મુંબઇઃ મુંબઈમાં ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન જોફ્રા આર્ચરના બોલથી સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને આંગળીમાં ફ્રેક્ચર થયું છે. હવે તે એક મહિનાથી વધુ સમય માટે મેદાનની બહાર રહી શકે છે. તે આગામી રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાં પણ રમી શકશે નહીં. આ ઉપરાંત, આઇપીએલની શરૂઆતની મેચમાંથી પણ બહાર થઇ શકે છે.
સંજૂ સેમસન તેના વતન તિરુવનંતપુરમ પરત ફર્યો છે અને નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિહેબિલિટેશન પૂર્ણ કર્યા પછી જ ટ્રેનિંગ શરૂ કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાછા ફરતા પહેલા તેને એનસીએની મંજૂરીની જરૂર પડશે.
બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે – સેમસનની જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર છે. તેને નેટ પર પ્રેક્ટિસ શરૂ કરવામાં પાંચથી છ અઠવાડિયા લાગશે. તેથી તે 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન પુણેમાં રમાનારી રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ (જમ્મુ અને કાશ્મીર સામે)માં કેરળની ટીમ તરફથી રમે તેવી કોઇ શક્યતા નથી.
આ પણ વાંચો : ઝંઝાવાતી બેટિંગ કરતા આ શું કર્યું સંજુ સેમસને કે…. રડી રડીને થયા બૂરા હાલ
તેમણે વધુમાં કહ્યું સંજુ સેમસન આઈપીએલમાં વાપસી કરી શકે છે. તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઇપીએલ 21 માર્ચથી શરૂ થઈ શકે છે જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને