bjp hindu campaigner  wins kundarki spot   uttar pradesh

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીના પરિણામો બાદ કુંદરકી બેઠક પરના પરિણામે ભાજપને ખુશખુશાલ કરી દીધું છે તો સપા સહિત વિપક્ષી પાર્ટીઓને ઝટકો આપ્યો છે. અંદાજે ત્રણ દાયકા બાદ આ બેઠક પર ભાજપ કમળ ખિલાવી શક્યું છે. વળી આ બેઠક પર મુસ્લિમ બહુમતી હોવા છતાં 11 મુસ્લિમ ઉમેદવારોને હરાવીને ભાજપના હિંદુ ઉમેદવાર જીત્યા છે. જ્યારે સપાની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ. અહીંના પરિણામોએ રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા છે.

સૌથી વધુ મત ભાજપને

ઉત્તર પ્રદેશની વિધાનસભા બેઠકો પર થયેલ પેટા ચૂંટણીના મતદાનમાં કુંદરકી બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે. અહીં EVMમાં 2 લાખ 21 હજાર 999 મત પડ્યા હતા અને પોસ્ટલ વોટ દ્વારા 98 મત એટલે કે કુલ 2 લાખ 22 હજાર 97 મત પડ્યા હતા. જેમાંથી એકલા ભાજપના ઉમેદવાર રામવીર સિંહને 1 લાખ 70 હજાર 371 વોટ મળ્યા છે. પોસ્ટલ બેલેટ દ્વારા પડેલા 98 વોટમાંથી રામવીરને સૌથી વધુ 68 વોટ મળ્યા છે. ભાજપના જે કુલ મતદાનની ટકાવારીના 76.71 છે. ઉમેદવાર સરકારી અધિકારીથી લઈને સામાન્ય જનતામાં પણ સૌથી વધુ પસંદ ઉમેદવાર હતા તેનો સ્પષ્ટ અર્થ મતદાનના આંકડા સમજાવી આપે છે.


Also read: નાંદેડ લોકસભા સીટ પર મોટો અપસેટ, મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં કોંગ્રેસનો વિજય


સપાની ડિપોઝિટ જપ્ત

રામવીરને સવા બે લાખમાંથી પોણા બે લાખ મતો મળ્યા છે, જ્યારે સપાના મોહમ્મદ રિઝવાનને માત્ર 25 હજાર 580 વોટ મળ્યા છે. આ રીતે ભાજપના રામવીરે સપાના રિઝવાનને 1 લાખ 44 હજાર 791 મતોની સરસાઈથી હરાવ્યા છે. ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટીના ઉમેદવાર ત્રીજા સ્થાને રહ્યા છે. તેમને 14194 મત મળ્યા છે. ઓવૈસીની પાર્ટી AIMIMના મોહમ્મદ વારિશ ચોથા ક્રમે રહ્યા અને તેમને 8111 મત મળ્યા છે.

મુસ્લિમ જાતિ ફેક્ટર નડ્યું

હિંદુઓની જેમ મુરાદાબાદ અને સંભલ વિસ્તારમાં મુસ્લિમોમાં પણ અલગ અલગ જાતિઓ છે. કુંદરકી બેઠક પર 60 ટકાથી વધુ એટલે કે લગભગ 62 ટકા મુસ્લિમ મતદારો છે. જેની સંખ્યા દોઢ લાખની આસપાસ છે. અહીં લગભગ 40 હજાર તુર્ક મુસ્લિમો છે. લગભગ 1 લાખ 10 હજાર અન્ય મુસ્લિમ જાતિઓ છે. કુંદરકીમાં મુસ્લિમ રાજપૂત મતદારોની સંખ્યા 45 હજાર જેટલી છે. ભાજપનો સમગ્ર ભાર તુર્ક અને રાજપૂત મુસ્લિમોને પોતાની તરફ ખેંચીને અને અન્ય લોકોમાં ભાગલા પાડવા પર હતો. જેની અસર હવે પરિણામોમાં જોવા મળી રહી છે.


Also read: Maharashtra Results: મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મળી માત્ર 20 સીટ, રાહુલ ગાંધીના…


ઉમેદવારે ટોપી પણ પહેરી

ભાજપ અને મુખ્ય પ્રધાન યોગીનો સંપૂર્ણ ભાર મુસ્લિમોની રાજપૂત વસ્તીને તેમના પક્ષે લાવવા પર હતો. ઉત્તર પ્રદેશ ભાજપ અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ કુંવર બાસિત અલી પણ રામવીર ઠાકુરના સમર્થનમાં મુસ્લિમોની સભાઓનું આયોજન કરતા રહ્યા. રામવીર પોતે જાળીદાર ટોપી પહેરીને મુસ્લિમ નેતાઓ વચ્ચે ફરતા હતા. આ અંગે અખિલેશ યાદવે પણ નિશાન સાધતા કહ્યું હતું કે મત માટે વેશપલટો પણ કરી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને