેગના ચોર ખાનામાં હશે અને હા, ગયા વખતના `પ્રિન્સ હોટલ’ના શેમ્પૂ અને સાબુ હજી ક્યાં પૂરા થયા છે કે તારે નવા કાઢવા છે.’ સામા છેડે મેં આ વાત સાંભળી લીધી ને ફોન મૂકી દીધો.
આવા સંજોગોમાં તમે ચુનિયાને ચોર કહી શકો? હું કહું છું ના, એ ચોરી ના કહેવાય. અમુક લોકોની પ્રકૃતિ સાથે જોડાયેલી એ ચીજ છે. જ્યારે જ્યારે પ્રોગ્રામમાં કોઈ હોટલમાં હું ઊતં છું ત્યારે ત્યારે ચુનિયો મારી સાથે આવે છે. શરૂઆતમાં મને એમ થતું હતું કે મને કંપની દેવા માટે આવે છે, પરંતુ ચાર -પાંચ વારના અનુભવ પછી મને એવું થયું કે આને મારા પ્રોગ્રામ કરતાં હોટલની કીટમાં રસ છે. એમાં પણ જો દસેક દિવસ મારે કાર્યક્રમમાં હોટલમાં રહેવાનું ન થયું હોય તો સામેથી પૂછે : `મિલનભાઈ, કાર્યક્રમો ઘટી ગયા કે શું? કે પછી કોઈ હોટલ નથી આપતું? ત્યારે હું મારી બેગમાંથી એને કીટ મોકલી દઉં છું. ઘણા વાચક મારી વાત સાનમાં સમજી ગયા હશે..
ઘણા તો એવા હોય છે કે બે દિવસ હોટલમાં રહે તો હોટલમાં નહાય નહીં ને જે કીટ આવતી હોય તે ઘરે લઈ જાય. ચા-કોફી, સુગર, સુગર ફ્રીના પાઉચ, નાસ્તાના પડીકા, ફોર સ્ટાર કેટેગરીની ઉપરની હોટલ હોય તો કાજુ -બદામ- પિસ્તાના પડિકા, ફ્રૂટ પણ હોય. મારે તો પાર્ટીના ખર્ચે હોટલ હોય એટલે હું ન લઉં. પુરસ્કારની રકમથી સંતોષ માની લઉં, પરંતુ ક્યારેક જોડે આવેલા લોકો સિફતથી સરકાવી લે ત્યારે તકલીફ પડે. ચુનિયો તો બિચારો શેમ્પૂ સાબુના પાઉચ સુધી જ રહે છે. એકવાર મારા એક બીજા મિત્રને હું કાર્યક્રમમાં લઈ ગયો હતો, સારામાં સારી હોટેલમાં ઉતારો હતો એ મિત્ર સાથે એક મોટી બેગ લાવેલો મેં એને કહ્યું કે, તારે આટલા બધા કપડાંની શું જરૂર હોય?' એ મને કહે :તમને ન ખબર પડે મારે કામ છે એમ કહી એ મારી સાથે આવ્યો, પરંતુ જ્યારે હોટેલમાંથી બીજે દિવસે ફોન આવ્યો કે `સાહેબ તમારી રૂમમાંથી એક ટુવાલ, ચાની કીટલી, એસીનું રિમોટ, બે કાચના ગ્લાસ ઉપરાંત બે ચમચી વિગેરે ગુમ છે’ ત્યારે મને મોટી બેગનું રહસ્ય સમજાણું, છતાં હું મિત્રને તો ન કહી શક્યો અને તેનું બિલ હોટલવાળાને ચૂકવી આપ્યું.
આ એક સાઈકોલોજીકલ ડિસઓર્ડર છે, જેને “ક્લેપ્ટોમેનિયા” નો રોગ કહે છે. 5,000 રૂ. નો આપણે રૂમ રાખી શકીએ છીએ , પરંતુ પાંચ રૂપિયાના સાબુ અને શેમ્પૂને છોડી શકતા નથી. હોટલની ક્વોલિટી કરતાં સારામાં સારી ક્વોલિટી આપણે ઘરે વાપરતા હોઇશું, પરંતુ હોટેલમાંથી તે લેવાની મજા જ કંઈક જુદી છે. સામાન્ય રીતે મોલમાંથી ચોરી ઓછી થતી હોય છે ,પરંતુ તેમાં પણ ઘણી બહેનો પાંચ રૂપિયાના માથામાં નાખવાના બકલ, નાની શેમ્પૂની બોટલ, સારી ક્વોલિટીની ચોકલેટ કે બિસ્કીટ ક્યારેક ઉપાડી લે છે. હું એમ નથી કહેતો કે એ બહેનો ચોરી કરે છે , પરંતુ દસ હજાર રૂપિયાનું શોપિંગ કરે તો શું તે સો રૂપિયાનું આવું નાની- મોટી વસ્તુનું બિલ ચૂકવી ન શકે? પરંતુ ના, એ એક થ્રિલની વાત છે તેવું તે લોકોનું માનવું છે.
મોલમાં હમણાં એક કાકીએ બિસ્કિટનું પેકેટ તફડાવ્યું, ખબર પડી ગઈ. એટલે કેસ કોર્ટમાં ગયો ત્યારે જજે હુકમ કર્યો કે બિસ્કીટના પેકેટમાં જેટલા બિસ્કીટ હોય તેટલા દિવસની સજા કરવામાં આવશે…! 10 બિસ્કીટ હતા એટલે દસ દિવસની સજા..એ મુજબ હજી તો ચુકાદો લખાય ત્યાં જ કાકાએ પાછળથી કહ્યું કે કાકીએ એક મમરાનું પેકેટ પણ તફડાવ્યું છે. તમે નહીં માનો, કોર્ટમાં પંખો બંધ કરી અને સાંજ સુધી લોકોએ મમરા ગણ્યા.!
રેલવેમાં એસી કોચમાં મુસાફરી કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તમે વધારે ભાડું ચૂકવો છો છતાં દસ રૂપિયાના નેપકીન ઘરે લાવવાનો રોમાંચ અનોખો છે. એ નેપકીનથી તમે ઘરે મોઢું લૂછવાના નથી કે મહેમાનોની હાજરીમાં તમે બેઝીન પાસે ટીંગાડવાના… આ બધી વસ્તુ લેવી તેને હું ચોરી નથી ગણતો, કારણ કે તેનાથી કોઈને કદાચ ઝાઝું નુકસાન થતું નથી. મધ્યમ વર્ગ આનાથી વિશેષ કશું કરી પણ શું શકે? બીજી તરફ મોટા મગરો તો ટેક્સ બચાવવા માટે આડા અવળા ધંધા કરે અને કરોડો રૂપિયાનો ચૂનો લગાડે તો તે ચોરી જ કહેવાય. જોકે એક દલીલ એવી પણ છે કે તે જેટલું કમાય છે અને તેના પ્રમાણમાં જે ચોરી કરે છે તે ખરેખર સાબુ – શેમ્પૂ જેટલું જ કહેવાય…!
વિચારવાયુ: `ક્લિપ્ટોમેનીયા સિન્ડ્રોમ’ની તીવ્રતા જેટલી વધુ એટલો એ મોટો ને સફળ અધિકારી… આ વાત સાચી?
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને