Seventh time  of Navratri has value   of maa kalratri

આજે નવરાત્રીનો 7મો દિવસ છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી કાલરાત્રીને કોપાયમાન દેવી માનવામાં આવે છે કારણ કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધે છે, ત્યારે દેવી પાપીઓનો સંહાર કરવા માટે કાલરાત્રિના સ્વરૂપે પ્રગટ થાય છે. દેવી કાલરાત્રીને અંધકારની દેવી પણ કહેવામાં આવે છે પરંતુ દેવી કાલરાત્રી માત્ર દુષ્ટોનો જ સંહાર કરે છે. તેમના ભક્તો અને સારા માનવીઓ પર દેવી કાલરાત્રીનું કૃપા સદૈવ બની રહે છે. કોઈપણ ભક્ત જે દેવી કાલરાત્રીની પૂજા કરે છે તેના માથે અકાળ મૃત્યુનું જોખમ નથી રહેતું. આવો, ચાલો જાણીએ નવરાત્રિના સાતમા દિવસે દેવી કાલરાત્રિની વિશેષ પૂજા પદ્ધતિ, અર્પણ અને મહત્વ.

કોણ છે દેવી કાલરાત્રિ:
નવરાત્રિનો સાતમો દિવસ દેવી કાલરાત્રિને સમર્પિત છે. ‘કાલરાત્રી’ નામનો અર્થ થાય છે ‘અંધારી રાત’. કાલરાત્રી ક્રોધમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. શ્યામ વર્ણ અને વિખરાયેલા કેશ સાથે, તે અંધકારનું પ્રતિનિધિત્વ કરે છે. તેના ગળામાં ચમકતી મુંડની માળા છે, જે વીજળી જેવી દેખાય છે. કાલરાત્રી તમામ દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે અને તેના ભક્તોનું રક્ષણ કરે છે. તે ચોક્કસપણે અંધકારમાં એક વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ તેના આગમન સાથે દુષ્ટોનો સંહાર થાય છે અને ચારે બાજુ પ્રકાશ ફેલાય છે. મા કાલરાત્રીને દેવી કાલીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે.

શું છે દેવીની પૂજાનું મહત્વ:
માતા કાલરાત્રીની પૂજા કરવાથી ભક્તોના જીવનમાંથી ભય નાશ પામે છે. તેમજ ભક્ત પરાક્રમી અને સાહસી બને છે. કાલરાત્રીની પૂજા કરવાથી સમસ્યાઓ સામે લડવાની અદભૂત ક્ષમતાનો વિકાસ થાય છે. મહાસપ્તમી પર માતા કાલરાત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. કાલરાત્રિની કૃપાથી ભક્તોના તમામ શત્રુઓનો નાશ થાય છે અને તેઓ વિજયના માર્ગે આગળ વધે છે.

કેવી રીતે કરશો દેવીની પૂજા:
નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવા માટે સવારે ઊઠીને સ્નાન વગેરે કરવું. ત્યારબાદ માતા કાલરાત્રિની પૂજા માટે મંદીરને શણગારો. માતાની છબી પર કાળા રંગની ચુંદડી ચઢાવો. આ પછી મા કાલરાત્રિને રોલી, અક્ષત, દીવો અને ધૂપ ચઢાવો. આ પછી માતા કાલરાત્રિને રાતરાણીના ફૂલ ચઢાવો. પછી ગોળ અથવા ગોળમાંથી બનાવેલી વસ્તુઓ અર્પણ કરો. આ પછી માતા કાલરાત્રી પાઠ, દુર્ગા સપ્તશતી, દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

Also Read –