ક્લોઝ અપ – ભરત ઘેલાણી
આ લેટેસ્ટ `ફેસ રેકગ્નિશન’ ટેકનિકમુંબઈનાં ગીચ લોકલ સ્ટેશન્સ-અતિવ્યસ્ત ઍરપૉર્ટ્સ અને ગાઢ જંગલોમાં લપાયેલા આતંકવાદીઓને ઝડપી લેતી આ અતિ આધુનિક ટેકનિકનું જાણી લો, A ટુ Z! ડૉ. પારૂલ શાહ, સૈફ પર હુમલો કરનાર આરોપીની સીસી ટીવી ઈમેજ અને ઝડપાયો પછી…
આપણે આવી હેડલાઈન્સ અવારનવાર વાંચીએ છીએ કે પછી ટીવી ન્યૂઝમાં સાંભળીએ છીએ, જેમકે#પાંચેક આતંક્વાદી પંજાબ બોર્ડરથી પાટનગર દિલ્હીમાં પ્રવેશ્યા હોવાની બાતમી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) તરફથી દિલ્હી પોલીસને મળી છે. #પાકિસ્તાનના 15 જેટલા લશ્કરી જવાન `જૈશ-એ-મહમ્મદ’ના નામે જ્મ્મુ-કશ્મીરમાં આતંકી હુમલાની તૈયારીમાં છે.. એ બધાને શોધી કાઢી એમને `ન્યુટ્રલાઈઝસ્’ (ઝબ્બે કરો!) કરવાની કામગીરી મિલિટરી ગુપ્તચર એજન્સીને સોંપી દેવામાં આવી છે… આ પ્રકારના સમાચાર વાંચી-સાંભળીને મોટા ભાગના લોકોને જિજ્ઞાસા જાગે: આવા દેશદ્રોહીઓનો અત્તોપત્તો આપણી સુરક્ષા એજન્સી કે ગુપ્તર વિભાગ કઈ રીતે મેળવતાં હશે?માત્ર આતંક્વાદીઓને જ નહીં, પોલીસને ચોપડે ચઢેલા ને ભાગતા ફરતા ખૂની-ઉઠાવગીરો-બૅન્ક લુટારુઓ જેવા પીઢ અપરાધીઓને કાયદાના લાંબા હાથ શોધીને જે રીતે ઝબ્બે કરે છે એ કામગીરી આમ તો બહુ કડાકૂટવાળી છે, પણ હવે ચિત્ર પલટાયું છે. ડિજિટલ ક્ષેત્રે થયેલી નવી શોધખોળ તેમ જ `આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એટલે કે કૃત્રિમ બુદ્ધિની મદદથી એ દિશામાં ઝડપી ને સઘન પ્રયાસ થઈ રહ્યા છે.
કોઈ સંભવિત આતંકવાદી કે પછી કોઈ લાપતા ગુનેગારની આગોતરા ભાળ મેળવી લઈને એમને સમયસર સપડાવવા માટે કાયદાના રક્ષકો પણ હવે એક્ લેટેસ્ટ ટેકનિક અને `મોડસ ઑપરેન્ડિ’ (ચોક્કસ કાર્યપદ્ધતિ) અપનાવી રહ્યા છે, જે `ફેસ રેકોગ્નિશન’ કે `ફેસિયલ રેકોગ્નિશન ટેકનિક તરીકે ઓળખાય છે. આજે કોઈ પણ ગુનેગારનું પગેરું મેળવવા અપરાધના સ્થળે ઝડપાયેલી સીસીટીવી ફૂટેજની સાથે પોલીસ બાતમીદારોએ પૂરી પાડેલી વિગત અથવા તો કોઈ સાક્ષી હોય તો એ બધાના સરવાળાના આધારે પોલીસ ગુનેગારની વધુ ને વધુ સમીપ પહોંચી શકે છે.હવે વાત કરીએ તાજેતરમાં ચકચાર મચાવી દીધા એ સમાચારની..બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર હમણાં એના જ ફ્લૅટમાં મધરાતે એક હિંસક હુમલો થયો. ફિલ્મોમાં ડુપ્લિકેટના સહારે વિલનોને પછાડતા સૈફે અહીં ખરા અર્થમાં હુમલાખોરનો હિંમતથી સામનો કર્યો. સૈફને લોહીલુહાણ કરી એ ગુનેગાર છટકી ગયો, પણ સૈફ રહે છે એ ઇમારતના ક્લોઝ્ડ સર્કિટ ટીવીના ફૂટેજમાં એ હુમલાખોર દેખાય છે. એ ફૂટેજ અને પોલીસ ટીમે એકઠી કરેલી અન્ય માહિતી-બાતમી પરથી એ કહેવાતા હુમલાખોર શરીફુલ ફકીરને પોલીસે ઝડપી પણ લીધો. સૈફે પણ પોતાના પર હિંસક હુમલો કરનાર શરીફુલને ઓળખી બતાવ્યો છે. જોકે, પેલાએ કોર્ટમાં કહ્યું છે કે `સીસીટીવીવાળો શખસ હું નથી!’ (એનો બાંગ્લાદેશી બાપ પણ એમ જ કહે છે!)
હવે ફૂટેજમાં દેખાતો હુમલાખોર શરીફુલ ફકીર છે કે નહીં એ ચકાસવા માટે પોલીસ `ફેસ રેકોગ્નિશન’ ટેકનિક દ્વારા પુરવાર કરવા પ્રયત્ન કરશે કે ફૂટેજનો ચહેરો આરોપી સાથે મૅચ થાય છે કે નહીં.આ `ફેસ રેકોગ્નિશન’ ટેકનિક એટલે કે તમારા ચહેરા-મોહરાની બાયોમેટ્રિક ઓળખ. બીજા શબ્દોમાં કહીએ તો આપણો ચહેરો જ બની જશે એક નવા પ્રકારનું `આધાર’ કાર્ડ અને ગુનેગાર માટે તો આવું `આધાર કાર્ડ’ બની જશે એની ક્રાઈમ કુંડળી!-તો સૈફના આ તાજા કેસમાં, જેનો ઉપયોગ થશે એ `ફેસ રેકોગ્નિશન’ ટેકનિક હકીકતમાં શું છે? એમાં ઊંડા ઊતરીએ એ પહેલાં આ પણ જાણી લઈએ કે ખરેખર કોઈ પણ વ્યક્તિની આંખ-કાન-હોઠ-નાક અને વાળ એની ખરી કે ચોક્કસ ઓળખ આપી શકે. આ બધા ઉપરાંત એ વ્યક્તિની હાઈટ-હાથ-પગ -સ્થૂળતા, ઇત્યાદિને લીધે આપણી સમક્ષ એનું પૂર્ણ વ્યક્તિત્વ ખડું થાય છે. જોકે પ્રાથમિક ઓળખ માટે એનો ફેસ-ચહેરો કાફી છે. એ માટે ચહેરાના છબી જરૂરી છે. સારી ક્ષમતાવાળા CCTV કૅમેરા દ્વારા આવી તસવીર ઝડપી લેવામાં આવે પછી એની ઓળખ માટેના વિભિન્ન તબક્કા છે.
આપણને જાણીને નવાઈ લાગે, પરંતુ થોડાં વર્ષ અગાઉ આ દિશામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું મુંબઈનાં ડૉ. પારૂલ નીલેશ શાહ નામનાં એક ગુજરાતી માનુનીએ..આ વાત થોડી વિગતે જાણીએ એક ઉદાહરણ લઈને.. ધારી લો કે નક્સલવાદીઓના અડ્ડા જેવા ગઢચિરોલીના ગાઢ જંગલમાં લપાઈને બેઠેલી એક ટોળકીની શોધમાં લશ્કરની એક ટુકડી છે.. નરી આંખે ગાઢ જંગલમાં એ ટોળકીને શોધવી મુશ્કેલ છે. ઈન્ફ્રારેડ કૅમેરામાં એમની તસવીરી ઝલક ઝડપાય ખરી, પરંતુ ઓછા પ્રકાશમાં સ્થળ બરાબર ઓળખી ન શકાય માટે એમની અસ્પષ્ટ તસવીરો અને વીડિયોના એક સોફટવેરની મદદથી બન્નેનું ફ્યુઝન (મિશ્રણ-સંયોજન) કરવામાં આવે તો ચોક્કસ સ્થળ-વિસ્તારની પાકી માહિતી મળી શકે. આવી `મલ્ટિ મોડેલ ઈમેઝ ફ્યુઝન’ ટેકનિક-સોફટવેર તૈયાર કર્યું છે પારૂલબહેને! આના માટે એમને વિખ્યાત `માઈક્રોસોફ્ટ’ કંપની તરફથી પ્રતિષ્ઠિત રિસર્ચ એવોર્ડ પણ એનાયત થયો છે. એ ઉપરાંત અમેરિકન આર્મીએ તથા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પણ એમનાં દ્વારા વિકસાવાયેલી આ ટેકનિકની વિશેષ નોંધ પણ લીધી છે..પારૂલ શાહનું આ `મલ્ટિ મોડેલ ઈમેજ ફ્યુઝન’ સોફટવેર આજે ડિફેન્સ સર્વેલન્સમાં ઉપયોગી હોવા ઉપરાંત બીજાં ક્ષેત્રોમાંય એનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.
`મલ્ટિ મોડેલ ઈમેઝ ફ્યુઝન’ ટેકનિક પર Ph.D. કર્યું છે એવાં પારૂલ શાહે ફિગર પ્રિન્ટ્સ તેમ જ બાયોમેટ્રિક અને આ જ ક્ષેત્રને લગતાં અન્ય વિષયો વિશે સઘન સંશોધન કર્યું છે. પારૂલબહેન એમાંથી `સ્ટેગનોગ્રાફી’ વિશે રસપ્રદ માહિતી તથા સમજ આપતાં ઉમેરે છે કે આ `સ્ટેગનોગ્રાફી’ એક એવી ટેકનિક છે કે જેમાં ગુપ્ત માહિતીની ઈમેજ વીડિયો-ઑડિયોમાં સંતાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે લાદેનના ત્રાસવાદીઓએ અમેરિકા પર 9/11નો હુમલો કર્યો ત્યારે એની આગોતરી માહિતી એક ફિલ્મ દ્વારા પોતાની ટોળકીને પહોંચાડવા આતંકવાદીઓએ આ `સ્ટેગનોગ્રાફી’ ટેકનિકનો બખૂબી ઉપયોગ કર્યો હતો!એ જ રીતે, પારૂલબહેનની `મલ્ટિ મોડેલ ઈમેઝ ફ્યુઝન’ ટેકનિકનો ઉપયોગ બીજાં અનેક ક્ષેત્રમાં પણ થઈ રહ્યો છે એની માહિતી પણ રસપ્રદ છે, પણ સ્થળસંકોચને કારણે આજે નહીં, પણ ફરી ક્યારેક્!
અલબત્ત, આજે તો આ `ફેસ રેકોગ્નિશન’ ટેકનિક’ની દિશામાં જબરી પ્રગતિ થઈ છે. આપણે ત્યાં ખાસ કરીને, રેલવે સ્ટેશન – ઍરપૉર્ટ – જાહેર સભાઓ કે પછી ક્રિકેટ કે ફૂટબોલ મૅચ વખતે મોટી સંખ્યામાં દર્શકો ઊમટે એવાં સ્ટેડિયમો વગેરે સ્થળોમાં `ફેસ રિકોગ્નિશન સિસ્ટમ’ ગોઠવવામાં આવે તો આવી ગિરદીમાં બીજાની સાથે ભળી ગયેલા ગુનેગારોના ચહેરા પણ ઝડપાઈ જાય. એ પછી પોલીસ ચોપડે જે ગુનેગારોની માહિતી અગાઉથી સંઘરી રાખવામાં આવી હોય એની સાથે સરખાવતાં ભીડમાં ભળી ગયેલા અપરાધીની ઓળખ તરત થઈ જાય.. જોકે, આપણે ધારીએ છીએ- જેટલી સરળતાથી કહીએ છીએ એટલી સરળ આ ક્રિયા-પ્રકિયા નથી.જાહેરસ્થળોએ ગોઠવવામાં આવેલા `ક્લોઝડ સર્કિટ ટીવી નેટવર્ક’ને `વીડિયો સર્વેલન્સ સિસ્ટમ’ (VSS) સાથે સાંકળી લેવામાં આવે છે, જે ગિરદીમાં ઝડપેલા ચહેરાઓની છબી ઑપ્ટિકલ ફાઈબર કૅબલ દ્વારા નિયત કરેલા મુખ્ય મથક ક્નટ્રોલ રૂમ સુધી પહોંચાડવામાં આવે છે. અહીં `આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી મળેલી તસવીરોનું પોલીસ ચોપડે નોંધાયેલી અપરાધીઓની છબીઓ (Criminals Digital Data) સાથે આપોઆપ સરખામણીની સાથોસાથ પૃથક્કરણ થાય અને એમાંથી અપરાધીની છતી થયેલી ઓળખ લાગતી-વળગતી ઈન્ટેલિજન્સ એજન્સીને પહોંચતી કરવામાં આવે છે. આ અટપટી પ્રક્રિયા આપણે વિચારીએ એ કરતાં પણ બહુ ઝડપી હોય છે.
ગુનેગારને પારખવાની આ પ્રકારની અતિઆધુનિક વ્યવસ્થા આપણે ત્યાં પણ શરૂ થઈ છે. દેશના મહત્ત્વના કહી શકાય એવાં 24 ઍરપૉર્ટ પર આ `ફેસિયલ રિકગ્નિશન’ ટેકનોલૉજી અમલમાં આવી ચૂકી છે. આ ટેકનોલૉજી ધરાવતી `ડિજયાત્રા’ એપની મદદથી ઍરપૉર્ટના પ્રવાસીઓની લાંબી કતાર ઓછી થઈ જશે અને વિમાનયાત્રા વધુ સરળ ને ઝડપી થશે.આપણે ત્યાં રેલવે સ્ટેશનો પર લોકોની સૌથી વધુ અવરજવર હોવાથી ખાસ પ્રકારના `ફેસ રેકગ્નિશન’ યુકત 4000થી વધુ કૅમેરા દેશના 800 રેલવે સ્ટેશન પર તબક્કાવાર કાર્યરત થઈ રહ્યા છે. એ જ રીતે, 6000થી વધુ કૅમેરા મુંબઈના લોકલ સ્ટેશન્સ પર ગોઠવાઈ રહ્યા છે.
ફરી મૂળ વાત પર પરત આવીએ તો કોઈ પણ અજાણ્યા કે શંકાસ્પદ ચહેરાની ઝલક ઝડપીને એની તાત્કાલિક ઓળખ માટે પાયાની ટેકનિક તો `ફેસ રિકગ્નિશન સિસ્ટમ’ પર જ નિર્ભર છે. સમયાનુસાર, એમાં બહુ ઝડપથી ફેરફાર આવી રહ્યા છે. એ મુજબ, ઝડપાયેલી તસવીરવાળી વ્યક્તિના ચહેરા પરના હાવભાવથી એની માનસિક સ્થિતિ કેવી છે એનું પણ પરીક્ષણ થઈ શકે એવી `ફેસિયલ ઈમોશન રિકગ્નિશન’ (FER) પ્રક્રિયા પણ વિકસી રહી છે..!(સૈફના હુમલાખોર માટે પણ આ ટેકનિક વાપરી શકાય!) આ બધા વચ્ચે, નવાઈની વાત એ છે કે ચહેરા ઓળખની આવી અનેક ટેકનોલૉજી એટલી બધી ઝડપથી વિકસી રહી છે કે આતંકવાદીઓ-અપરાધીઓને ઝબ્બે કરવા ઉપરાંત એનો ઉપયોગ શોપિંગ કરનારાથી લઈને હોટલ-રેસ્ટોરાંના ગ્રાહકો સુધી એ વિસ્તરી રહી છે.
તાજેતરનું એક વિશ્વવ્યાપી સર્વેક્ષણનું તારણ કહે છે કે આગામી ત્રણ વર્ષ એટલે કે 2028 સુધીમાં `ફેસિયલ રિકેગ્નિશન’ની માર્કેટ 14 અબજ ડૉલર અર્થાત્ રૂપિયા 1400 કરોડનો અધધધ આંક વળોટી જશે!
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને