ભાવનગર: ભાવનગરના ત્રણ કંધોતર યુવાનોના આજે વહેલી સવારે ભરૂચના હાંસોટ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા. વૃક્ષ સાથે કારની જોરદાર ટકરાવવાને કારણે બે યુવાનોએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કારચાલકને ઝોકું આવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બેનાં ઘટનાસ્થળે મોત
પ્રાપ્ત અહેવાલ અનુસાર અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર બે યુવાનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું.
આપણ વાંચો: અમદાવાદમાં ખાસ એક્શન પ્લાનથી માર્ગ અકસ્માતોથી બચી 90 માનવ જિંદગી…
પોલીસે આદરી તપાસ
અકસ્માતના બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરતથી ભાવનગર પરત ફરી રહ્યા હોય ત્યારે વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
મૃતકની જ થઈ હતી સગાઈ
અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોમાં અર્બન સોસાયટી, ભરતનગર ભાવનગરના રહેવાસી મહાવીર પ્રદીપભાઈ અગ્રવાત (ઉ.20), ભરતનગર, ભાવનગરનો રહેવાસી મિતેષ ચાવડા (ઉ.20) અને અન્ય એક મૃતક ચેતનભાઈનો સમાવેશ થાય છે. મહાવીરની સગાઈ હોવાથી 2 મિત્રો સાથે તે સુરત ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વેળા આ અકસ્માત સર્જાયો હોવાની પણ વિગતો સામે આવી છે.