ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh)ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ મુદ્દે ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે બાંગ્લાદેશમાં ઉગ્રવાદી તત્વો દ્વારા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર અનેક હુમલા બાદ આ ઘટના બની છે. આ ઘટનાઓના ગુનેગારો હજુ પણ ફરાર છે.
લઘુમતીઓ પર શ્રેણીબદ્ધ હુમલાઓ
વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે બાંગ્લાદેશ સ્થિત સનાતન જાગરણ જોતના પ્રવક્તા અને ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને જામીન નામંજૂર કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના બાંગ્લાદેશમાં ઉગ્રવાદી તત્વો દ્વારા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર શ્રેણીબદ્ધ હુમલાઓ બાદ બની છે. જેમાં લઘુમતીઓના ઘરો અને વ્યવસાયિક સંસ્થાનોમાં આગ લગાવવી, લૂંટ, ચોરી, તોડફોડ અને દેવતાઓ અને મંદિરોની અપવિત્રતાનો સમાવેશ થાય છે.
ભારતે હિંદુ અને લધુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટનાઓના અપરાધીઓ હજુ પણ ફરાર છે. જ્યારે એવા ધાર્મિક નેતાઓ સામે કાર્યવાહી થવી જોઈએ જેઓ શાંતિપૂર્ણ બેઠકો દ્વારા તેમની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. મંત્રાલયે કહ્યું, “અમે બાંગ્લાદેશને વિનંતી કરીએ છીએ કે તેવો હિંદુઓ અને તમામ લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરે છે. જેમાં શાંતિપૂર્ણ રીતે એકત્ર થવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે.
અરજી ફગાવી જેલમાં મોકલવાનો આદેશ
બાંગ્લાદેશની એક અદાલતે મંગળવારે બાંગ્લાદેશ સમ્મિલિત સનાતન જાગરણ જોતના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી ફગાવી તેમને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. બાંગ્લાદેશી મીડિયા અનુસાર ચટગાંવના છઠ્ઠા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કાઝી શરીફુલ ઈસ્લામની કોર્ટે મંગળવારે સવારે 11:45 વાગ્યે આ આદેશ આપ્યો હતો. જ્યારે કૃષ્ણ દાસને જામીન ન મળ્યા ત્યારે તેમના અનુયાયીઓ કોર્ટ પરિસરમાં વિરોધી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. બાંગ્લાદેશ પોલીસે સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિસ્તારમાંથી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ પર હુમલો, 50 ઘાયલ
ચિન્મય કૃષ્ણ દાસ પર રાજદ્રોહનો કેસ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 30 ઓક્ટોબરે બાંગ્લાદેશમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ સહિત 19 લોકો વિરુદ્ધ રાજદ્રોહ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આરોપ છે કે 25 ઓક્ટોબરના રોજ સનાતન જાગરણ મંચે ચિટગાંવના લાલદીઘી ગ્રાઉન્ડમાં આઠ મુદ્દાની માંગ સાથે રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ એક ચોક પર સ્થિત આઝાદી સ્તંભ પર ભગવો ઝંડો ફરકાવ્યો હતો. આ ધ્વજ પર આમી સનાતની લખેલું હતું. આ અંગે ચિન્મય કૃષ્ણ દાસ પર રાષ્ટ્રધ્વજની અવમાનના અને અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને