મુંબઈ: પૂર્વ ગૃહમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય અનિલ દેશમુખના વાહન પર સોમવારે રાત્રે અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. દેશમુખને ગંભીર ઈજા થઈ હતી અને તેમને ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નરખેડથી ચૂંટણી પ્રચાર કરી દેશમુખ કાટોલ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
દેશમુખ પર થયેલા હુમલાના પડઘા રાજ્યભરમાં પડવા લાગ્યા છે. આ હુમલાને પગલે શાસક પક્ષ સામે આક્ષેપો થયા છે. પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. દરમિયાન વરિષ્ઠ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે આ હુમલા અંગે પ્રતિક્રિયા આપી હતી.
નિકમે કહ્યું હુમલો દુર્ભાગ્યપૂર્ણ
ઉજ્જ્વલ નિકમે જણાવ્યું હતું કે ‘આ પ્રકારનો હુમલો દુર્ભાગ્યપૂર્ણ છે. કોણે કર્યો હુમલો? ક્યારે થયો? કેવી રીતે થયો? એ વિશે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ સત્ય બહાર આવશે. જોકે, તપાસ પૂર્ણ થાય તે પહેલાં જે આરોપો અને પ્રતિ-આક્ષેપો ચાલી રહ્યા છે એ બરાબર નથી. આ હુમલો રાજકીય દુશ્મનાવટથી પ્રેરિત હોઈ શકે છે. આ હુમલા પાછળ અંગત કારણ પણ હોઈ શકે છે.
પોલીસ તપાસ પૂરી થાય ત્યાં સુધી થોડી ધીરજ રાખવી પડશે. જોકે, લોકસભાની ચૂંટણીની સરખામણીએ વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા હુમલા, પ્રતિઆક્ષેપો અને રાજકીય સ્ટંટમાં વધારો થયો છે. આવા હુમલાઓ માટે ભડકાઉ ભાષણો જવાબદાર હોવાનું મારું માનવું છે. દરેક નેતાએ ધીરજ રાખવી જોઈએ.’
શરદ પવારે હુમલાની નિંદા કરી
એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે કહ્યું કે ‘અનિલ દેશમુખ અને તેમના પુત્રને લોકો તરફથી મળતો પ્રતિસાદ કેટલાક લોકોને ખૂંચ્યો છે. હુમલા બાદ અનિલ દેશમુખને માથામાં ઇજા થઇ અને લોહી નીકળ્યું હતું. આરોપ-પ્રત્યારોપ સમજી શકાય, પણ આ પ્રકારના હુમલાની હું નિંદા કરું છું”.
ચૂંટણી દરમિયાન ક્યારેય હુમલા થયા નથીઃ સુપ્રિયા સુળે
સંસદ સભ્ય સુપ્રિયા સુળેએ આ ઘટનાની નિંદા કરી જણાવ્યું હતું કે ‘આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે બધા આ હુમલાની નિંદા કરીએ છીએ. રાજ્યમાં અગાઉ ક્યારેય ચૂંટણી દરમિયાન આ રીતે હુમલો નથી થયો.
આ રાજ્ય લોકશાહી વિચારોને અનુસારનારું રાજ્ય છે. પરંતુ ભાજપના શાસનમાં રાજ્યમાં અને ખાસ કરીને નાગપુર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને ગુંડાઓને છૂટો દોર મળી ગયો છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી દેશમુખ પર હુમલો કરનારા અને એનો દોરીસંચાર કરનારાને પકડવામાં આવે એ અમારી માંગણી છે.’
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને