મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે ઑનલાઈન ટિકિટોનું વેચાણ કરતી વેબસાઈટ બૂકમાયશોને નોટિસ મોકલી જાન્યુઆરીમાં બ્રિટિશ બૅન્ડ ‘કૉલ્ડપ્લે’ની કોન્સર્ટ અને અન્ય આવા શો માટે નામ આધારિત ટિકિટોના વેચાણ સહિત કડક પગલાં અમલમાં મૂકવાનું કહ્યું હતું.
ઑનલાઈન પ્લૅટફોર્મ્સ પરથી ટિકિટ્સ ખરીદતા ફૅન્સનું શોષણ નિવારવા માટે મહારાષ્ટ્ર સાયબર પોલીસ દ્વારા નોટિસ જારી કરાઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આવી હાઈ-પ્રોફાઈલ કોન્સર્ટ્સ અને ઈવેન્ટ્સના ઑનલાઈન પ્લૅટફોર્મ્સ મારફત ટિકિટોનાં બુકિંગમાં સમસ્યા ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઑનલાઈન ફોરમ્સ અને સોશિયલ મીડિયામાં સતત વધી રહી છે, જેની પોલીસે ગંભીર નોંધ લીધી છે.
આપણ વાંચો: સાયબર ઠગ બૅંક ખાતું ભાડે રાખીને કરે કમાણી
બૂકિંગના ગાળામાં વેબસાઈટો પર પ્રતિસાદ મળતો નથી, એવી ફરિયાદ અસંખ્ય લોકોની છે. આને કારણે બ્લૅક માર્કેટિંગ કરનારાઓ પછી ટિકિટોનાં મોંમાગ્યાં દામ પડાવે છે. અમુક વાર તો ટિકિટની મૂળ કિંમત કરતાં 10 ગણી વધુ કિંમતે ટિકિટ વેચાય છે.
આવી સ્થિતિઓ ટાળવા માટે પ્લૅટફોર્મ્સ દ્વારા લેવામાં આવતાં પગલાં અપૂરતાં હોવાનું સાયબર પોલીસને જણાયું છે, એવું અધિકારીનું કહેવું છે.
દરમિયાન જાન્યુઆરી, 2025માં નવી મુંબઈમાં યોજાનારી કૉલ્ડપ્લે કોન્સર્ટ માટે ઑનલાઈન ટિકિટોના વેચાણ દરમિયાન ગરબડ થતી હોવાના આરોપને ધ્યાનમાં લેતા આવા મોટા કાર્યક્રમોની ટિકિટોના કાળાબજાર રોકવા માર્ગદર્શિકા ઘડી કાઢવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરવામાં આવી છે.
આવી કોન્સર્ટ જેવી મોટી ઈવેન્ટ્સની ટિકિટોના વેચાણ દરમિયાન અનિયમિતતા અને અનધિકૃતતા જોવા મળતી હોય છે. સપ્ટેમ્બરમાં કૉલ્ડપ્લેની ટિકિટના વેચાણ વખતે પણ આવી અનિયમિતતા જોવા મળી હોવાનું અરજીમાં જણાવાયું હતું. (પીટીઆઈ)