IMD Weather: નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે છતાં દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શિયાળો જામ્યો નથી. હવામાન વિભાગે જણાવ્યું કે, આ વર્ષનો ઓક્ટોબર મહિનો 1901 બાદ સૌથી વધુ ગરમ રહ્યો, એટલેકે છેલ્લા 124 વર્ષમાં આ વર્ષનો ઓક્ટોબર મહિનો સૌથી વધુ ગરમ રહ્યો. આ મહિનામાં સરેરાશ તાપમાન સામાન્યથી 1.23 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું હતું. હવામાન વિભાગે નવેમ્બર મહિનામાં પણ ગરમીનું પૂર્વાનુમાન લગાવ્યું હતું પરંતુ શિયાળા અંગે કોઈ માહિતી આપી નહોતી. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ ગરમ હવામાન માટે પશ્ચિમ વિક્ષોક્ષની ગેરહાજરી અને બંગાળની ખાડીમાં સક્રિય ઓછા દબાણ પદ્ધતિને જવાબદાર ઠેરવી હતી.
1901 બાદ નોંધાયું સૌથી વધુ તાપમાન
મહાપાત્રાએ કહ્યું, ઓક્ટોબરમાં સરેરાશ તાપમાન 26.92 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1901 બાદનું સૌથી વધુ ગરમ તાપમાન છે. આ તાપમાન સરેરાશ 25.69 ડિગ્રી સેલ્સિયસ હોય છે. લઘુત્તમ તાપમાન પણ સમગ્ર દેશમાં સરેરાશ તાપમાન 20.01 ડિગ્રી સેલ્સિયસની તુલનામાં 21.85 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
બે અઠવાડિયા સુધી તાપમાન સામાન્ય કરતાં 2-5 ડિગ્રી વધુ રહેશે
મહાપાત્રાએ કહ્યું, ઉત્તર-પશ્ચિમ મેદાનોમાં ઓછામાં ઓછા આગામી બે અઠવાડિયા સુધી તાપમાન સામાન્ય કરતાં 2-5 ડિગ્રી વધુ રહેશે, ત્યારબાદ તે ધીમે ધીમે ઘટશે. મહાપાત્રાએ કહ્યું કે હવામાન કચેરી નવેમ્બરને શિયાળાના મહિના તરીકે ગણતી નથી. તેમણે કહ્યું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી શિયાળાના મહિનાઓ ગણાય છે, જ્યારે ડિસેમ્બરમાં ઠંડીના સંકેતો જોવા મળે છે. ઉત્તર-પૂર્વ ચોમાસાને કારણે, નવેમ્બરમાં તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, રાયલસીમા, કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે.
હવામાન વિભાગ મુજબ, નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન લા નીનાની સ્થિતિ ધીમે ધીમે વિકસિત થવાની વધુ સંભાવના છે. અલ નીનો-સધર્ન ઓસિલેશન સ્થિતિ ધીમે ધીમે નકારાત્મક દિશામાં આગળ વધી રહી છે અને ડિસેમ્બર સુધીમાં લા નીના સ્થિતિ સર્જાઈ શકે છે. મહાપાત્રાએ જણાવ્યું કે આ વર્ષની અલ નીનો અંગે આગાહી કરતી વિશ્વભરની એજન્સીઓની આગાહીઓ ખોટી સાબિત થઈ છે.