અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરી શરૂ થશે. બપોરે 12 કલાકથી બજેટસત્રની શરૂઆત થશે અને 28 માર્ચ સુધી ચાલશે. રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ 20 ફેબ્રુઆરીએ ગુજરાત બજેટ 2025-26 રજૂ કરશે. ગુજરાતમાં બજેટના ધમધમાટ વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ મળ્યો છે, જેમાં 2017થી 2024માં ગુજરાતમાં બજેટ સત્રની સરેરાશ 26 બેઠકનું આયોજન થયું છે.
વિધાનસભામાં એક વર્ષમાં સૌથી વધુ બેઠક યોજાતી હોય તેવા રાજ્યમાં ગુજરાત ટોપ-ટેનમાં પણ નથી. રાજ્યમાં ધારાસભ્યોનો મહિનાનો સરેરાશ પગાર રૂપિયા 78,800, ઉપરાંત અન્ય વિવિધ ભથ્થાં મળતા હોવા છતાં વર્ષમાં વિધાનસભા સરેરાશ માત્ર 26 દિવસ જ કામ કરે છે. વિધાનસભાના સત્રમાં પણ લોકસભાની માફક કામ કમ હંગામા જ્યાદા જેવો ઘાટ થાય છે. બીજી બાજુ બજેટ સત્રના દિવસોમાં પણ સરકાર જાણી જોઈને ઓછા રાખે છે એના માટેના કારણો પણ ચોંકાવનારા છે.
આપણ વાંચો: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રમાંથી બે દિવસ તો ગયા, હવે વિપક્ષના ધારાસભ્યો સસ્પેન્ડ
ટોપ ટેનમાં ગુજરાતનો ક્યાંક ક્રમ નહીં
મીડિયાના રિપોર્ટ પ્રમાણે, 2017થી 2023 દરમિયાન દેશની વિધાનસભામાં સૌથી વધુ કામકાજ થવામાં કેરળ ટોચ પર છે, અહીં 44 દિવસ કામ થયું હતું, જ્યારે બીજા ક્રમે રહેલા ઓડિશામાં 40 દિવસ, ત્રીજા ક્રમે રહેલા કર્ણાટકમાં 35 દિવસ કામ થયું હતા, જે બાદ પશ્ચિમ બંગાળમાં 33 દિવસ, મહારાષ્ટ્રમાં 32 દિવસ, તમિલનાડુમાં 31 દિવસ, બિહારમાં 30 દિવસ, રાજસ્થાનમાં 29 દિવસ, હિમાચલ પ્રદેશમાં 28 દિવસ, ગુજરાતમાં 26 દિવસ તથા છત્તીસગઢ અને આસામમાં 25-25 દિવસ કામ થયું છે.
ગત વર્ષે કેટલા સત્ર યોજાયા હતા
દેશના પૂર્વ જસ્ટિસ એમ એન વેંકટચલૈયાના વડપણ હેઠળની બંધારણ સમીક્ષા આયોગે 2002માં આપેલા રિપોર્ટમાં નાના રાજ્યોમાં ઓછામાં ઓછા 50 દિવસ અને મોટા રાજ્યોમાં 90 દિવસ બેઠક થવી જોઈએ તેવી ભલામણ કરી હતી.
જોકે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તેનો અમલ થઈ રહ્યો નથી. આ પાછળ અનેક કારણો જવાબદાર ગણાવાયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2024માં બે સત્ર યોજાયા હતા. ગુજરાત રાજ્યમાં 1995-1997 દરમિયાન 9, 1998-2002માં 10, 2002-2007માં 12, 2008-2012માં 11, 2013-2017માં 11, 2018-2022માં 11 અને 2022-2024માં 6 સત્ર યોજાયા હતા.
આપણ વાંચો: આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર : સરકાર લાવશે 5 વિધેયકો
ગુજરાતમાં 14મી વિધાનસભાના પહેલું સત્ર 29 દિવસનું હતું, જેમાં 127.8 કલાક કામ થયું હતું. બીજું સત્ર માત્ર 3 દિવસનું હતું. ત્રીજું સત્ર 8 દિવસનું, ચોથું સત્ર 21 દિવસનું, પાંચમું સત્ર 4 દિવસ, છઠ્ઠું સત્ર 20 દિવસ, સાતમું સત્ર 6 દિવસ, આઠમું સત્ર 28 દિવસ, નવમું સત્ર 2 દિવસ અને 10મું સત્ર 26 દિવસ ચાલ્યું હતું. જેમાં અનુક્રમે 11.6 કલાક, 24.1 કલાક, 103.6 કલાક, 23.3 કલાક, 83.9 કલાક, 43.6 કલાક, 115.4 કલાક, 14.2 કલાક અને 110.7 કલાક કામકાજ થયું હતું.
ગુજરાતમાં કેમ ઓછા દિવસ મળે છે સત્ર
રાજ્યમાં વધતી મોંઘવારી હોય કે ખેડૂતોના મુદ્દા તેમ જ બેકારી સહિત અન્ય મુદ્દે વારંવાર વિપક્ષ સરકારનું ધ્યાન દોરતી હોય છે છતાં એના મુદ્દે સરકાર આંખ આડા કાન કરે છે. રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ ગુજરાતમાં હાલ વિવિધ મુદ્દા ચર્ચામાં છે. બજેટ સત્ર દરમિયાન વિપક્ષ આ મુદ્દા દ્વારા સરકારને ઘેરવા પ્રયાસ કરે છે. વિપક્ષના આકરા સવાલના જવાબ ન આપવા પડે તે માટે રાજ્યમાં બજેટ સત્રના દિવસો ઓછા હોય છે
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને