Mandana Karimi quits acting aft  Bigg Boss 9

ફિલ્મ એક્ટિંગની દુનિયા એવી છે કે તમને એક વાર મોકો મળી ગયો અને તમે સક્સેસફૂલ થઇ ગયા અને મબલખ કમાણી કરવા માંડો ત્યાર બાદ એને છોડવાનું મન બનાવવું ઘણું અઘરું છે. સામે ચાલીને લક્ષ્મી આવતા હોય તો તે કોને ના ગમે! પણ આ યંગ અભિનેત્રીએ સામે ચાલીને આવી રહેલી લક્ષ્મી ઠુકરાવવાનું સાહસ કર્યું છે. તેણે એક્ટિંગને ટાટા, બાય બાય કરી દીધું છે અને હવે પોતાની નવી જિંદગી શરૂ કરી છે. આ અભિનેત્રી એટલે બીજી કોઇ નહીં પણ મંદાના કરીમી.

બિગ બોસની સિઝન-9માં જોવા મળેલી મંદાના કરીમી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. પોતાની સિઝલીંગ સ્ટાઇલથી તેણે ઘણાને પોતાના દિવાના બનાવ્યા છે. તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે, પણ હવે નામ, દામ અને કામ મેળવ્યા બાદ મંદાના કરીમીએ અભિનય ક્ષેત્ર અને આ ગ્લેમર વર્લ્ડ છોડવાનો નિર્ણય કર્યો છે. તે અભિનય છોડીને હવે ઇન્ટિરિયર ડેકોરેશનના ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવી રહી છે.

મંદાનાએ એક મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તે ખૂબ જ નાની ઉંમરમાં મોડેલ બની ગઇ હતી. પરિવારની નબળી સ્થિતિને કારણે તેણે પોતાની જાતને આર્થિક ટેકો આપવો પડ્યો હતો, પરંતુ આજિવીકા રળવાની દોડમાં મંદાના તેનું ભણતર ચૂકી ગઇ, જેનો વસવસો તેને ઘણો હતો.

મંદાનાના એક મિત્રની ઇન્ટિરિયર ડેકોરેશનની ફર્મ છે. તેણે એકવાર મંદાનાને પોતાની ઑફિસમાં આમંત્રી અને ઇન્ટિરિયર ડેકોરેશનના વિવિધ પાસા વિશે જાણકારી આપી, મંદાનાને તેમાં ઘણો રસ પડ્યો. તેણે પ્રોફેશનલી ઇન્ટિરિયર ડેકોરેશનનો કોર્સ કરવાનું નક્કી કર્યું. આ કોર્સ કર્યા બાદ તે ઘણી સંસ્થાઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ જવા લાગી. તેને આ ફિલ્ડ ઘણું જ ગમી ગયું. બોલિવૂડ વિશે જ્યારે મંદાનાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે ફિલ્મ લાઇન, અભિનય તેને ક્યારેય પસંદ નહોતો. કમાવાની મજબૂરીએ તેને આ લાઇનમાં લઇ આવી હતી. તેને હંમેશાથી ભણતરની ઇચ્છા હતી. તે ભણીગણીને આગળ વધવા માગતી હતી. મને ફિલ્મલાઇનમાં સમય પસાર કરવા મળ્યો, અભિનયની તક મળી તેને માટે હું હંમેશા આભારી રહીશ, પણ આ ફિલ્ડ મારી પસંદ નહોતી. અહીં કામ કરવા માટે હું પાગલ નહોતી. તેથી જ પૈસાની સખત જરૂર હોવા છતાં મેં અભ્યાસ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપવા માટે મોડેલિંગ અને એક્ટિંગની ઓફર્સ સ્વીકારવાની બંધ કરી દીધી હતી, એમ મંદાનાએ જણાવ્યું હતું.

Also read: બિગ બોસથી જાણીતી બનેલી જીયા શંકરને ગ્લેમરનો લાગ્યો ચસ્કો

મંદાના જણાવે છે કે ફિલ્મ લાઇનમાં હજી પણ ઘણા કાસ્ટિંગ ડિરેક્ટર મિત્રો છે, જે અનેક લલચામણી ઓફરો આપે છે, પણ મંદાનાનું ધ્યાન તેના નવા પ્રોફેશન પર છે. તે તેની નવી જીવનશૈલીનો આનંદ માણી રહી છે. હવે તે ઑફિસ જાય છે. કામ પૂરું કરે છે, ઘરે આવે છે અને પછી સ્કૂલમાં જાય છે. તેને આ નવી જીવનશૈલીમાં ઘણી મઝા આવી રહી છે અને તેને આ વિષયમાં ઘણો રસ પડી રહ્યો છે. તે ફિલ્મ લાઇનમાં પાછી નથી આવવા માગતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને