બ્રેમ્પટન : કેનેડામાં(Canada)ભારતીય લોકોની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જેમાં સોમવારે ખાલિસ્તાનીઓએ બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પર હુમલો કર્યો હતો અને ઘણા લોકોને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. તેની બાદ પોલીસ ખાલિસ્તાનીઓને બદલે ભારતીય લોકો વિરુદ્ધ કાર્યવાહી કરતી હોવાના ઘણા વીડિયો જોવા મળ્યા હતા. આ દરમિયાન વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે કેનેડાના પોલીસ વિભાગમાં પણ ખાલિસ્તાનીઓએ ઘૂસણખોરી કરી છે. બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પાસે ખાલિસ્તાન તરફી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
પોલીસ અધિકારી સસ્પેન્ડ
કેનેડિયન પોલીસ મીડિયા અફેર્સ ઓફિસર રિચાર્ડ ચિને મીડિયાને જણાવ્યું હતું કે એક કેનેડિયન પોલીસ અધિકારી પ્રદર્શનમાં ભાગ લેતા જોવા મળે છે. રિચર્ડ ચિને કહ્યું છે કે પોલીસ અધિકારી તે સમયે ડ્યુટી પર ન હતા. રિચર્ડ ચિને માહિતી આપી છે કે સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસ વિભાગે શું કહ્યું?
મીડિયા અફેર્સ ઓફિસર રિચર્ડ ચિને કહ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જે પણ જોવા મળે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સમયે વધુ માહિતી આપી શકાય તેમ નથી. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શનમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને તૈનાત કરવામાં આવશે. ચિને વધુમાં કહ્યું કે હિંસા અને અન્ય ગુનાહિત કૃત્યોને આપણા સમુદાયમાં કોઈ સ્થાન નથી.
Also Read – કેનેડામાં ખાલિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, ભારતીયોએ દેખાડી દેશભક્તિ
પીએમ મોદીએ કેનેડા પર નિશાન સાધ્યું
કેનેડામાં મંદિરો અને હિંદુઓ પર થઈ રહેલા હુમલા વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી ટીકા કરી છે. પીએમ મોદીએ લખ્યું કે ” હું કેનેડાના હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વક કરવામાં આવેલા હુમલાની આકરી ટીકા કરું છું. અમારા રાજદૂતોને ડરાવવા- ધમકાવવાના કાયરતાપૂર્વક પ્રયાસો પણ એટલા જ ભયાવહ છે. હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળા નહિ પાડે. અમે કેનેડા સરકાર પાસે ન્યાય સુનિશ્ચિત કરવા અને કાયદાના શાસનને જાળવી રાખવાની અપેક્ષા રાખીએ છીએ. “