જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં સ્ટાર બેટ્સમેન સંજુ સેમસને તોફાની સદી ફટકારી હતી. વિકેટકીપર બેટ્સમેન સંજુએ 56 બોલમાં 109 રનની અણનમ ઇનિંગ રમી હતી. જો કે, મેચ દરમિયાન સંજુની મહિલા ફેન તેના એક શોટથી ઘાયલ થઈ ગઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સંજુ સેમસને આફ્રિકા સામે આક્રમક શૈલી બતાવી હતી.
તેણે માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ સમયે ટ્રિસ્ટન સ્ટબ્સ ઓવર નાખવા આવ્યો. સંજુએ સ્ટબ્સના પહેલા જ બોલને ઝૂડી નાખ્યો અને શાનદાર સિક્સર ફટકારી. આ પછી સેમસને ફરી એક વખત બીજા બોલ પર બેટ સ્વિંગ કર્યું. પરંતુ તેનો એક શોટ એટલો ખતરનાક હતો કે તે સ્ટેન્ડમાં બનેલી રેલિંગ સાથે અથડાયો. રેલિંગ પાસે ઘણા દર્શકો બેઠા હતા પરંતુ એક મહિલા ચાહકનું નસીબ સારું નહોતું. રેલિંગ સાથે અથડાયા બાદ બોલ ઝડપથી તેની તરફ આવ્યો અને તેને પોતાને બચાવવાનો મોકો પણ ન મળ્યો અને બોલ તેના ચહેરાની ડાબી બાજુના ગાલ પર જોરથી વાગ્યો હતો.
Also Read – IND vs SA T20: ભારત મૅચ જીત્યું, સિરીઝ જીત્યું અને ખડકી દીધા આઠ-આઠ મોટા રેકોર્ડ!
જોકે, મહિલા ફેનને વાગતા પહેલા બોલની એક ટપ્પી પડી ચૂકી હતી, એટલે બોલ એટલો ઝડપી નહોતો, પરંતુ સિઝન બોલ હોય એટલે વાગે તો જોરદાર જ. બોલ વાગ્યા બાદ મહિલા ફેન ચીસો પાડતી અને રડતી જોવા મળી હતી. ત્યાં હાજર લોકોએ તરત જ તેની મદદ કરી હતી. કોઈએ મહિલા ચાહકને તેના ગાલ પર આઇસ પેક લગાવવા કહ્યું હતું, જેણે પીડા ઘટાડવામાં મદદ કરી હતી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સિરીઝમાં સંજુ સેમસનના પ્રદર્શનની વાત કરીએ તો તે સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. તેણે 4 T20 ઇન્ટરનેશનલની 4 ઇનિંગ્સમાં 216 રન બનાવ્યા. ભારતીય ઓપનિંગ બેટ્સમેને ડરબનમાં રમાયેલી શ્રેણીની પ્રથમ T20માં પણ સદી ફટકારી હતી. સંજુએ 50 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 10 છગ્ગા લાગ્યા હતા. આ પછી સંજુ આગામી 2 T20માં ખાતું પણ ખોલી શક્યો ન હતો.
આ સાથે જ સંજુ સેમસન T20Iમાં એક જ ટીમ સામે બે સદી ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેની પહેલાં કોઈ આ પરાક્રમ કરી શક્યું નથી.