Every infinitesimal   of each   time  is an accidental   for a caller   beginning

અરવિંદ વેકરિયા

જયારે મારા ફાધરે ૪૦ વર્ષ સુધી વિઠ્ઠલ વાડીમાં આવેલા દ્વારકાધીશનાં મંદિરમાં સેવા આપી ત્યારે ‘તેજપાલ’ના ટ્રસ્ટી શ્રી ભાઈ શેઠ એ ટ્રસ્ટ સાથે સંકળાયેલા. હાલમાં સુધીરભાઈ શેઠ સુપેરે એ જવાબદારી નિભાવી રહ્યા છે અને વર્ષોથી એમની સાથે એટલે કે ‘ગોકુલદાસ ટ્રસ્ટ’ સાથે સંકળાયેલા શ્રી ઠક્કરબાપાનો સહકાર પણ એટલો જ.

મારી માએ આપેલા સંસ્કાર મારી રગેરગમાં. મા એટલે મા… આર્થિક સ્થિતિને ક્યારેય સંતાનોને કળાવા ન દીધી. દરેક સ્થિતિમાં વાતાવરણ હસમુખું જ રાખતી. આજે સમજાય છે કે મારી મા પાલવનાં છેડે રૂપિયા કેમ બાંધતી. એ એનું વર્ષોથી એ.ટી.એમ. હતું! માગો ત્યારે એ પૈસા આપતી હતી, આજની જેમ પિન નંબર કે ઘઝઙ પણ ક્યાં માગતી?!

આવા માહોલમાં ઊછરેલો હું, હવે નાટકની કથાવસ્તુ માટે રાજેન્દ્ર શુકલને વેશ્યાના અડ્ડામાં (‘અડ્ડા’ શબ્દનો બીજો પર્યાય જડતો નથી.) જઈ ‘વેશ્યા-પ્રોસેસ’ની વાત મેળવવા તુષારભાઈ તો કહીને પારડી જવા નીકળી ગયા. જન્મજાત અને ઉછેર વખતે પડેલા સંસ્કાર વિરુદ્ધ વિચારતાં મને પરસેવો વળી ગયો.

‘શક’ની નિષ્ફળતા મારે માટે પચાવવી અઘરી હતી. ‘અડ્ડા’ જેવી જગ્યાએ ‘ટપોરી’ અથવા શ્રીમંતો ‘વિઝિટ’ પર જાય, પણ માત્ર જાણકારી મેળવવા ‘આવી’ જગ્યાનાં પગથિયાં ચઢવા મારે માટે કઠણ હતાં. આપણું નામ શ્રીમંતોની યાદીમાં ભલે ન હોય, પણ સદગૃહસ્થની યાદીમાં તો હોવું જોઈએ… પણ હવે ‘અડ્ડા’માં જવું મને સંકોચના કોચલામાં બાંધી રહ્યું હતું.

માનું છું કે ‘બાવા બન્યા છીએ તો હિન્દી તો બોલના પડેગા’. રાજેન્દ્ર શુકલે જો આવું ‘ડબકું’ ન મૂક્યું હોત તો? લખવાનું એણે હતું એટલે જાણવું એને માટે જરૂરી હતું. શક્ય છે મારા જેવી મૂંઝવણ એને પણ થતી હોય…એણે વિચાર્યું હશે કે ‘એક સે ભલે દો..’ આવતાં-જતાં કોઈ ઓળખીતું જોઈ જાય તો? ઘણીવાર ફરજમાં રહેવું લોકોને ગરજમાં હોવાની ગેરસમજ કરાવે છે.

ખેર! જો હોગા વો દેખા જાયેગા. જતાં પહેલાં મેં નાટકનું કાસ્ટિંગ કરવાનું કહ્યું. મુખ્ય સ્ત્રી-પાત્ર માટે ભૈરવી શાહ. એમને એ પાત્ર ખૂબ ગમેલું. વિલનનો રોલ, જે પરણેતરને ઉપાડી વેશ્યા બનાવે છે એને માટે મહેશ ઉદેશીને કાસ્ટ કર્યો, જેણે ‘પ્રીત, પીયુ ને પાનેતર’ નાટકમાં જમાઈના પાત્રના અઢળક પ્રયોગો કરેલા.

ઇન્સ્પેક્ટરના પાત્રમાં રાજુલ દીવાન ફાઈનલ કર્યા. એક લંપટ નબીરો વેશ્યાવાડે જાય છે એને માટે મેં દિનેશ કોઠારીને લીધા. દિનેશ મારો મિત્ર, સ્વ.અમૃત પટેલનો ખાસ. એનું નિધન એક ગુજરાતી સિરિયલમાં રીટા ભાદુરી સાથે સીન ભજવતાં મેક-અપ સાથે થયેલું. ઉમદા કલાકાર સાથે અચ્છા અનુવાદક પણ.

મરાઠીના જાણીતા લેખક આનંદ મહ્સવેકરનાં ઘણાં મરાઠી નાટકોના અનુવાદ કરેલા, જેમાં અમુક મારાં પણ. એક કેમિયો પાત્ર માટે ઘનશ્યામ નાયક આવ્યા. એક નાની ભૂમિકા માટે. મને અને રાજેન્દ્રને પરાણે હા પાડવી પડી.

અન્ય એક વેશ્યાના પાત્ર માટે મેં રજની સાલયનને લીધી, જેણે ‘વાત મધરાત..’માં કોલગર્લની ભૂમિકા ભજવેલી. બાકી બીજા નાના-મોટા રોલ પછીથી થઈ રહેશે એવું નક્કી થઈ ગયું.

રાજેન્દ્રએ પછી મૂળ વાત કરી કે ‘અડ્ડા’માં ક્યારે જવું છે? જવાનું તો હતું, છતાં મારામાં એક લખલખું પસાર થઈ ગયું. ક્યાં જવું? હું આ બાબતમાં સાવ અભણ. જો કે રાજેન્દ્ર પણ મારી ધારણા પ્રમાણે અભણ જ હશે.. તમે જ વિચારો કે જે કાગળ ઉપર અભણનો અંગૂઠો લેવાય એમાં છેલ્લો મુદ્દો હોય કે ‘મેં ઉપરની બધી શરતો વાંચી છે’ કંઈક એવી જ અમારી હાલત હતી.

મેં રાજેન્દ્રને કહી જોયું કે ‘તારી કલ્પનાશક્તિ વાપરીને લખી નાખ તો ‘આવી’ જગ્યાએ જવાનું ટળે. રાજેન્દ્ર જીદ પર હતો. મને કહે, ‘યાર. તને પ્રોબ્લેમ શું છે, કોઈ મારી થોડું નાખશે? એક નવો અનુભવ તો લઈ જોઈએ’ મારે નાટક તો કરવાનું જ હતું. તુષારભાઈની ઇચ્છા હતી.

ઢીલું મૂકવા સિવાય મારી પાસે બીજો કોઈ પર્યાય નહોતો અને કદાચ અકડ રહું તો રાજેન્દ્ર મને છોડે એમ નહોતો. મેં ઢીલું મૂક્યું કે દરેક દિવસની દરેક ક્ષણ નવી શરૂઆતની એક તક છે તો ‘ઉધામો’ કરી જોઈએ, મેં અને રાજેન્દ્રએ બીજે દિવસે ‘વેશ્યા-ફેરી’ પર જવાનું નક્કી કર્યું.

લેમિંગટન સિનેમાની સામેની ગલીમાં ફાર્બસ હોલ જ્યાં અમે રિહર્સલ કરતાં એની જરા આગળ ચાલો એટલે બીજો રિહર્સલ હોલ – વિઘરામ. એની આગળ ‘એ’ જગ્યા જેની જાણકારી રાજેન્દ્ર લઈ આવેલો. મને કહે: ‘કાલે જઈએ…’

બીજે દિવસે સાંજે પાંચ વાગે અમે ભારે પગે છતાં મક્કમ ઈરાદા સાથે ત્યાં પહોંચ્યા. એ જગ્યા પહેલે માળે હતી. ‘ક્યાંક ઇજ્જતનો ફાલુદો તો નહિ થાયને?’ મેં મારો આ ડર રાજેન્દ્રને કહ્યો તો એણે ફિલોસોફી ફેંકી કે ‘સાવ સહેલાઈથી તો જગતમાં બદનામી પણ મળતી નથી એના માટે પહેલાં ઈજ્જત કમાવી પડે છે…ખોટા વિચાર મૂક અને સાચા કામ માટે આવ્યા છીએ એ વિચાર જ મનમાં રાખ’

અમે પહેલે માળે પહોંચ્યા. એક જાડી બાઈ સામે આવી અને અમને પુછ્યું:
‘આઈએ, ક્યા બૈઠના હૈ?’

જ્યોતિષ: તમારી હસ્તરેખા કહે છે કે તમારા ઘર નીચે ઘણું ધન છે, પરંતુ તમારા કોઈ કામમાં નહિ આવે.

હું: તમે સાચું કહો છો… મારા ફ્લૅટ નીચે બેન્ક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને