અહિલ્યાનગર: મહારાષ્ટ્રના કુસ્તીપ્રેમીઓમાં વર્ષોથી મહારાષ્ટ્ર કેસરી રેસલિંગ ટૂર્નામેન્ટ ખૂબ લોકપ્રિય છે અને એની રવિવારની એક ઇવેન્ટ દરમ્યાન કુસ્તીબાજે દલીલબાજી વચ્ચે ગુસ્સે થઈને રેફરીનો કોલર પકડ્યો અને તેમને લાત મારી એને પગલે ધમાલ થઈ ગઈ હતી. પોલીસ કર્મચારીઓને બોલાવવા પડ્યા હતા અને બંને હરીફ કુસ્તીબાજને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
‘મહારાષ્ટ્ર કેસરી’ તરીકે ઓળખાતી આ સ્પર્ધાની વર્ષ 2025ની સીઝનમાં નાંદેડના કુસ્તીબાજ શિવરાજ રક્ષેને મહેન્દ્ર ગાયકવાડ નામના હરીફ સામેના મુકાબલામાં પરાજિત ઘોષિત કરવામાં આવ્યો હતો.
જોકે શિવરાજ રક્ષેને રેફરીનો એ નિર્ણય સ્વીકાર્ય નહોતો અને તેણે રેફરી સાથે દલીલ કરી હતી.
એક જાણીતા અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ તેમ જ વાઇરલ થયેલા વીડિયોમાં બતાવ્યા પ્રમાણે કુસ્તીબાજ શિવરાજે રેફરીનો કોલર પકડ્યો હતો અને તેમને લાત મારી હતી. પરિણામે મોટી બબાલ થઈ ગઈ હતી, ભાગદોડ મચી ગઈ હતી અને પોલીસની મદદ લેવી પડી હતી. પોલીસ કર્મચારીઓ તરત જ શિવરાજ અને તેની ટીમને સુરક્ષિત રીતે અલગ જગ્યાએ લઈ ગયા હતા.
આ જ અહેવાલમાં જણાવ્યા અનુસાર મહેન્દ્ર ગાયકવાડ અને પૃથ્વીરાજ મોહોલ વચ્ચેના મુકાબલામાં પણ વિવાદ થયો હતો. એક તબક્કે રેફરીએ રેસલર મહેન્દ્ર ગાયકવાડને ચેતવણી આપી હતી અને ત્યાર બાદ પૃથ્વીરાજ મોહોલે હરીફ ગાયકવાડને હરીફાઈ ફરી શરૂ થતાં જ કથિત બળજબરીથી રિંગની બહાર લાવી દીધો હતો અને એક પોઈન્ટ મેળવી લીધો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ઠંડી કે ગરમી કોનું પલડું રહેશે ભારી..જાણો…
ગાયકવાડે આ પોઇન્ટ સામે વાંધો લીધો હતો, પરંતુ મુકાબલો પૂરો થવાને 16 સેકન્ડ બાકી હતી અને મોહોલ ત્યારે 2-1થી આગળ હતો ત્યારે ગાયકવાડ વિરોધ તરીકે હરીફાઈની મૅટની બહાર આવી ગયો હતો અને ફરી પાછો આવ્યો જ નહોતો
છેવટે જજની પૅનલે મોહોલને ‘મહારાષ્ટ્ર કેસરી’નો ટાઈટલ વિજેતા જાહેર કર્યો હતો.
મૅચ બાદ થોડી ધમાલ થઈ હતી અને ગાયકવાડ તરફી પ્રેક્ષકોને વિખેરવા પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી.
પૃથ્વીરાજ મોહોલને ઇનામમાં ચાંદીની ગદા તેમ જ કાર મળી હતી. પૃથ્વીરાજ કુસ્તીમાં મોહોલ પરિવારનો ચોથી પેઢીનો સ્પર્ધક છે. તેણે આ ટાઈટલ જીતીને પિતાનું સપનું સાકાર કર્યું હોવાનું મીડિયાને કહ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને