અમદાવાદઃ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડરણ ગામે એક સ્કૂલના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(Nitin Patel)એક નિવેદન કરતાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે.રાજકીય દલાલો ભાજપનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહીને અધિકારીઓ સાથે સંબંધ અને ઓળખાણ બનાવે છે.
આ પણ વાંચો: ‘હું એકલો જ આગળ આવું, ખાલી મારા જ ફોટા પડે..’ કડીના કાર્યક્રમમાં નીતિન પટેલનું નિવેદન
દલાલી કરતા કરતા અત્યારે બહુ સુખી થઈ ગયા છે
તેમણે નિવેદનમાં કહ્યું હતું કે, અત્યારે ગામડામાં જે પણ વ્યક્તિ પાસે પાંચ વીઘા જમીન હોય તો 10 થી 15 કરોડના આસામી કહેવાય. હું બધા બિલ્ડરો અને દલાલોને ઓળખું છું. હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે. આ લોકોને ભાજપ સરકારે બહુ સુખી કર્યા છે. દલાલી કરતા કરતા અત્યારે બહુ સુખી થઈ ગયા છે એટલે આ બધા ભગવાનના આશીર્વાદ છે.
પક્ષના નામે અધિકારીઓને દબાવે છે
પૂર્વ નાયબ મુખ્યપ્રધાનના આ નિવેદન બાદ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો. લોકો આ ઈશારો કોના તરફ હતો એ વિશે પણ જુદા જુદા અનુમાન લગાવી રહ્યા હતાં. તેમના આ નિવેદન મુદ્દે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, નીતિન પટેલ પક્ષને સારી રીતે જાણે છે. એમનો કહેવાનો જે અર્થ છે તે સ્પષ્ટ છે અને તે તેમના વાક્યોમાં પણ જણાઈ આવે છે. જે લોકો પક્ષના નામે અધિકારીઓ પાસે જઈને કામ કરાવે છે આવું તેઓએ સ્પષ્ટ કહ્યું છે. નીતિન ભાઈએ જે કટાક્ષ કર્યો છે જે પક્ષના નામે અધિકારીઓને દબાવે છે તેમના માટે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને