ઔર યે મૌસમ હંસીં… -પિતૃઓને તર્પણ: તમને શું આવી અનુભૂતિ થઇ છે?

2 hours ago 1

દેવલ શાસ્ત્રી

પ્રાચીન-ઐતિહાસિક અજંટાની ગુફાઓ વાકાટકોના વંશજોનું સર્જન છે
જ્યારે જ્યારે કોઈ મને ફરવા જવા માટે સ્થળ પૂછે ત્યારે હું હમેશા મધ્યપ્રદેશના ઓરછાનો હોંશભેર ઉલ્લેખ કરું જ… !

આ સ્થળ માટે મને ખાસ અનુરાગ છે. મારા પરિચિતોને હમેશા કહેતો કે કોઈ એવું તત્વ એ હવામાં છે, જે મને આકર્ષે છે. ઓરછાનો પંદરેક વર્ષમાં આઠ દશ -વાર અલગ અલગ કારણોસર ત્યાંનો પ્રવાસ કર્યો છે. ક્યારેક એવું પણ બન્યું છે કે કલાક સુધી એ હવામાંથી કંઈક પામવા આંખો બંધ રાખીને બેઠો છું.

ઘણાં સ્થળે તમને પણ આવી અનુભૂતિઓ થતી હશે- થાય છે ને ભવિષ્યમાંય થશે.

થોડા સમય પહેલાં એક અમેરિકન ક્ધયાએ ગુજરાતી યુવાન સાથે લગ્ન કર્યાં, યુવાનની કુળદેવીના દર્શન કરતાં એ વિદેશી યુવતી રડી પડી ને કહેતી રહી કે ‘આ મૂર્તિ સાથે મારું કશું જોડાણ છે…! ’
મહાત્મા ગાંધી કહેતા કે, જે પુનર્જન્મમાં નથી માનતો એને હું સનાતની માનવા તૈયાર નથી…

ઇતિહાસ સંબંધિત સેન્ટ્રલ લાઇબ્રેરીમાં જઇને ઓર્થેન્ટિક – અધિકૃત દળદાર પુસ્તકો જોવાં – વાંચવાં ગમે. એનાં આમ જ પાનાં ફેરવતા એક પ્રકરણ મળ્યું ને હું ક્ધફ્યુઝ થઇ ગયો. પુસ્તકના આ પ્રકરણ વાંચવા પહેલાં મને ખબર ન હતી કે કદાચ કોઈ આવું પણ કારણ હોય?

ભારતીય ઇતિહાસમાં ઘણા ગૌરવશાળી વંશોએ શાસન કર્યું છે. કોઈ વંશમાં બે -ચાર પેઢી તો કોઇ વંશમાં વધારે પેઢીઓએ શાસન કર્યું છે. વર્ષ ૨૪૮થી વર્ષ ૩૪૮ અને તે પછી પરોક્ષ રીતે વર્ષ ૫૫૦ સુધી વાકાટક વંશે મધ્ય ભારતમાં રાજ્ય સંભાળ્યું હતું. વાકાટક વંશનો પહેલો રાજા વિન્ધ્યશક્તિ હતો, જે બ્રાહ્મણ હતો. વિન્ધ્યશક્તિનો પુત્ર પ્રવરસેન પ્રથમ રાજા બન્યો. એણે ચાર વખત અશક્ય એવા અશ્વમેઘ યજ્ઞ કર્યા. સમ્રાટ પ્રવરસેન એટલો લાંબો સમય રાજ્ય કર્યું કે એના પુત્ર ગૌતમીને ગાદી પર બેસવાનો વારો આવ્યો નહીં. પહેલા વાકાટક રાજા વિન્ધ્યશક્તિએ છત્રીસ વર્ષ અને એના વારસદાર પ્રવરસેન પહેલાએ ૬૦ વર્ષ રાજ્ય કર્યું. આમ બંને મળીને ૯૬ વર્ષ રાજ્ય સંભાળ્યું. પ્રવરસેનના સમયના સિક્કાઓ નથી મળતા, પણ સમ્રાટ અશોક પછી સૌથી વધારે તામ્રપત્રો એનાં મળ્યા છે. સમય જતાં વાટાકટ વંશના વારસદારો સમુદ્રગુપ્તના ખંડિયા રાજાઓ બનતા ઘણા અધિકાર ગુમાવ્યા.

પ્રવરસેન પછી એના વેવાઇનો પુત્ર પૃથ્વીસેન પ્રથમ ગાદી પર આવ્યો. એ પછી ગૌતમીનો પુત્ર રુદ્રસેન દ્વિતીય ગાદી પર આવ્યો. રુદ્રસેન દ્વિતીય સમયે રાજ્ય એટલું મજબૂત હતું કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યની પુત્રી પ્રભાવતી સાથે એનું લગ્ન થયું. બે પેઢી પછી આ વંશ અલગ અલગ શાખામાં વિભાજીત થયો. રુદ્રસેનનું મૃત્યુ નાની વયમાં થતાં તેર વર્ષના પુત્ર દિવાકરને રાજવી બનાવવા
માટે માતા પ્રભાવતીએ શાસનધુરા
સંભાળી. એ પછી એના વંશજો કાળક્રમે છેક ગુજરાતના નર્મદા કિનારા સુધી ખસતા ગયાં.

બ્રાહ્મણવંશી વાકાટકોનું રાજ્ય એ સમયે આજના બુન્દેલખંડની આસપાસ અને આજના મહારષ્ટ્ર- મધ્યપ્રદેશમાં કહી શકાય. રાજ્ય વિસ્તાર વધતો ગયો અને સમય જતાં ઘટતો પણ ગયો.

વાકાટકોની રાજધાની વાકાટક નગર હતી. જે ઓરછા કસ્બામાં સ્થિત કહી શકાય, જેનું એક નામ ચનકા હતું. વાટાકટનો પ્રવરસેન -પહેલો સાહસિક રાજા હતો, વિદેશી કહી શકાય એવા કુષાણોને ભગાડ્યા અને ભારતીય શાસન પ્રણાલી દાખલ કરી, સંસ્કૃત ભાષાનો પુનર્રોદ્ધાર કર્યો, સંસ્કૃત સાહિત્યને પ્રોત્સાહન આપ્યું, કૌમુદી મહોત્સવ ગ્રંથની રચના એના સમયમાં મહીલાઓ થકી થઇ. સરકારી કામકાજની ભાષા સંસ્કૃત બનાવી. હા, અજંટાની ગુફાઓ આ વાકાટકોનું સર્જન છે. એ કટ્ટર શિવપંથી રાજા હતો.

વાકાટક રાજ્યનો પહેલો રાજા વિન્ધ્યશક્તિ અને એનો પુત્ર પ્રવરસેન પહેલો બ્રાહ્મણ હતાં, પણ એમનું ગોત્ર વિષ્ણુ વૃદ્ધ હતું. બ્રહ્માંડ પુરાણ અનુસાર વિષ્ણુવૃદ્ધ રાજા હતો, જે તપ કરીને બ્રાહ્મણ બન્યા. મગધના ગુપ્તવંશ સમકક્ષ સમયના વાકાટક વંશ સૌથી સુસંસ્કૃત વંશ હતો.

વિષ્ણુવૃદ્ધ ગોત્ર મારા જેવા અસંખ્ય વ્યક્તિઓનું ગોત્ર હોય શકે. ઓરછા પ્રત્યેના આકર્ષણમાં આ ગોત્ર જવાબદાર હશે? વિજ્ઞાન પણ ઘણી વાતોમાં હાથ અધ્ધર કરતું હોય છે ત્યાંથી શ્રદ્ધાનો જન્મ થાય છે.

ગોત્ર એટલે ગાયોના સમૂહને રાખવાનું સ્થળ. વ્યાપક અર્થમાં પૂર્વજોનું સરસ મજાનું ઝુમખું, જે એક ઓળખ છે. આપ પણ થોડો અભ્યાસી હશો તો હું પણ માનું છું કે વૈજ્ઞાનિક અભિગમમાં ગોત્રવાળી કથા કદાચ કોઇને શક્ય ન લાગે, પણ મારા જીવનમાં બન્યું છે એ હકીકત છે.

ઇતિહાસ સિવાયની વાતમાં અસહમત થવાનો આપનો અધિકાર છે, પણ મારે વાત અલગ કરવી છે. આપ આપના વડવાઓ, આસપાસના સમાજ, મહાનુભાવો, વિસ્તાર, જનજીવન, લોકસાહિત્ય, કળાઓ, સભ્યતાઓ, સ્થાપત્યો, કથાઓ વગેરે પર અભ્યાસ કરી શકો છો. એક સમયે વિખ્યાત લેખક કાફ્કાએ એનું સર્જન પિતાના નામે કર્યું. વિશ્વપ્રસિદ્ધ ‘મેટામોર્ફોસિસ’ હોય કે ‘ધ જજમેન્ટ’… ધ જજમેન્ટમાં નાયક જ્યોર્જ બેન્ડેમૈન બીમાર પિતાના બગડેલા કપડાં બદલતા પોતાના એંગેજમેન્ટની વાત કરે છે. બાપ આ સાંભળીને છેલ્લી પાયરીએ બેસી જાય છે અને દીકરાને બેફામ બોલે છે. દીકરાને ડૂબી મરવા કહે છે. દીકરો સમજી શક્તો નથી અને ભાગતો ભાગતો દરિયા કિનારે આવે છે અને સમુદ્રમાં છલાંગ લગાવી દે છે. પિતા પરત્વે ગુસ્સા થકી આ સર્જન થયું. મહદઅંશે આપણે ત્યાં પિતાજીમાં જે ગુણ જોયા ના હોય એના પણ ખરા – ખોટા વખાણ કરીને લખવામાં આવતું હોય છે. પિતા-પુત્રના સંબંધ લેખક કાફ્કા જેવા પણ
નથી હોતા અને સાવ ગળચટ્ટા પણ નહીં. દરેક સ્થિતિમાં બંને અપેક્ષા કરતાં અલગ જ
વર્તન કરતાં હોય છે. મહદઅંશે એકબીજા કરતાં વધારે સમજદારી હોવાના ભ્રમમાં જીવે છે ને એ સાબિત કરવાની કોશિશ કરતાં હોય છે. આમ છતાં એકબીજાથી હારવાનો પણ આનંદ ભોગવતા હોય છે.

વારંવાર લખું છું : શરત એક જ છે, ફોર્વડેડ મેસેજની બહાર અભ્યાસ કરતાં રહો, મજાની ઇન્ટરેસ્ટિંગ દુનિયા છે. કળા સાહિત્ય અર્થશાસ્ત્ર સહીત અનેક વિષયો પર વિશ્વના પ્રવાહોને સમજીને અભ્યાસ કરતાં રહેવું એ જ પિતૃઓને તર્પણ છે.

ધ એન્ડ :
ना जाने क्यूँ होता है ये ज़िंदगी के साथ
अचानक ये मन किसी के जाने के बाद
करे फिर उस की याद छोटी-छोटी सी बात
ना जाने क्यूँ

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article