રાંચી: ઝારખંડની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો લોકોને રીઝવવામાં વ્યસ્ત છે ત્યારે હવે ભાજપ બાદ ઈન્ડિ ગઠબંધને પણ ચૂંટણીના વચનો આપ્યા છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યના મુખ્યમંત્રી અને જેએમએમ પ્રમુખ હેમંત સોરેન સહિત ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે, જેમાં 7 ગેરંટી આપવામાં આવી છે. જેમાં મહિલાઓ માટે 2500 રૂપિયા, ગરીબ પરિવારો માટે 450 રૂપિયા, ગેસ સિલિન્ડર અને 7 કિલો રાશન વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળી INDI ગઠબંધનની બેઠક : શું લેવાયા નિર્ણયો ?
કઈ છે સાત ગેરંટી?
- 1931 પર આધારિત ખેતી દસ્તાવેજની ગેરંટીઃ આ ગેરેન્ટીમાં 1932ના ખેતી દસ્તાવેજ પર આધારિત સ્થાનિક નીતિ લાવવાનું, સરના ધર્મ સંહિતા લાગુ કરવાની તેમજ પ્રાદેશિક ભાષા અને સંસ્કૃતિની જાળવણીનું વચન આપવામાં આવ્યું છે.
- મંઇયાં સન્માનની ગેરંટીઃ મંઇયાં સન્માન યોજના હેઠળ ડિસેમ્બર 2024થી મહિલાઓને 2500 રૂપિયાનું માનદ વેતન આપવાનું વચન આપવામાં આવ્યું છે.
- સામાજિક ન્યાયની ગેરંટીઃ ST-28 ટકા, SC-12 ટકા, OBC 27 ટકા અને લઘુમતીઓના હિતોનું રક્ષણ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રાલયની રચનાનું વચન આપવામાં આવ્યું છે.
- ખાદ્ય સુરક્ષાની ગેરંટીઃ વ્યક્તિ દીઠ 7 કિલો રાશન વિતરણનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના દરેક ગરીબ પરિવારને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપવામાં આવ્યું છે.
- રોજગાર અને સ્વાસ્થ્ય સુરક્ષાની ગેરંટીઃ ઝારખંડના 10 લાખ યુવક-યુવતીઓને નોકરી અને રોજગાર આપવાનું વચન આપવામાં આવ્યું છે. તેમજ આ ગેરંટી હેઠળ રૂ. 15 લાખ સુધીનો પારિવારિક સ્વાસ્થ્ય વીમો આપવાનું વચન આપવામાં આવ્યું છે.
- શિક્ષણની ગેરંટીઃ રાજ્યના તમામ તાલુકાઓમાં ડિગ્રી કોલેજો અને જિલ્લા મુખ્ય ,મથકોમાં એન્જિનિયરિંગ, મેડિકલ કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થાપવાનું વચન આપવામાં આવ્યું છે. આ સાથે રોજગારીની તકો પૂરી પાડવા માટે ઔદ્યોગિક પ્રમોશન પોલિસી લાવતી વખતે રાજ્યના તમામ જિલ્લા મથકોએ 500 એકર જમીનના ઔદ્યોગિક પાર્ક બનાવવાનું વચન આપવામાં આવ્યું છે.
- ખેડૂત કલ્યાણની ગેરંટીઃ આ ગેરંટીમાં ડાંગરના ટેકાના ભાવ 2400 રૂપિયાથી વધારીને 3200 રૂપિયા કરવાની સાથે આ ગેરંટીમાં લાહ, ટસર, કરંજ, આમલી, મહુઆ, ચિરોંજી, સાલ બીજ વગેરેના ટેકાના ભાવમાં 50 ટકા વધારો કરવાનું વચન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: યુપીના શ્રાવસ્તીમાં PM મોદીએ INDI ગઠબંધન પર કર્યા પ્રહાર, જાણો ભાષણની 10 મોટી વાતો
અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ચૂંટણી ઢંઢેરો:
ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. તેમણે હેમંત સોરેન સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ઝારખંડની આ ચૂંટણી માત્ર સરકાર બદલવાની ચૂંટણી નથી, પરંતુ ઝારખંડના ભવિષ્યને સુરક્ષિત કરવાની ચૂંટણી છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે વર્તમાન સરકાર ઝારખંડની ઓળખ – રોટી, બેટી, માટીના રક્ષણમાં નિષ્ફળ રહી છે. ઝારખંડની જનતાએ નક્કી કરવાનું છે કે તેઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર ઈચ્છે છે કે મોદીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર વિકાસના માર્ગે આગળ વધે છે.