-વિજય વ્યાસ
અંતે હિંડનબર્ગ રિસર્ચને ખંભાતી તાળાં લાગી ગયાં. ભારતમાં કૉર્પોરેટ જગતમાં મોટું માથું અને ભારતના સૌથી ધનિકોમાંના એક એવામાં જેમની ગણના થાય છે એવા ઉદ્યોગ સાહસિક ગૌતમ અદાણીની કંપની સમૂહમાં કહેવાતા ગરબડગોટાળાનો રિપોર્ટ બહાર પાડનારી અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચ એજન્સીનો અચાનક સંકેલો થઈ ગયો છે.
હિંડનબર્ગ રિસર્ચે ભારતમાં શેરબજારો પર નિયંત્રણનું કામ કરતી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઈન્ડિયા (સેબી)નાં ચૅરમૅન માધબી પુરી બુચ સામે પણ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. સનસનાટીભર્યા આક્ષેપો કરીને ભારતમાં રાતોરાત જાણીતા થઈ ગયેલા હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નેથન એન્ડરસને જોકે ત્રણેક્ દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હિંડનબર્ગ રિસર્ચનો સંકેલો કરી લેવાની જાહેરાત કરી છે. નેથન એન્ડરસને દાવો કર્યો છે કે, હિંડનબર્ગ રિસર્ચ જે પ્રોજેક્ટ્સ પર કામ કરવા સ્થપાઈ હતી એ પ્રોજેક્ટસ પૂરા થઈ ગયા હોવાથી હું મારી સ્વેચ્છાથી હિંડનબર્ગ રિસર્ચ કંપની બંધ કરું છું. મેં ગયા વરસે જ મારા પરિવાર, મિત્રો અને અમારી ટીમને કહી દીધેલું કે, મેં હિંડનબર્ગ રિસર્ચ બંધ કરવાનો નિર્ણય લીધો છે તેથી એ બધાને તો પહેલેથી મારા નિર્ણયની જાણ હતી.
નેથને પોતાની રીતે કંપની બંધ કરી કે બંધ કરવી પડી એ ખબર નથી, પણ બહુ ટૂંકા ગાળામાં હિંડનબર્ગ રિસર્ચે જે તરખાટ મચાવ્યો એવો તરખાટ બહુ ઓછી રિસર્ચ કંપનીઓએ મચાવ્યો છે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચનું કામ શેરબજાર, ઈક્વિટી, ડેરિવેટિવ્સ વગેરે પર સંશોધન કરવાનું હતું, પણ નેથને રિસર્ચનો ઉપયોગ પોતાના આર્થિક ફાયદા માટે પણ કર્યો.
નેથને એવી કંપનીઓને ટાર્ગેટ કરી કે જે ટૂંકા સમયગાળામાં એકદમ ઝડપથી ઉપર આવી હોય. આ કંપનીઓ વિશે રિસર્ચ કરતો અને પછી તેમાં શોર્ટ સેલિંગ કરતો. એ રીતે નેથન એન્ડરસને હિંડનબર્ગ કંપનીને ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કરતાં વધારે શોર્ટ સેલિંગ કંપની બનાવી દીધી હતી. અમેરિકા સહિતના દેશોમાં શોર્ટ સેલિંગને કાયદેસર રીતે માન્યતા મળેલી છે અને રોકાણ માટેની જોરદાર સ્ટ્રેટેજી માનવામાં આવે છે. શોર્ટ સેલિંગ એટલે પહેલાં ઉછીના લીધેલા સ્ટોક અથવા સિક્યોરિટીઝ ઊંચા ભાવે વેચીને રોકડી કરવી અને ચોક્કસ સમય પછી એ જ કંપનીના શેર બજારમાંથી ખરીદીને ઉછીના લીધેલા શેર પાછા આપી દેવા. આ ધંધો જોખમી છે કેમ કે જરૂરી નથી કે દરેક વાર ઉછીના લીધેલા શેરના ભાવ ઘટી જ જાય કોઈ વાર વધી પણ જાય તો નુકસાન કરવાનો વારો પણ આવે.
નેથનને આવા શોર્ટ સેલિંગમાં કદી નુકસાન નથી થયું. બલકે શોર્ટ સેલિંગ કરીને નેથન અબજો કમાયો હોવાનું કહેવાય છે. તેનું કારણ એ કે, નેથન પોતે સ્ટોક રિસર્ચ કરતો. કોઈ પણ કંપની કશું ખોટું કરતી હોય, નાણાંની હેરાફેરી કરતી હોય, એકાઉન્ટમાં ખોટી માહિતી આપતી હોય, પોતાના ફાયદા માટે રોકાણકારોને ગેરમાર્ગે દોરતી હોય, શેલ કંપનીઓ દ્વારા ગરબડગોટાળા કરતી હોય તો નેથન એ બધું શોધી કાઢતો ને તેના આધારે રિપોર્ટ તૈયાર કરતો.
આ રિપોર્ટ બહાર પાડવામાં આવે એ પહેલાં નેથન શોર્ટ સેલિંગ કરતો. નેથને કે રિપોર્ટ તૈયાર કરાયો હોય એ કંપનીના શેર ઉછીના લઈને વેચી દેતો. પછી પોતાનો રિપોર્ટ બહાર પાડતો. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બહાર આવતાં જ કંપનીના શેરના ભાવમાં કડાકો બોલે એટલે નેથન ઘટેલા ભાવે શેર ખરીદીને ઉછીના શેર પાછા આપી દેતો. આમ એ અબજો કમાયો હોવાનું કહેવાય છે. નેથને 2017માં હિંડનબર્ગની સ્થાપના કરેલી. છેલ્લાં 8વર્ષમાં નેથને 16 કંપનીના રિપોર્ટ બહાર પાડ્યા ને મોટા ભાગની કંપનીઓમાં શોર્ટ સેલિંગ કર્યું હોવાનું સ્વીકાર્યું પણ છે.
અદાણીના કિસ્સામાં પણ નેથને આ જ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. 2023માં હિંડનબર્ગે અદાણી ગ્રુપની કહેવાતી નાણાકીય ગરબડો અંગે રિપોર્ટ બહાર પાડ્યો તેમાં દાવો કરેલો કે, ગૌતમ અદાણી કૉર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટો ફ્રોડ કરી રહ્યા છે. અદાણીએ પોતાની કંપનીઓના શેરના ભાવમાં ચેડાં કર્યાં છે અને અદાણી ગ્રુપના શેરની વાસ્તવિક વેલ્યૂ કરતાં 85 ટકા સુધી ભાવ વધારવામાં આવ્યા છે. અદાણીના પરિવારના લોકો વિદેશમાં શેલ કંપનીઓ ચલાવીને મની લોન્ડરિંગ કરે છે. આ રિપોર્ટને કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં કડાકો બોલી ગયો હતો. અદાણી ટોચના 30 અબજપતિઓની યાદીમાંથી પણ બહાર ફેંકાઈ ગયા હતા.
આ જ રીતે, હિંડનબર્ગે ‘સેબી’ ચૅરમૅન માધબી પુરી બૂચને પણ અડફેટે લીધાં હતાં. 2024માં 10 ઑગસ્ટે બહાર પાડેલા રિપોર્ટમાં હિંડનબર્ગે દાવો કર્યો હતો કે, બર્મુડા અને મોરેશિયસ જેવા ટૅક્સ હેવન દેશોમાં અદાણી ફેમિલીનાં રોકાણમાં ‘સેબી’ના ચેરપર્સન માધબી પુરી બુચ અને એમના પતિ ધવલ બુચનો પણ ભાગ છે. માધબી પુરી બુચે કરેલી કહેવાતી નાણાકીય ગરબડોની બીજી વિગતો પણ હિંડનબર્ગે આપી હતી. આ વિગતો પ્રમાણે માધબી પુરી બુચે અદાણી સાથેની સાંઠગાંઠમાં કરોડોની કમાણી કરી છે અને પોતાનાં કરતૂતોની વિગતો છુપાવીને કાયદાનો ભંગ પણ કર્યો છે.
અદાણી અને માધબી બંને અંગેના આવા રિપોર્ટે ભારતમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ આ મુદ્દાનો ઉપયોગ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ભીંસમાં લેવા પણ કર્યો હતો. સામે ભાજપે નેથન એન્ડરસન અને એની કંપની હિંડનબર્ગ રિસર્ચને હળાહળ ભારતવિરોધી અમેરિકાના એક જાણીતા વગદાર જ્યોર્જ સોરોસ મદદ કરે છે એવા આક્ષેપો કરતાં રાજકીય દંગલ જામી ગયેલું. આ દંગલ શમી પણ ગયું, પણ હિંડનબર્ગ રિસર્ચ બંધ થતાં આ વાતો પાછી યાદ આવી ગઈ છે.
હિંડનબર્ગ રિસર્ચે ભૂતકાળમાં અદાણીની જેમ ઘણી કંપનીઓને નિશાન બનાવીને ભળતાસળતા રિપોર્ટ બનાવેલા, જેમાં નિકોલા કૉર્પોરેશન, ઓરમેટ ટેકનોલૉજીસ, મૂલ્લેન ઑટોમોબાઈલ્સ, ક્રિપ્ટોમાઈનિંગ અને બ્લોકચેઈન એસઓએસ ઇત્યાદિ ઇત્યાદિ જાણીતી કંપનીઓને નેથને નિશાન બનાવેલી. આ પૈકીની મોટા ભાગની કંપની તો બદનામ થઈને પતી ગઈ, પણ ‘અદાણી ગ્રુપ’ ઝીંક ઝીલીને ટકી ગયું. અદાણી ગ્રુપના શેરના ભાવ એ વખતે ઘટેલા, પણ પછી ક્રમશ: ધીરેધીરે રિકવરી થઈ ગઈ તેથી ‘અદાણી ગ્રુપ’ને સાવ ખતમ કરી નાખવાની નેથનની મનસા ફળી નહીં.
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ્સની વિશ્વસનિયતા કેટલી એ મુદ્દો અદાણી સામેનો રિપોર્ટ બહાર આવ્યો ત્યારે ઊભો થયેલો. હિંડનબર્ગના બીજા રિપોર્ટ્સ અંગે પણ એવા સવાલો થયા છે ને છતાં વાસ્તવિકતા એ છે કે, હિંડનબર્ગ રિસર્ચે ઘણી કંપનીઓને ખતમ કરી નાખી. તેનું કારણ એ કે, લોકો નકારાત્મકતા પર બહુ જલદી વિશ્વાસ કરી લે છે. આપણે ત્યાં પણ આ જ સ્થિતિ છે. ભારતમાં તો વિદેશથી આવતા કોઈ પણ રિસર્ચના નામે કહેવાતા રિપોર્ટને લોકો આંખો મીંચીને સાચો માની લે છે તેથી હિંડનબર્ગના રિપોર્ટને પણ સાચો માનીને લોકોએ અદાણીને એક વાર તો નકારી જ કાઢેલા… જોકે હવે હિંડનબર્ગ રિસર્ચે જે રીતે એનાં જુઠ્ઠાણાંની બાજી સંકેલી લેવી પડી છે એના પરથી આપણે પણ આવાં વિદેશી ‘સચ્ચા-જૂઠા’ની પરખના પાઠ શીખી રાખવા રહ્યા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને