Hariyana results: કૉંગ્રેસ અને આપ સાથે લડ્યા હોત તો શું ભાજપને હેટ્રિક કરતા રોકી શકાયો હોત?

2 hours ago 1

નવી દિલ્હીઃ ગઈકાલે જાહેર થયેલા હરિયાણા વિધાનસભાની બેઠકના પરિણામોએ સૌને ચોંકાવ્યા છે. ભાજપે સતત ત્રીજીવાર જીત મેળવી હેટ્રિક કરી છે ત્યારે કૉંગ્રેસે 37 બેઠક પર વિજય મેળવી સંતોષ માનવો પડ્યો છે અને ફરી વિરોધપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. આ બન્ને પક્ષ સહિત ત્રીજો એક પક્ષ હતો જેણે મોટા દાવા કર્યા હતા અને તે સારો દેખાવ કરશે તેવી ઘણાને આશા હતી.

પણ દિલ્હીમાં સરકાર હોવા છતાં અને અરવિંદ કેજરિવાલે પોતે પણ પ્રચાર કર્યો હોવા છતાં આમ આદમી પાર્ટીના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. ત્યારે સવાલ એ છે કે કૉંગ્રેસ અને આપે સાથે ચૂંટણી લડી હોત તો શું બાજી ભાજપના હાથમાંથી સરકી ગઈ હોત?

આ પણ વાંચો: હરિયાણા ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ અસંતુષ્ટ! ચૂંટણી પંચ સમક્ષ કરશે ફરિયાદ

આનો જવાબ આમ તો અઘરો છે કારણ કે કૉંગ્રેસમાં પોતાનામાં જ જૂથબાજી હતી અને આપની સાથે બેઠકો વહેંચવી પડી હોત તો શક્ય છે કે અમુક નેતાઓ નારાજ થયા હોત, તેમણે પક્ષ બદલ્યો હોત અથવા તો તેઓ નિષ્ક્રિય રહ્યા હોત. બીજી બાજુ એવું બને કે લોકસભામાં જેમ ઈન્ડિયા ગઠબંધન સાથે હોવાથી એક માહોલ બંધાયો હતો તેવો માહોલ જો બન્ને પક્ષ ઊભો કરી શક્યા હોત તો મતોનું વિભાજન અટક્યું હોત અને લગભગ સત્તા સ્થાપવાના 46 બેઠકના આંકડા સુધી પહોંચી શક્યા હોત.

જો આપણે ગઈકાલે જાહેર થયેલા આંકડાની વાત કરીએ તો એવી પાંચ બેઠક છે જ્યારે આમ આદમી પક્ષ અને કૉંગ્રેસ સાથે હોવાથી બેઠક જીતી શકાય હોત. આ પાંચ બેઠક પર કૉંગ્રેસ સાવ જ ઓછા માર્જિનથી હારી છે. જો આપ સાથે હોત અને લોકોએ ગઠબંધનને મત આપ્યા હોત તો આ પાંચ બેઠક ચોક્કસ કૉંગ્રેસના કે આપના ખાતામાં જવાની પૂરી શક્યતા છે.

આ પણ વાંચો: Election Result: હરિયાણામાં કોંગ્રેસે પોતાના પગ પર જ કુહાડી મારી? જાણો હારના 7 કારણો

આ બેઠકોની વાત કરીએ તો ઉચના કલા બેઠક પરથી ભાજપ માત્ર 32 મતથી જીત્યું છે, જ્યાં આપને 2495 મત મળ્યા હતા. અસંધ બેઠક પર ભાજપ 2306 મતથી જીત્યું છે, જ્યારે અહીં આપને 4290 મત મળ્યા છે. આ જ રીતે ડબવાલીમાં માત્ર 610 મતના અંતરને લીધે કૉંગ્રેસે બેઠક ખોઈ છે જ્યારે અહીં આપના ખાતામાં 6606 મત પડ્યા છે. તો દાદરીમાં 1957 મતથી ભાજપ જીતી છે અને આપને 1339 મત મળ્યા છે. જીત માટે હજુ થોડા મતની જરૂર છે, પણ ગઠબંધનના માહોલનો ફાયદો મળ્યો હતો તો આ બેઠક પણ કૉંગ્રેસ-આપના ખાતામાં ગઈ હોત. મહેન્દ્ર ગઢમાં પણ આવું જ ચિત્ર છ અહીં ભાજપ 2648 મતથી જીતી છે અને આપને 1740 મત મળ્યા છે. આથી બન્ને ભેગા હોત તો પણ 700 મત જીત માટે જરૂરી બની ગયા હોત.

જોકે નિષ્ણાતોનું માનીએ તો ભાજપે જે બેઠકો જીતી છે ત્યાં કૉંગ્રેસે સારો દેખાવ કર્યો છે, પરંતુ આપનો દેખાવ ઘમો જ નબળો રહ્યો છે, આથી આપને લીધે મત વિભાજન થયું અને ભાજપને જીત મળી તે થિયરી સાવ સાચી સાબિત થતી નથી, પરંતુ એ હકીકત છે કે ઘણી બેઠકો એવી છે જ્યાં 5 કે 6 હજાર મતનો ફરક છે. વિધાનસભાની ચૂંટણી માટે આ નાનો આંકડો ન કહેવાય, પણ એવી લગભગ 7થી 8 બેઠક છે જ્યાં કૉંગ્રેસે વધારે મહેનત કરી હોત તો લગભગ વિરોધપક્ષમાં બેસવાનો વારો ન આવ્યો હોત. કૉંગ્રેસે આ મામલે ચોક્કસ ચિંતન કરવું જોઈએ અને આપ માટે તો ચિંતન કરતા પણ ચિંતાનો વિષય છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article