અમદાવાદઃ ખ્યાતિ કેસમાં બોરીસણા ગામના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 72 વર્ષીય પ્રૌઢનું અઢી મહિના બાદ નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકની ખ્યાતિ હૉસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. પરંતુ પાંચ દિવસ પહેલા તબિયત લથડતાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગત રાત્રે મૃત્યુ થયું હતું.
ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની થોડા દિવસ પહેલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટે તેના 10 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે, જેમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કાર્તિક પટેલ વિદેશમાં હતો ત્યારે તેની 17 કરોડની લોન તેના પિતરાઈ ભાઈએ ભરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Also read: Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલમાં ભૂતકાળમાં સર્જાયો હતો આ કાંડ, દર્દીનું થયું હતું મોત
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા મુજબ, પિતરાઈ ભાઈએ કેવી રીતે આ લોન ભરી તે અંગે નોટિસ પાઠવને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. આ દરમિયાન અનેક ખુલાસા પણ શઈ શકે છે. કાર્તિક પટેલની ઓફિસની સર્ચ દરમિયાન ફાઇલો સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને સેક્રેટરી વિપિન ચૌધરીની અટકાયત કરીને 3 વર્ષના ઓડિટ રિપોર્ટ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે કાર્તિક પટેલ વિદેશમાં હતો ત્યારે તેના પિતરાઈ ભાઈએ ખ્યાતિ રિયાલિટીની 9.70 કરોડ અને પર્સનલ લોન 7.33 કરોડ મળીને 17.03 કરોડની લોન ભરપાઈ કરી હતી. તેમનો પિતરાઈ ભાઈ ખ્યાતિ ગ્રુપમાં 60,000ના પગારથી નોકરી કરે છે.
શું છે મામલો
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પ્રથમ ડૉક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા. થોડા દિવસ પહેલા ડાયરેક્ટર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. આ કેસના તમામ આરોપીઓ ઝડપાઈ ગયા હોવાથી હવે કેસમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને