મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત ગુરુવારની ઐતિહાસિક નીચી સપાટીએથી છ પૈસાના સુધારા સાથે ૮૪.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીના દબાણને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત ગુરુવારના ૮૪.૪૬ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૪.૪૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૪૨ અને ઉપરમાં ૮૪.૩૭ સુધી મજબૂત થયા બાદ અંતે છ પૈસા વધીને ૮૪.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે બજાર ગુરુ નાનક જયંતીની જાહેર રજા નિમિત્તે બંધ રહી હતી. એકંદરે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીમાં થઈ રહેલા ધીમા ઘટાડા ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં ૮૪.૪૫થી ૮૪.૫૨ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૮૪.૨૫થી ૮૪.૩૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૦૬ ટકા ઘટીને ૧૦૬.૫૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, તેની સામે બ્રેન્ટક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૭૯ ટકા વધીને બેરલદીઠ ૭૧.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૪૧.૩૦ પૉઈન્ટનો અને ૭૮.૯૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તથા ગત ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૮૪૯.૮૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને