સુરત: સુરતનનાં અડાજણનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અહી 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને કામના બહાને કોમ્પલેક્ષમાં બોલાવીને ટોળકીએ તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. કોન્ટ્રાક્ટરનાં નગ્ન ફોટા પાડી, પોલીસનાં નામે ધમકાવીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ કેસમાં પોલીસે નકલી પોલીસ અધિકારીઓ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
ગેંગનાં સભ્યો જ બન્યા પોલીસ
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં અડાજણમાં એક 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા છે. ફ્રોડ ગેંગના માસ્ટર માઈન્ડનું નામ અમાનુલ્લા શેખ છે, જેણે પહેલા કોન્ટ્રાક્ટર સાથે મિત્રતા કરી અને તેને વિશ્વાસમાં લીધો.
ત્યારબાદ તેણે કામના બહાને કોન્ટ્રાક્ટરને પાર્લે પોઈન્ટના વૃંદા કોમ્પ્લેક્સમાં બોલાવ્યો. આ દરમિયાન અમાનુલ્લા કોન્ટ્રાક્ટરને એક રૂમમાં લઈ ગયો, જ્યાં એક યુવતી પહેલાથી જ હાજર હતી. જેવો અમાનુલ્લા રૂમમાંથી બહાર નીકળ્યો કે તરત જ તેની ગેંગના અન્ય સભ્યો નકલી પોલીસ બનીને રૂમમાં ઘૂસી આવ્યા હતા.
હાથકડી પહેરાવી પાડયા નગ્ન ફોટા
નકલી પોલીસ બનીને રૂમમાં ઘૂસેલા ગેંગનાં સભ્યોએ કોન્ટ્રાક્ટરને હાથકડી પહેરાવી તેના નગ્ન ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
વળી અંતે નકલી પોલીસે ફરિયાદ ન નોંધવા માટે 20 લાખ રૂપિયાની માંગણી કરી અને અંતે 5 લાખ રૂપિયામાં સોદો ફાઇનલ થયો. કોન્ટ્રાક્ટરે તેના એક મિત્રને 5 લાખ રૂપિયા લઈને શોપિંગ સેન્ટરમાં બોલાવ્યો હતો, જ્યાં નકલી પોલીસે રૂપિયા એક રિક્ષાચાલકને આપીને ત્યાંથી નીકળી ગયા હતા.
ટોળકીના 4 સભ્યોની ધરપકડ
આ અંગે કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી ટોળકીના 4 નકલી પોલીસ કર્મીને ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસે અમિત મનસુખ ઠક્કર, ડી સ્ટાફ તરીકે ઓળખ આપનાર વિજય મણીલાલ માળી, અલ્પેશ જગદીશ પટેલ અને અમાનઉલ્લાહ શેખની ધરપકડ કરવામાં આવી છે.