(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી તેમ જ આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન પાંખાં કામકાજો વચ્ચે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 72નો ઘટાડો આવ્યો હતો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 718 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 718ના ઘટાડા સાથે રૂ. 93,764ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન દિવાળીના તહેવારો પશ્ર્ચાત્ ખાસ કરીને રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી પણ પાંખી રહેતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 72 ઘટીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 78,132 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 78,446ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો: સોનામાં ₹ ૯૩નો અને ચાંદીમાં ₹ ૯૮૧નો સુધારો, વેપાર પાંખાં
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજર અને વાયદામાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને અનુક્રમે ઔંસદીઠ 2738.10 ડૉલર અને 2747.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે સોનાના વૈશ્વિક ભાવ ઔંસદીઠ 2790.15 ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી સાધારણ 0.3 ટકાના સુધારા સાથે ઔંસદીઠ 32.54 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પ વચ્ચે ભારે રસાકસી ચાલી રહી છે અને આજે ચૂંટણીમાં મતદાનના અંતિમ તક્ક્કા પર તેમ જ આવતીકાલથી અમેરિકી ફેડરલ રિઝર્વની શરૂ થઈ રહેલી બે દિવસીય બેઠક પર રોકાણકારોની નજર હોવાથી હાલ સોનામાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી ભાવ સાંકડી વધઘટે અથડાઈ રહ્યા હોવાનું મારેક્સનાં વિશ્ર્લેષક ઍડવર્ડ મેઈરે જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકાની ચૂંટણીમાં બન્ને પક્ષના ઉમેદવાર પૈકી કોઈએ પણ ખર્ચમાં કાપ મૂકવાની તરફેણ નથી કરી આથી કોઈપણ પક્ષ જીતે સોનાની તેજીને ટેકો મળતો રહેશે અને વર્ષ 2025ના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ ઔંસદીઠ 3000 ડૉલર સુધી પહોંચે તેવી અમારી ધારણા છે.
આ પણ વાંચો: ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને નવા તળિયે
વધુમાં આવતીકાલથી શરૂ થઈ રહેલી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવી ધારણા મૂકાઈ રહી છે, પરંતુ રોકાણકારોની નજર બેઠકના અંતે ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ તેમના વક્તવ્યમાં ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગેના કોઈ અણસારો આપે છે કે કેમ તેના પરં મંડાઈ છે. જોકે, વ્યાજદરમાં અપેક્ષાનુસાર 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવશે તો સોનાના ભાવ પર તેની ખાસ અસર જોવા નહીં મળે, એમ આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું.