જોહાનિસબર્ગ: નવેમ્બર મહિનામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાર T20 મેચની સિરીઝ (IND vs SA T20 series) રમાવાની છે. જુન મહિનામાં T20 વર્લ્ડકપના ફાઈનલ બાદ પહેલીવાર આ બંને ટીમો આમને સામને હશે. ભારતે છેલ્લા 30 બોલમાં સાઉથ આફ્રિકાના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. ત્યાર બાદ રમાનાર આ સિરીઝ ઘણી રસપ્રદ રહે તેવી શક્યતા છે. સાઉથ આફ્રિકાએ આ સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે.
આ સિરીઝની પ્રથમ મેચ 8 નવેમ્બરે રમાશે..
સાઉથ આફ્રિકાની ટીમમાં કુલ 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડેવિડ મિલર અને હેનરિક ક્લાસેન જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓ સાઉથ આફ્રિકાની ટીમમાં પરતા ફર્યા છે. આ ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ 2024માં ભારત સામેની ફાઈનલ હાર બાદ એક પણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. હવે ભારત સામે T20 વર્લ્ડકપના ફાઈનલમાં હારનો બદલો લેવા આ ખેલાડીઓ મેદાને ઉતરશે.
આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ઘણા સમય પહેલા કરી દેવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેશે. સાઉથ આફ્રિકાની ટીમની આગેવાની એઈડન માર્કરમ કરશે. ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને તક મળી છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમમાં સિનિયર ખેલાડીઓનો સમાવેશ થાય છે.
પ્રથમ મેચ 8મી નવેમ્બરે રમાશે જ્યારે બીજી મેચ 10મી નવેમ્બરે રમાશે. ત્રીજી મેચ 13 નવેમ્બરે રમાશે, જ્યારે છેલ્લી મેચ 15 નવેમ્બરે રમાશે.
સાઉથ આફ્રિકાએ બે અનકેપ્ડ ખેલાડીઓને તક આપી છે. જેમાં ઓલરાઉન્ડર મિહલાલી મોંગવાના અને એન્ડીલે સિમેલેનનો સમાવેશ થાય છે, તાજેતરમાં પૂર્ણ થયેલી T20 ચેલેન્જમાં સૌથી વધુ વિકેટ લેવાની બનતે બંને સંયુક્ત રીતે બીજા ક્રમે રહ્યા. T20 ચેલેન્જમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ડોનોવન ફરેરા અને પેટ્રિક ક્રુગરનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સાઉથ આફ્રિકાની ટીમ:
એઇડન માર્કરામ, ઓટનીએલ બાર્ટમેન, ગેરાલ્ડ કોત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહલાલી મોંગવાના, નકાબા પીટર, રેયાન રિકલ્ટન, એન્ડીલે સિમેલેન, લુથો સિપામલા, ટ્રિસ્ટન સ્ટબ્સ.