Agriculture Minister

નવી દિલ્હી: કેન્દ્રિય કૃષિ પ્રધાન શિવરાજ સિંઘ ચૌહાણે આજે દેશની ૩૦ ટકા જમીનની ગુણવત્તા અથવા તો ફળદ્રુપતામાં થઈ રહેલા ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ બાબત કૃષિ ક્ષેત્ર માટે ચિંતાનો વિષય છે.

અત્રે જમીન અંગે યોજાયેલા પરિસંવાદમાં વીડિયોે કોન્ફરન્સિંગ મારફતે સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે વિકાસ માટેના શૂન્યના સ્તરે ભૂખમરો, હવામાનને લગતા પરિબળો જમીનથી જીવન જેવાં નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા માટે જમીનની ગુણવત્તામાં સુધારો આવશ્યક છે.

આપણે વર્ષે ૩૩ કરોડ ટન જેટલું ખાદ્યાન્નનું ઉત્પાદન કરીએ છીએ અને અંદાજે ૫૦ અબજ ડૉલરના મૂલ્યની નિકાસ કરીએ છીએ. જોકે, આ સફળતા હાંસલ થવાની સાથે સાથે જમીનના સ્વાસ્થ્યમાં ધોવાણની ચિંતા પણ સપાટી પર આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ચૌહાણના મતાનુસાર ફર્ટિલાઈઝરના વપરાશ, ખાતરનો અસમતુલિત ઉપયોગ, કુદરતી સ્રોતનો બગાડ અને જમીન જાળવણી અંગે અપનાવેલી ખોટી પદ્ધતિઓ જેવાં કારણોસર દેશની ૩૦ ટકા જેટલી ખેતજમીનની ગુણવત્તા નબળી પડી છે.

આ સંદર્ભે સરકારે ઘણાં પગલાં લીધા છે જેમાં ખાસ કરીને અંદાજે બાવીસ કરોડ કરતાં વધુ ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય કાર્ડ (સોઈલ હેલ્થ કાર્ડ) આપવામાં આવ્યા છે અને માઈક્રો ઈરિગેશન, સેન્દ્રિય અને કુદરતી ખેતી જેવી બાબતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

જોકે, તેમણે વધતા જતા તાપમાન, અનિયમિત વરસાદ અને બદલાતા હવામાન જેવાં પડકારો તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમ જ ટૂંક સમયમાં જ વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે નજીકતા આવે તે માટે મોર્ડન એગ્રિકલ્ચર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં આ પ્રસંગે નીતી આયોગના સભ્ય રમેશ ચંદે દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવાં દેશોમાં સંરક્ષિત કૃષિ અને શૂન્ય ખેડાણ જેવી પદ્ધતિનો સફળતાપૂર્વક અમલ થયો હોવા છતાં આપણે ત્યાં તેનો અમલ કેમ ઓછો થાય છે,

અવો પ્રશ્ન કર્યો હતો, જ્યારે અમુક બિન સરકારી સંગઠનો અને ખાનગી કંપનીઓ રિજનરેટિવ એગ્રિકલ્ચર અને કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરી રહી છે, પરંતુ તેનો વ્યાપ મર્યાદિત રહેતો હોવાનું તેમણે જણાવવાની સાથે તેમણે ઈન્ડિયન સોઈલ સાયન્ટિસ્ટ સોસાયટીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા આહ્વાન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને