આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ એવા સમાચાર કે વીડિયો અને ફોટો વાઈરલ થતાં હોય છે. આવા જ એક સમાચાર હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India) દ્વારા ટીમ ઈન્ડિયાના કેપ્ટન કુલ એમ. એસ. ધોની (MS Dhoni)ના સમ્માનમાં સાત રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવા જઈ રહી છે, કારણ કે ધોનીની જર્સીનો નંબર પણ સાત છે. ચાલો જાણીએ આ દાવા પાછળની સચ્ચાઈ વિશે.
પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check) દ્વારા આ દાવા પાછળની સચ્ચાઈ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા આવો કોઈ નવો સિક્કો બહાર પાડવામાં આવાવનો નથી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ પોસ્ટમાં કોઈ સચ્ચાઈ નથી. આરબીઆઈ કે ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેયર્સની આવી કોઈ યોજના પણ નથી.
સૂત્રો દ્વારા પ્રાપ્ટ માહિતી અનુસાર નાણાં મંત્રાલયને માહિતી મળી હતી કે સાત રૂપિયાના નવા સિ્કા અંગેનો ખોટો દાવો કરાઈ રહ્યો છે અને લોકોમાં આ ભ્રામક માહિતી ફેલાવવામાં આવી છે. હવે નાણાં મંત્રાલય દ્વારા આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બાબતે સ્પષ્ટતા કરતી એક પોસ્ટ કરવામાં આવી છે.
આ જ પોસ્ટને પીઆઈબી ફેક્ટચેક દ્વારા રિપોસ્ટ કરવામાં આવી છે અને એના પરથી જ એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ધોનીના સમ્માનમાં સાત રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવાનો દાવો કરતાં આ સમાચારમાં કોઈ સચ્ચાઈ નથી.
નાગરિકોએ પણ આવા વાઈરલ સમાચારો પર વિશ્વાસ કરતાં પહેલાં 100 વખત વિચારવું જોઈએ અને તેની વાસ્તવિકતાની પૂરતી તપાસ કરવી જોઈએ. એટલું જ નહીં પણ આવા કોઈ પણ સમાચાર કે દાવા કરતાં મેસેજ આગળ ફોર્વડ કરવાથી પણ બચવું જોઈએ.