Insomnia is simply a illness  of the assemblage  arsenic  good   arsenic  the mind

(ગતાંકથી ચાલુ)
સાવધાન! ભગવાનને સમર્પણ તાણમુક્તિનો હેતુ સિદ્ધ કરવા માટે થતું નથી. અહીં એમ કહેવું અભિપ્રેત છે કે સમર્પણભાવની એક આડપેદાશરૂપે તાણમુક્તિ આવી મળે છે.

તાણની બીમારીમાંથી મુક્ત થવા માટે પ્રાણાયામ, શવાસન, પ્રણવ આદિનો અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસની સાથે થોડાં સરળ આસનોનો હળવો અભ્યાસ જોડવામાં આવે તો તેમ કરવાથી સહાય મળી શકે છે. તે માટે અધિકારી વ્યક્તિ પાસેથી શીધીને નીચેનાં આસનોનો અભ્યાસ કરી શકાય:

(૧) વિપરીતકરણી
(૨) વક્રાસન
(૩) યોગમુદ્રા
કઠિન આસનોનો અભ્યાસ કરવાથી પ્રારંભમાં તાણ વધી શકે છે, તેથી તાણના દરદીએ કઠિન આસનોનો અભ્યાસ પ્રારંભમાં ન કરવો.
તાણ એ કોઇ એવી બીમારી નથી કે તેમાંથી મુક્ત ન થવાય. હા, દવાની ટીકડીઓ લેવાથી તાણમાંથી જે મુક્તિ મળે છે તે સાચી અને કાયમી મુક્તિ નથી.

તાણ ચિત્તની એક અસ્વસ્થ પણ બિનકાયમી અવસ્થા છે, તેમ સમજવું જોઇએ આપણે આવી માનસિક તાણથી ડરી જઇએ. નાસીપાસ થઇ જઇએ તો તે વકરે છે અને ચિત્તમાં દઢમૂલ થાય છે, તેવી હતાશ થયા વિના સ્વસ્થતાથી અને દઢતાપૂર્વક તેનો ઉપાય યોજવો એ જ ડહાપણનું કાર્ય છે.

સમર્પણભાવ અને સમજના પાયા પર શવાસન, ઉજજાયી પ્રાણાયામ, પ્રણવોપાસના અને અન્ય થોડાં સરળ આસનોના નિયમિત અને સંનિષ્ઠ અભ્યાસથી આ માનસિક તાણની બીમારીથી અવશ્ય મુક્ત થઇ શકાય છે.

આપણે સમજી લેવું જોઇએ અને શ્રદ્ધા રાખવી જોઇએ કે સ્વસ્થતા તે આપણું કાયમી સ્વરૂપ છે, અસ્વસ્થતા નહીં. પ્રસન્નતા અને શાંતિ આપણું કાયમી સ્વરૂપ છે, માનસિક તાણ નહીં તાણ તો આગંતુક અવસ્થા છે અને જેમ આવી છે તેમ ચાલુ જશે.

આવશ્યક છે ઉચિત મનોવલણ અને સંનિષ્ઠ અભ્યાસ.

અનિદ્રાની યૌગિક ચિકિત્સા
૧. પ્રસ્તાવ:
સ્થાનફેર, કોઇ સમસ્યા, શારીરિક બીમારી કે એવા કોઇ કારણસર ક્યારેક ઊંઘ ન આવે તેવી ઘટના તો ક્વચિત્ લગભગ સૌનાં જીવનમાં બનતી હોય છે આ પ્રકારની ઘટનાને આપણે અનિદ્રાની બીમારી ગણતા નથી. નિદ્રાદેવી નિયમિત રીતે રિસાઇ જાય અને ક્વચિત નહીં પરંતુ લગભગ હંમેશાં નિદ્રા ન આવે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે તેને અનિદ્રાની બીમારી કહેવામાં આવે છે.

કોઇ વિશેષ સંયોગોમાં ઊંઘ ન આવે તે તો અપવાદ છે, પરંતુ ઊંઘ ન આવવાની સમસ્યા લગભગ રોજિંદું સ્વરૂપ ધારણ કરે ત્યારે અનિદ્રાએ એક બીમારીનું સ્વરૂપ ધારણ કર્યુંછે તેમ ગણી શકાય.

પ્રત્યેક સમસ્યાનું નિરાકરણ શોધવાનું લગભગ સર્વ કાળે બનતું હોય છે, પરંતુ વર્તમાન યુગમાં તો જાણી માનવીએ સમ ખાધા છે- અમારે સર્વ સમસ્યાઓનું નિરાકરણ જોઇએ.

અનિદ્રાથી પીડિત માનવોની ટકાવારી વર્તમાનકાળમાં વધી હોય તેવો સંભવ છે અને આ સમસ્યાનો કારગત ઉપાય શોધવાનો પ્રયત્ન પણ આ યુગમાં વધુ ગંભીરતાથી થયો છે.

આ યુગનું સ્વરૂપ જ એવું છે કે અનિદ્રાની બીમારીનું પ્રમાણ વધી રહેલા છે. આ સમસ્યાના નિરાકરણ માટે અનેકવિધ અને અનેક સ્વરૂપના પ્રયત્નો પણ થયા છે અને થઇ રહ્યા છે.

યોગમાં કોઇ એવો ઉપાય છે કે જેના દ્વારા અનિદ્રાની બીમારીથી મુક્તિ મળે. આપણી સમક્ષ પ્રશ્ર્ન એ છે કે યોગ દ્વારા અનિદ્રામાંથી મુક્તિ મેળવવી હોય તો ક્યા સ્વરૂપની યોગાભ્યાસ કરવો જોઇએ.

૨. અનિદ્રાનો અર્થ અને તેનું સ્વરૂપ:

‘અનિદ્રા’ શબ્દનો અર્થ છે નિદ્રાનો અભાવ. પ્રત્યેક વ્યક્તિને અમુક નિશ્ર્ચિત સમય માટે નિદ્રા જોઇએ જ નિદ્રા વિના માનવી જીવી ન શકે. જેમ ખોરાક શરીરની અનિવાર્ય આવશ્યક્તા છે, તેમ નિદ્રા પણ શરીરની અનિવાર્ય આવશ્યકતા છે. શરીર-મન માટે આવશ્યક હોય તેથી ઓછી કે ઘણી ઓછી નિદ્રા આવે તે અવસ્થાને આપણે અનિદ્રાની બીમારી ગણીએ છીએ.

ક્યારેક એવું બને છે કે કોઇ વ્યક્તિને નિદ્રા આવતી નથી. આનો અર્થ એમ નથી કે તેને નિદ્રાની સદંતર અભાવ હોય છે. જેને આપે અનિદ્રાની બીમારી ગણીએ છીએ તેનાં પાંચ લક્ષણો હોય છે:

(૧) નિદ્રા ખૂબ મુશ્કેલીથી આવી છે.
(૨) નિદ્રા ઘણી રાહ જોવડાવ્યા પછી આવે છે.
(૩) નિદ્રાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શરીરને જેટલી નિદ્રાની આવશ્યકતા હોય છે તેના કરતાં ઓછી નિદ્રા આવે છે.
(૪) નિદ્રા માટે ઘણી વાર નિદ્રાની દવા લેવી પડે છે.
(૫) અપૂરતી નિદ્રાને કારણે શરીર-મનને પર્યાપ્ત આરામ મળતો નથી. પરિણામે શરીરમાં થાક અને મનમાં અકળામણ રહ્યા કરે છે.
(૬) જીવવા પ્રત્યે કંટાળો આવી જાય છે.

અનિદ્રા એક મન:શારીરિક બીમારી છે. આ બીમારી શરીરની પણ છે અને મનની પણ છે. શરીર અને મન બંનેને નિદ્રાની આવશ્યક્તા છે. નિદ્રા દરમિયાન શરીર-મન બંનેને આરામ મળે છે અને નિદ્રા ન મળે તો શરીર-મન બંનેને કષ્ટ થાય છે.

૩. અનિદ્રાની કારણમીમાંસા:
અનિદ્રાનાં અનેક કારણો હોઇ શકે છે. આપણે અહીં તે કારણોની યાદી બનાવતા નથી, પરંતુ અનિદ્રાની અવસ્થાનું નિર્માણ કરવામાં જે પરિસ્થિતિ કારણભૂત બને છે. તેની આપણે અહીં મીમાંસા કરીએ છીએ.

(૧) માનવ-વ્યક્તિત્વની એક મૂળભૂત સંવાદિતા હોય છે. સંપૂર્ણ સુસંવાદી વ્યક્તિત્વ તો એક આદર્શ છે. આવું સંપૂર્ણ સુસંવાદી વ્યક્તિત્વના કોઇનું હોતું નથી. આમ છતાં આપણે જેને સામાન્ય વ્યક્તિ ગણીએ છીએ તેના વ્યક્તિત્વમાં એક પ્રકારની સામાન્ય સંવાદિતા હોય છે.

આ સંવાદિતાને આધારે તેની જીવનયાત્રા, નાનીમોટી સમસ્યાઓ છતાં, ચાલુ રહે છે. કોઇક કારણસર આ સંવાદિતાનો ભંગ થાય તો તેની જીવનયાત્રામાં ખલેલ પડે છે, તેના વ્યક્તિત્વમાં વિસંવાદ ઉપસ્થિત થાય છે. આ વિસંવાદનાં બહિરંગ કારણો અનેકવિધ હોઇ શકે છે. વ્યક્તિત્વમાં વિસંવાદ ઊભો થાય છે. આ મૂળભૂત પરિસ્થિતિ છે.

જીવનધારામાં ઉપસ્થિત થયેલો આ વિસંવાદ અનિદ્રાનું મૂળભૂત કારણ છે. જીવનરથમાં કિચૂડાટ શરૂ થયો છે, જીવનરથની ગતિમાં ભંગ પડ્યો છે. આ મૂળ વાત છે અને તેના એક પરિણામરૂપે અનિદ્રાની અવસ્થા આવે છે.

એક રથ રસ્તા પર ચાલ્યો જાય છે. રચના ઘોડા, રથનાં સર્વ અંગ-ઉપાંગો, રસ્તો આદિ સર્વ વ્યવસ્થિત હોય તો રસ્યા પર રથની ગતિ સુચારુ સ્વરૂપે ચાલે છે. પણ રથના ચક્રો વાકાં વળી જાય કે રથની ધરી ત્રાંસી થઇ જાય કે ઘોડા થાકી ગયા હોય કે એવી કોઇક તકલીફ ઊભી થાય તો રથની ગતિ સુચારુ સ્વરૂપે ચાલતી નથી. રથની ગતિમાં વિધ્ન આવે છે. આમ બનવાથી કિચૂડાટ શરૂ થાય છે. રથની ગતિ મંદ કે બંધ પણ પડી જાય છે.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને