Entry of rainfall  accompanied by lightning, Abha cried representation root - Mint

મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારમાં સાંજ પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાતના મુંબઈ સહિત અનેક વિસ્તારમાં મેઘરાજાના આગમનને કારણે ભેજ અને ગરમીના વાતાવરણ વચ્ચે થોડી રાહત થઈ હતી, જ્યારે બુધવારે મોડી રાતે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પછી આજે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે તેમના નિધનથી આભ પણ રડી પડ્યું હતું.

પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડવાને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડવાને કારણે જનજીવન પર અસર પડી હતી, જ્યારે અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઝાંખી પડી હતી. આજે ભારે વરસાદને કારણે નવરાત્રીના ગરબામાં પણ ભંગ પડ્યો હતો. અમુક વિસ્તારોમાં નવરાત્રીના ગરબા-દાંડિયા રાસ પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા, જેથી ખેલૈયાઓ નારાજ થયા હતા.
આજે ગુરુવારે રાતના નવ વાગ્યા પછી મુંબઈ શહેર સહિત પરાના વિસ્તારોમાં ભારે વરસાદનું આગમન થયું હતું, જ્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા કહ્યું હતું કે આગામી ત્રણથી ચાર કલાક થાણે-મુલુંડ-કુર્લા, ઘાટકોપર, દાદર-વરલી, અંધેરી-બાંદ્રા-દાદર, બોરીવલી-અંધેરીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

દરમિયાન થાણે, કલ્યાણ અને નવી મુંબઈમાં પણ રાતના સાડા આઠ વાગ્યા પછી પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડ્યો હતો. દરમિયાન સોશિયલ મીડિયા પર પણ યૂઝરે વરસાદના ફોટોગ્રાફ અને તસવીરો શેર કરીને લોકોને વિના કારણ બહાર અવરજવર નહીં કરવાનો અનુરોધ કર્યો હતો, જ્યારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેનની રફતાર પણ ધીમી પડી હતી.
મુંબઈમાં અમુક નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી બિલ્ડિંગોની સાથે રસ્તાઓ પર પણ પાણી પાણી થયા હતા. અમુક યૂઝરે સર રતન ટાટાને મેઘરાજાએ પણ ફેરવેલ આપી હોવાની ટવિટ કરી હતી.