નવી દિલ્હીઃ દિલ્હીના પ્રશાંત વિહારમાં મિઠાઇની દુકાન પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ શરૂ કરી છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિને આંખમાં ઈજા પણ થઈ છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બ્લાસ્ટ કયા પ્રકારનો છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ પહેલા પણ સીઆરપીએફ સ્કૂલની બહાર બ્લાસ્ટની ઘટના બની હતી. સુરક્ષાની દૃષ્ટિએ આ ઘટના ચિંતાનો વિષય છે.
દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં વીર સાવરકર પાર્કની ફૂટપાથ પર જોરદાર બ્લાસ્ટ થયો છે. માહિતી મળતા જ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે જ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ બ્લાસ્ટની સાથે પોલીસ કોલ કરનાર વ્યક્તિની ઓળખની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…Delhi Dehradun Expressway ક્યારે ખુલ્લો મુકાશે ? જાણો રુટ અને સુવિધાની વિગતો
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર સવારે 11.48 વાગ્યે પ્રશાંત વિહારના બંસીવાલા સ્વીટ્સની દુકાન પાસે વીર સાવરકર પાર્કની ફૂટપાથ પર શંકાસ્પદ વિસ્ફોટની માહિતી પીસીઆર કોલ પર મળી હતી. હાલમાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ હાલમાં ઘટનાસ્થળે હાજર છે. આ વિસ્ફોટ પાર્કની બાઉન્ડ્રી વોલ પાસે થયો હતો.એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર સફેદ પાવડર જેવી વસ્તુ ફેલાયેલી જોવા મળી છે. પોલીસ આ પાવડરની તપાસ કરી રહી છે.
દરમિયાન, પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પોલીસે કહ્યું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે વધુ માહિતી આપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને