dussehra-jalebi-fafda-sales-touch-crores

અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમા આજે અનેક જગ્યાએ રાવણ દહન સાથે વિજયાદશમી ઉજવણી કરાશે. ગુજરાતમાં દશેરાનો દિવસ હોય અને ગુજરાતીઓ ફાફડા-જલેબી ના ખાય તેવુ બની શકે નહીં. ગુજરાતમાં ફાફડા જલેબીનો ક્રેઝ એ હદે છે કે, છેલ્લા નોરતેથી શહેરમાં ફાફડા-જલેબીનું વેચાણ શરુ થઈ જાય છે. શહેરોમાં એક દિવસ પહેલાથી જ ફરસાણના વેપારીઓને ફાફડા જલેબીના એડવાન્સ બુકિંગ મળી ગયા છે. બીજી તરફ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનુ વેચાણ અટકાવવા આરોગ્ય વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ વેચાણ દરમિયાન ઠેર-ઠેર ચેકીંગ ઝુબેશ હાથ ધરશે.

અમદાવાદમાં આ વર્ષે પણ દશેરાના એક દિવસ પહેલાથી દુકાનો પર અને રસ્તાઓ પર ઠેર ઠેર સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. અમદાવાદમાં એક અંદાજ મુજબ આજે લગભગ 500 જેટલી દુકાનો પર ફાફડા જલેબીનું વેચાણ થશે. જ્યાં ત્રણથી ચાર દિવસ અગાઉથી ફાફડા-જલેબી બનાવવાનું શરુ થઈ જાય છે. આ વર્ષે બેસન, તેલ અને ઘીના ભાવમાં વધાર થયો હોવાથી ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 60 થી રૂ. 80નો વધારો થયો છે.

| Read More:

આ વર્ષે ફાફડા પ્રતિ કિલો રૂ. 400થી થી રૂ. 700ના ભાવે વેપારીઓ વેચાણ કરી રહ્યા છે. તેલની જલેબીનો ભાવ રૂ. 200 થી 300 તેમજ ચોખ્ખા ઘીની જલેબી રૂ. 500થી 800ના ભાવે વેચાઈ રહી છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદના લોકો એક જ દિવસમાં કરોડોના ફાફડા જલેબી ખાઈ જશે.

દશેરામાં ગુજરાતીઓ ફાફડા-જલેબી મનભરીને માણે છે. આ દરમિયાન બહાર ભોજન અને નાસ્તાનું પણ ચલણ વધારે છે. ત્યારે આરોગ્ય વિભાગ ફૂડ ડિપાર્ટમેન્ટ પણ એક્શનમાં છે. શહેરમાં ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ચેકીંગ ઝુબેશ હાથ ધરી ફાફડા-જલેબીના સ્ટોલો પર ખરાબ સામગ્રીનુ વેચાણ કરતા વાપરીઓ સામે કડક હાથે કાર્યવાહી કરશે