ipl auction unrecorded  streaming 2025 erstwhile   and wherever  to watch

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેગા ઓક્શન આજે અને આવતીકાલે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. સતત બીજા વર્ષે IPL ઓક્શન વિદેશમાં થઈ રહ્યું છે, ગત વર્ષે ઓક્શન દુબઈમાં યોજાયું હતું. આ હરાજીમાં ભારત સહિત વિવિધ દેશોના 577 ખેલાડીઓ પર IPLની 10 ફ્રેન્ચાઇઝીઓ દાવ લગાવશે. આઈપીએલના ઈતિહાસમાં આ 18મી હરાજી છે

આટલા ખેલાડીઓ ઓક્શનમાં સામેલ:
મેગા ઓક્શનમાં 577 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં 367 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ છે, જેમાં સહયોગી દેશોના 4 ખેલાડીઓનો સમાવેશ થાય છે. સહયોગી દેશોના ખેલાડીઓમાં ઉન્મુક્ત ચંદ, અલી ખાન, સૌરભ નેત્રાવલકર અને બ્રાન્ડોન મેકમુલનના નામ સામેલ છે. જો કે, તમામ ટીમો દ્વારા કુલ 204 ખેલાડીઓ જ ખરીદી શકાય છે, જેમાંથી મહત્તમ 70 વિદેશી ખેલાડીઓ હશે. આ વખતે તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ મળીને પર્સમાં કુલ 641 કરોડ રૂપિયા બચ્યા છે.


Also read: આઇપીએલની 10 ટીમમાંથી કોણે કયા ખેલાડીઓને કેટલા રૂપિયામાં રીટેન કર્યા છે?


અહીં જોઈ શકાશે IPL મેગા ઓક્શનનું લાઈવ સ્ટ્રીમીંગ:
IPL 2025નું મેગા ઓક્શન બંને દિવસે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. મેગા ઓક્શનનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તેનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ અને તેની વેબસાઈટ પર ફ્રીમાં જોવા મળશે.

મેગા ઓક્શનમાં સામેલ ખેલાડીઓ:
બિહાર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર વૈભવ સૂર્યવંશી આ મેગા ઓક્શનમાં સામેલ સૌથી યુવા ખેલાડી છે અને તેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા છે. અહેવાલ અનુસાર, વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ થયો હતો અને તેની ઉંમર 13 વર્ષ છે.

આ હરાજીમાં સામેલ સૌથી ઉંમરવાન ખેલાડી ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન છે. 42 વર્ષના એન્ડરસને તેની બેઝ પ્રાઈસ 1.25 કરોડ રૂપિયા રાખી છે. એન્ડરસને 2014 થી એકપણ T20 મેચ રમ્યો નથી અને તેણે ક્યારેય IPLમાં ભાગ રહ્યો નથી. પરંતુ, આ વખતે તેણે આઈપીએલમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો. એન્ડરસને જુલાઈ 2024માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. એન્ડરસન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર છે.

કોણ હશે ઓક્શનર?
મલ્લિકા સાગર આ મેગા ઓક્શનમાં ખેલાડીઓની બોલી લગાવશે. IPLના છેલ્લા ઓક્શનમાં પણ મલ્લિકાએ હરાજી કરાવી હતી. મલ્લિકા કલા જગતની જાણીતી ઓક્શનર છે. રિચર્ડ મેડલી IPLના પહેલા દસ વર્ષમાં ઓકશનર હતા. આ પછી, હ્યુજીસ એડમીડ્સે આઈપીએલનું ઓક્શન સાંભળ્યું હતું.

ખેલાડીઓનો બેઝ પ્રાઈઝ:
577 ખેલાડીઓની યાદીમાં 82 એવા ખેલાડીઓ છે જેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. જ્યારે 27 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે. આ સિવાય 1.25, 1 કરોડ, 75 લાખ, 50 લાખ, 40 લાખ અને 30 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે. આ વખતે ઋષભ પંત, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ જેવા મોટા ખેલાડીઓ હરાજીમાં ઉતરી રહ્યા છે. આ તમામે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર પણ પોતાની જાતને લિસ્ટ કરી છે.

જોસ બટલર, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર, ટ્રેન્ટ બોલ્ટ, ફાફ ડુ પ્લેસિસ, હેરી બ્રુક, જોની બેરસ્ટો, એનરિક નોર્કિયા, કાગિસો રબાડા જેવા વિદેશી ખેલાડીઓની બેઝ પ્રાઈસ પણ 2 કરોડ રૂપિયા છે.

દરેક ટીમમાં આટલા ખેલાડીઓ જરૂરી:
મેગા ઓક્શન સમાપ્ત થયા પછી, દરેક ટીમમાં ઓછામાં ઓછા 18 ખેલાડીઓ હોવા ફરજિયાત છે. એક ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ જ હોઈ શકે છે. ઉપરાંત, એક ટીમ વધુમાં વધુ 8 વિદેશી ખેલાડીઓ જ રાખી શકે છે.

આ ટીમ પાસે સૌથી મોટું ફંડ:
આ વખતે IPLની હરાજીમાં પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ 110.5 કરોડ રૂપિયા છે. પંજાબે હરાજી પહેલા માત્ર બે ખેલાડીઓ (શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહ)ને જાળવી રાખ્યા હતા. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પર્સમાં 83 કરોડ રૂપિયા બાકી છે, જે બીજા નંબરે છે. હરાજીમાં રાજસ્થાન રોયલ્સ પાસે સૌથી ઓછું પર્સ (41 કરોડ) હશે.


Also read: 104 રન ઑસ્ટ્રેલિયાનો ભારત સામે બીજા નંબરનો સૌથી નીચો સ્કોર…


IPL મેગા ઓક્શન પહેલા, ટૂર્નામેન્ટની 10 ફ્રેન્ચાઇઝીએ કુલ 46 ખેલાડીઓને રિટેન કર્યા હતાં. આમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ એકમાત્ર એવી ફ્રેન્ચાઈઝી છે જેણે તમામ 6 રિટેન્શન ક્વોટાનો ઉપયોગ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને