પર્થઃ અહીં ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ શરૂ થવાને માંડ પાંચ દિવસ બાકી છે ત્યારે એ મૅચના સ્થળ પર્થમાં ટીમ ઇન્ડિયાનો લગભગ દરરોજ એક પછી બૅટર ઈજા પામતો જાય છે. વિરાટ કોહલી, સરફરાઝ ખાન અને કેએલ રાહુલ પછી હવે શુભમન ગિલને પણ પ્રૅક્ટિસ દરમ્યાન ઈજા પહોંચી છે.
ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3ના વાઇટવૉશથી પરેશાન ભારતની ટેસ્ટ ટીમ ઑસ્ટ્રેલિયામાં સારું પર્ફોર્મ કરવા થોડા માનસિક દબાણમાં પ્રૅક્ટિસ કરી રહી હશે એવું માની શકાય અને એ સ્થિતિમાં એક પછી એક ખેલાડીએ પ્રૅક્ટિસ અધવચ્ચે છોડીને સારવાર લેવી પડી છે અથવા આરામ કરવો પડ્યો છે.
રોહિત શર્માની પત્ની રિતિકાએ પુત્રને જન્મ આપ્યો છે એટલે હવે રોહિત રજા ટૂંકાવીને વહેલાસર ઑસ્ટ્રેલિયા પહોંચી જાય અને પહેલી ટેસ્ટથી જ રમે એવું ખુદ ટીમના ખેલાડીઓ પણ ઇચ્છતા હશે.
ગિલ પ્રૅક્ટિસ દરમ્યાન સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ડાબા હાથમાં ઈજા પહોંચી હતી અને તે મેદાન પરથી જતો રહ્યો હતો.
બાવીસમી નવેમ્બરે પ્રથમ ટેસ્ટ શરૂ થશે અને ગિલ એ મૅચમાં રમશે કે કેમ એ વિશે હજી નક્કર પ્રતિક્રિયા નથી મળી.
ગિલ વનડાઉનમાં બૅટિંગ કરે છે, પરંતુ રોહિત શર્માએ પ્રથમ ટેસ્ટમાંથી પોતાની બાદબાકી કરી હોવાથી ગિલને ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ સાથે રમવાનું ટીમ મૅનેજમેન્ટ કહેશે એવું માનવામાં આવતું હતું.
આપણ વાંચો: ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમનું વધ્યું ટેન્શન, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત
ઓપનિંગમાં યશસ્વીની સાથે કેએલ રાહુલનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ શુક્રવારે રાહુલને પ્રૅક્ટિસ દરમ્યાન કોણીમાં ઈજા થઈ હતી.
જોકે ઈજા પામેલા ભારતીય ખેલાડીઓમાંથી કોઈ ખેલાડી પ્રથમ ટેસ્ટમાં નહીં રમી શકે એવો કોઈ અહેવાલ નથી, કારણકે કોઈની પણ ઈજા ગંભીર નથી.
ભારતીય સ્ક્વૉડમાં અભિમન્યુ ઈશ્વરન પણ છે એટલે ટીમને ઓપનરની જરૂર પડશે તો તેને પણ ઇલેવનમાં સમાવી શકાશે.
શુક્રવારે ગિલે બે વખત બૅટિંગ કરી હતી. પહેલાં તેણે 28 રન બનાવ્યા હતા અને નેટ બોલર નવદીપ સૈનીના બૉલમાં ગલીમાં કૅચ આપી બેઠો હતો. બીજી વાર કરેલી બૅટિંગમાં ગિલે 42 રન બનાવ્યા હતા અને આઉટ નહોતો થયો.