મુંબઈઃ અહીં વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટી-20માં ભારતે રવિવારે વસંત પંચમીના શુભ અવસરે અભિષેક શર્માની ભૂતપૂર્વ આતશબાજીની મદદથી 20 ઓવરમાં 9 વિકેટે 247 રન બનાવ્યા હતા. એના જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમ 10.3 ઓવરમાં 97 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારતનો 150 રનના વિક્રમજનક માર્જિનથી વિજય થયો હતો. સૂર્યકુમારના સુકાનમાં ભારતે સિરીઝ 4-1થી જીતી લીધી છે.
ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં ફિલ સૉલ્ટના પંચાવન રન હાઇએસ્ટ હતા. શમીએ ત્રણ તેમ જ વરુણ, અભિષેક, શિવમ દુબેએ બે-બે અને બિશ્નોઈએ એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, ભારતની ઇનિંગ્સમાં ઘણા નવા વિક્રમો બન્યા હતા. મૅન ઑફ ધ મૅચ લેફ્ટ-હેન્ડ ઓપનર અભિષેક શર્માએ 54 બૉલમાં તેર સિક્સર અને સાત ફોરની મદદથી 135 રન બનાવ્યા હતા.
ટી-20 ઇન્ટરનેશનલ રમી ચૂકેલા ભારતીયોમાં હવે અભિષેકની 13 સિક્સર હાઈએસ્ટ છે. તેણે રોહિત શર્માનો 10 સિક્સરનો ભારતીય રેકોર્ડ તોડ્યો છે.
અભિષેકના 135 રન ટી-20માં ભારતીયોના વ્યક્તિગત સ્કોર્સમાં નવો વિક્રમ છે. તેણે શુભમન ગિલ (126 અણનમ, 2023માં અમદાવાદમાં ન્યૂ ઝીલેન્ડ સામે)નો ભારતીય રેકોર્ડ પણ તોડ્યો છે.
અભિષેકે 17 બૉલમાં હાફ સેન્ચુરી અને 37 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. તે રોહિત શર્મા તથા ડેવિડ મિલરનો 35 બૉલની સેન્ચુરીનો વિક્રમ તોડતા ચૂકી ગયો હતો.
ભારતે શરૂઆતની પાવર પ્લેની છ ઓવરમાં એક વિકેટે 95 રન બનાવ્યા જે ભારત માટે નવો વિક્રમ છે. 2021માં ભારતે સ્કોટલેન્ડ સામેની મૅચમાં પાવર પ્લેની ઓવર્સમાં બે વિકેટે 82 રન બનાવ્યા હતા જે વિક્રમ હવે તૂટી ગયો છે.
ભારતની આખી ઇનિંગ્સમાં કુલ 19 સિકસર અને 17 ફોર ફટકારવામાં આવી હતી. બ્રિટિશ ઇનિંગ્સમાં ફક્ત ચાર છગ્ગા ફટકારાયા હતા.
ભારતના 247 રનમાં શિવમ દુબેનું 30 રનનું, તિલક વર્માનું 24 રનનું, દાવની શરૂઆત સિક્સરથી કરનાર સંજુ સૅમસનનું 16 રનનું અને અક્ષર પટેલ નું 15નું યોગદાન હતું.
બ્રાઇડન કાર્સે ત્રણ, માર્ક વૂડે બે તેમ જ આર્ચર, ઓવર્ટન તેમ જ રાશિદે એક-એક વિકેટ લીધી હતી.
ઘણા સેલિબ્રિટીઝ આ મૅચ જોવા આવ્યા હતા. એમાં અંબાણી પરિવારના સભ્યો તેમ જ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા.તેમની સાથે પુત્ર અભિષેક બચ્ચને પણ અભિષેક શર્માની આતશબાજી માણી હતી.
અન્ય સેલિબ્રિટીઝમાં બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક તેમ જ નારાયણ મૂર્તિ અને એક્ટર આમિર ખાનનો સમાવેશ હતો.
ઋષિ સુનક એ પહેલાં પારસી જિમખાનામાં ઍનિવર્સરીની ઉજવણીના અવસરે ટેનિસ બૉલ ક્રિકેટ રમ્યા હતા.
હવે બન્ને દેશ વચ્ચે છઠ્ઠી ફેબ્રુઆરીથી (બપોરે 1.30 વાગ્યાથી) વન-ડે સિરીઝ રમાશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને