મુંબઇઃ : મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન અંગેનું સસ્પેન્સ સમાપ્ત થયું છે. આવતી કાલે મહારાષ્ટ્રને તેના મુખ્ય પ્રધાન મળી જશે. ભાજપના કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં કોર કમિટીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ બેઠકમાં વિધાન સભ્ય જૂથના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી કરવામાં આવ્યું છએ, તેથી હવે દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.
ભાજપની કોર કમિટીની બેઠક પૂરી થઇ ગઇ છે. નિર્મલા સીતારમણની હાજરીમાં આ બેઠક યોજાઇ હતી. દેવેન્દ્ર ફડણવીસ સહિતના અગ્રણી નેતાઓની હાજરીમાં બેઠકનું સમાપન થયું હતું. હવે થોડી વારમાં વિધાન સભ્ય નેતાઓની બેઠક શરૂ થશે.
મહાયુતિ સરકારને સત્તામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રિય બહેનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહના સ્થળે લાડકી બહેનો માટે એક અલાયદો કક્ષ બનાવવામાં આવશે, જેમાં દસ હજાર બહેનોને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત એનડીએના તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનોને આ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
Also Read – ફડણવીસને મળ્યા બાદ શિંદે ડે. સી.એમ બનવા થયા તૈયાર!
ભાજપે શપથ ગ્રહણ સમારોહમાં જે મહત્વના નેતાઓને આમંત્રણ આપ્યું છે તેમાં યોગી આદિત્યનાથ – ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન, ચંદ્રબાબુ નાયડુ – આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન, નીતીશ કુમાર – બિહારના મુખ્ય પ્રધાન,
પ્રેમા ખાંડુ – અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન, હિમંતા બિસ્વા શર્મા – આસામના મુખ્ય પ્રધાન, વિષ્ણુ દેવ સાઈ – છત્તીસગઢના મુખ્ય પ્રધાન,
પ્રમોદ સાવંત – ગોવાના મુખ્ય પ્રધાન, ભૂપેન્દ્ર પટેલ – ગુજરાતના મુખ્ય પ્રધાન,
નાયબ સિંહ સૈની -હરિયાણાના મુખ્ય પ્રધાન, મોહન યાદવ -મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન, કોનરાડ સંગમા – મેઘાલયના મુખ્ય પ્રધાન, ભજનલાલ શર્મા – રાજસ્થાનના મુખ્ય પ્રધાન, માણિક સાહા – ત્રિપુરાના મુખ્ય પ્રધાન, પુષ્કર સિંહ ધામી – ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન વગેરેનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે ભાજપ દ્વારા મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ એકનાથ શિંદેની કથિત નારાજગીને કારણે ભાજપે તેમના નામની જાહેરાત કરી ન હતી. અંતે શિંદેએ ગૃહ પ્રધાન પદની માંગણી કરી હતી. આ અંગે ભાજપ શું નિર્ણય લેશે તે ટૂંક સમયમાં જાણવા મળશે. પરંતુ દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે તે નક્કી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને