Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, પોરબંદરમાં એકનુ મોત

3 hours ago 1

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ 4.6 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ચાર તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. 10 તાલુકામાં બે ઈંચથી વધુ જ્યારે 22 તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો.

યુવાનનું વીજળી પડતા મોત નિપજ્યું

પોરબંદરના બગવદર નજીક આવેલા વાછોડા ગામે ખેત મજૂરી કરવા આવેલા યુવાનનું વીજળી પડતા મોત નિપજ્યું હતું.
દિવાળીને હવે ગણતરીના માત્ર 10 દિવસ બાકી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં સૌથી વધુ લોધિકા અને સુલતાનપુરમાં ધુંઆધાર પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયો હતો.

જૂનાગઢમાં અઢી અને વંથલીમાં દોઢ ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર્વત ઉપરાંત માળિયા હાટીના, મેંદરડા અને વિસાવદરના મોટી મોણપરી ગામે સાંબેલાધારે ચાર ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. ગઈકાલે જૂનાગઢમાં અઢી અને વંથલીમાં દોઢ, કેશોદ અને વિસાવદરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. માણાવદરમાં અડધો ઇંચ, પણ ગ્રામ્યમાં ૩ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

સોયાબીન સહિતનાં ખેતીપાકને નુકશાન

અમરેલી જિલ્લામાં સૌથી વધુ વડિયામાં સાંબેલાધારે ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. ખાંભા અને સાવરકુંડલામાં દોઢ ઇંચ તથા લીલીયા અને અમરેલીમાં ધોધમાર એક ઇંચ વરસાદે સર્વત્ર પાણી-પાણી કરી નાખ્યું હતું. ગાજવીજ સાથેના તોફાની વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતનાં ખેતીપાકને નુકશાન થયું છે.

જામનગર જિલ્લામાં કાલાવડમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં ગઈકાલે સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત રીતે જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે કલ્યાણપુર તાલુકામાં સવા બે ઈંચ અને ખંભાળિયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસી જવા પામ્યો છે. ખંભાળિયા પંથકમાં પણ ગઈકાલે દિવસ દરમિયાન અવિરત રીતે વરસાદી માહોલ વચ્ચે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

મોરબી જિલ્લામાં ટંકારામાં અડધો ઇંચ અને વાંકાનેરમાં બે ઇંચ વરસાદ જયારે મોરબીમાં સાડાત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરના સાવસર પ્લોટ, શનાળા રોડ, નગર દરવાજા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા. જ્યારે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ પડયો હતો.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article