મોરબીઃ શહેરમાં બે વર્ષ પહેલા 30મી ઓકટોબર 2022ના રોજ ઝુલતો પુલ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામા 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાને ગઈકાલે બે વર્ષ પુર્ણ થયા છે, પરંતુ બાદ પણ હજુ આરોપીઓને તેમના કર્મોની સજા મળી નથી. દુર્ઘટનાને બે વર્ષ પૂર્ણ થતા મોરબીમાં દિવ્ય આત્માઓની શાંતિ માટે શહેરના હિન્દુ મુસ્લિમ સામાજિક કાર્યકર્તાઓએ દુર્ઘટના સ્થળ પર શાંતિ હવનનું આયોજન કર્યું હતું. અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોરબી ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગમાં જેની ગુજરાત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં બોલબાલા છે. ત્યારે શહેરમાં આજથી બરાબર બે વર્ષ પહેલા ગોઝારી ઘટના બની હતી. ઓરેવા ટ્રસ્ટે તે ઝૂલતા પુલને રિનોવેશન કરીને 30મી ઓક્ટોબર 2022ના રોજ ખુલ્લો મુક્યો હતો. તેના રિનોવેશન, જાળવણી અને સંચાલનની જવાબદારી લીધી હતી.
Also Read – અમારે ફક્ત ઘરે જવું છે! વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ, દુર્ઘટના ટાળવા પોલીસ તૈનાત…
આ ઘટના દિવાળીની રજાઓ દરમિયાન જ બની છે. દિવાળીનું વેકેશન પૂરું થવા પહેલાંના છેલ્લા રવિવારે અહીં ફરવા આવેલા બાળકો સહિતના 135 પ્રવાસીની આ અંતિમ સફર સાબિત થઈ હતી. આ ઘટનાના એકાદ મહિના બાદ જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હતી અને તે સમયે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા.
આજે આ ઘટનાને બે વર્ષ વીતી ગયા, લોકોને તો યાદ નહીં હોય, પરંતુ જેમણે વ્હાલસોયા ગુમાવ્યા છે, તેમને હવ આજીવન દિવાળીના દિવસોમાં આ અંધારી યાદ કોરી ખાશે. ત્યારે જો ઘટનાના જવાબદારોને સજા મળે તો તેમને થોડી રાહત થાય.