મુંબઈ: તાજેતરમાં અજિંક્ય રહાણેના સુકાનમાં પાંચ દિવસીય ઇરાની કપ મુકાબલામાં ચૅમ્પિયન બનેલી મુંબઈની ટીમ માટે મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ) દ્વારા એક કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. બીસીસીઆઇ દ્વારા આ પહેલાં જ ટીમ માટે 50 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું.

રેસ્ટ ઑફ ઇન્ડિયા સામેની ઇરાની કપ મૅચમાં પ્રથમ દાવની સરસાઈને આધારે વિજેતા બનેલી રણજી ચૅમ્પિયન મુંબઈની ટીમનું સોમવારે વાનખેડેમાં એમસીએ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ ઇનામની જાહેરાત કરાઈ હતી.
મુંબઈ 27 વર્ષે 15મું ઇરાની કપ ટાઇટલ જીત્યું છે. ટીમના સન્માનના પ્રસંગે એમસીએના પ્રમુખ અજિંક્ય નાઇક, સેક્રેટરી અભય હડપ, જોઇન્ટ સેક્રેટરી દીપક પાટીલ, ખજાનચી અરમાન મલિક તેમ જ ઍપેક્સ કાઉન્સિલના અન્ય સભ્યો ઉપસ્થિત હતા. અજિંક્ય રહાણેના સુકાનમાં ચૅમ્પિયન બનેલી ટીમના ખેલાડીઓએ ટ્રોફી સાથે યાદગાર સેલિબ્રેશન કર્યું હતું.

મુંબઈએ ઇરાની કપમાં સરફરાઝ ખાનના અણનમ 222 રન તેમ જ કૅપ્ટન રહાણેના 97 રનની મદદથી 537 રન બનાવ્યા બાદ રેસ્ટની ટીમ 416 રન બનાવી શકી હતી. મુંબઈએ 121 રનની લીડ લીધી હતી. મુંબઈએ બીજો દાવ તનુષ કોટિયનની અણનમ સદી (114 રન) તથા પૃથ્વી શૉના 76 રનની મદદથી આઠ વિકેટે બનેલા 329 રનના સ્કોરે ડિક્લેર કરી દીધો હતો. ત્યાર બાદ મૅચને ડ્રૉ જાહેર કરાઈ હતી.