-કિશોર વ્યાસ

એક ચોવક છે: ‘હલકો નાં હારી જો’ ભાવાર્થ થાય છે: નામથી જ બદનામ હોવું! ‘હલકો’ શબ્દનો અર્થ છે બદનામ, ‘નાં’ એટલે નામ અને ‘હારી’નો અર્થ થાય છે હળ ચલાવનાર કે સાથી. ‘જો’ એટલે નો! કોઇ એવી અઘટિત કે અકલ્પનીય ઘટના બને એટલે કે નજર સામે હંમેશાં દેખાય તે ‘ચોર’ કે ‘ગુનેગાર’ કે ખોટું કામ કરનાર! શાહબુદ્દિન રાઠોડનો વનેચંદ યાદ છે! ગુનો કોઇપણ કરે, પરંતુ સજા એને જ થાય! બસ એવું જ!

પતિકે પ્રેમીને મળવા માટે કે તેની સાથેના મિલન માટે જેને આકંઠ તલપ લાગી હોય અને એવા તડપના દિવસોમાં જ પ્રિય પાત્રનું આવવાનું કે તેની પાસે બોલાવવાનું આમંત્રણ આવે ત્યારે એ સ્ત્રીના સોળેય કોઠે દિવા પ્રગટે અને બત્રીસ કોઠે વાન ઉજળો થઇ જાય… એ સ્થિતિને પ્રગટ કરતી એક ચોવક છે: ‘હિકડી તાં ઉકોંઢ નેં તેં મેં આવઇ કોઠ’ ‘હિકડી’ એટલે એક અને સાથે ‘તાં’ શબ્દ જોડાયો છે એટલે અર્થ થાય છે, ‘એક-તો’, (‘કાંઢ’ કચ્છ)માં એક સુંદર શબ્દ છે. જેનો અર્થ થાય છે ‘મિલનની તડપ’.

હવે આ એકાક્ષરી ત્રણ શબ્દોની મજા માણજો… ‘નેં’ એટલે અને, ‘તેંમેં’એ બે એકાક્ષરી શબ્દો અહીં જોડાઇને અર્થ આકારે છે ‘તેંમાં’! ‘આવઇ’નો અર્થ થાય છે ‘આવી’ અને ‘કોઠ’ એટલે તેડું કે આમંત્રણ … ટૂંકમાં એમ કહી શકાય કે, જે વસ્તુ-સ્થિતિ જોઇતી હતી તે મળવાની શકયતા ઊભી થઇ!


Also read: વ્યંગ: યા અલ્લાહ , પાકિસ્તાનમાં કદી પુસ્તકમેળા નહીં યોજાય ?


સામાન્ય રીતે સારાં કાર્યો કર્યાં હોય અને સન્માનનીય વ્યક્તિ હોય તેની પ્રતિમાઓ મુકાતી હોય છે. જેથી અન્યોને પ્રેરણા મળે. પણ અહીં એક ચોવક મૂકું છું. તેમાં પ્રતિમા (પૂતળાં)નો પ્રયોગ કેવા અર્થમાં કર્યો છે એ જો જો..‘કરમજો પૂતરો, ૫ મિનીં આડફિરઇ! કોઇ અકર્મઠ વ્યક્તિની મજાક ઉડાવવી હોય તો આ ચોવકનો ઉપયોગ કરવામાં આવે છે.

અર્થ એવો થાય છે કે, આમ તો એ કામ કરનારો પણ તેને બિલાડી આડી ફરી ગઇ, એટલે હાથ જોડીને બેસી રહ્યો છે! ‘કરમ જો પૂતરો’ એટલે કર્મની પ્રતિમા. ‘પ’નો અર્થ છે પણ. ‘મિની’નો અર્થ થાય છે બિલાડી અને ‘આડ’ એટલે આડી ને ‘ફિરઇ’નો અર્થ થાય છે ‘ફરી’ (આડી ફરી)!

આમ તો એવું સ્પષ્ટ પણ લાગે છે કે, આ એક ચોવકમાં બે ચોવક સમાયેલી છે. કોઇના કામમાં આળસ બદલ ટોણોં મારવો હોય તો કહી શકાય. ‘કરમજો પૂતરો’ અને કોઇ પણ બહાને કામ ન કરવાની વૃત્તિ ધરાવનાર વ્યક્તિને બહાનું આડું ધરવા માટે ‘મિનીં આડફિરઇ’ ચોવક બનીને આ ત્રણ શબ્દો પૂરતા બની રહે છે.


Also read: અજબ ગજબની દુનિયા: જાણો અતરંગી દુનિયાના અવનવા રંગ


વાતમાં કંઇક તો તથ્ય હશે નહીં તો કહેવતો અને ચોવકો રચાય નહીં… ‘બિલાડીના પેટમાં ખીર ન રહે’ તેમ ‘સ્ત્રીના પેટમાં વાત ન રહે’! ચોવક એવી રચાઇ છે કે: ‘બાયડી જે પેટ મેં પુતર રે પ ગાલ ન રે’ ચોવક પરથી અર્થ તો એવો ફલિત થાય છે કે, સ્ત્રીના પેટમાં દીકરો રહે પણ કોઇ વાત ન રહે! આમ તો જોકે આટલું કહીને ચોવક ‘સ્ત્રી સહજ સ્વભાવ’નો જ પરિચય આપે છે. શબ્દોના અર્થ જોઇએ છે? ‘બાયડી’ એટલે સ્ત્રી. ‘જે’નો અર્થ થાય છે: ના (સ્ત્રીના), ‘પુતર’ એટલે દીકરો અને ‘રે’ એટલે રહે (ટકી રહે) ‘પ’નો અર્થ થાય છે પણ ચોવકમાં જે ‘ગાલ’ શબ્દ-પ્રયોજવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે… વાત! ટૂંકમાં ચોવકને એટલું જ કહેવું છે કે, સ્ત્રીના પેટમાં વાત ન ટકે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને