Share marketplace  updates aft  Budget

નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે દેશનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં મધ્યમવર્ગીય લોકોને ઘણી રાહત મળી છે. શેરમાર્કેટની નજર પણ બજેટ પર હતી. બજેટ રજૂ થયું ત્યારે થોડા સમય માટે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો પણ પછી શેરબજાર સૂચકાંક નીચે ગબડવા માંડ્યો. માર્કેટમાં આજે સવારથી જ ઉતાર-ચઢાવ અને વોલેટાલિટી જોવા મળી રહી હતી. લોકોને અપેક્ષા હતી કે મોદી સરકારના બજેટ બાદ શેરબજારને પાંખો લાગશે અને એ ઉડવા લાગશે, પણ એવું કંઇ થયું નથી. એમ લાગે છે કે શેરબજારને નિર્મલા સીતારામનનું બજેટ માફક નથી આવ્યું.

આ પણ વાંચો: Big Breaking: બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખની આવક સુધી…

નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે દેશનું બજેટ રજૂ કર્યું છે. મધ્યમવર્ગીય લોકોને બજેટમાં ઘણી અપેક્ષા હતી અને શેરબજાર પર પણ બધાની નજર હતી, કારણ કે બજેટમાં ખાસ ગતાગમ ના પડે તેવા લોકો પણ શેરબજારની ચડતી અને પડતીથી બજેટ વિશે અભિપ્રાય બાંધી લેતા હોય છે અને એક્સપર્ટ કમેન્ટ કરતા હોય છે. 31 જાન્યુઆરીએ નિર્મલા સીતારામને દેશનો આર્થિક સર્વે રજૂ કર્યો હતો, જેની શેરબજાર પર પોઝિટિવ અસર જોવા મળી હતી. આ આર્થિક સર્વે બાદ શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો અને એમ લાગવા માંડ્યું હતું કે આ વર્ષના બજેટમાં મોંઘવારી ઘટે, ટેક્સ ઘટે અને લોકોને રાહત થાય એવા ઘણા પગલા ભરવામાં આવ્યા હશે, પણ.. બજેટ પૂરું થતાં જ શેરબજાર ગબડવા માંડ્યું હતું.
બજેટમાં રૂ. 12 લાખ સુધીની આવક કરમુક્ત કરવામાં આવી છે, જેને કારણે મધ્યમવર્ગીય લોકોમાં ખુશીનો માહોલ છે. મધ્યમવર્ગે બજેટ આવકાર્યું છે, પણ શેરબજારે એને ઠંડો આવકાર આપ્યો છે.

શેરબજારની વાત કરીએ તો કેટલાક સ્પેસિફીક શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. બજેટમાં દવાની ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ અને છ આવશ્યક દવાઓનો 5 ટકા કન્સેશનલ ડ્યુટી સ્લેબમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ ફાર્મા કંપનીના શેરોમાં પોઝિટિવ અસર જોવા મળી હતી.

આ પણ વાંચો: કેન્સરની દવા સસ્તી થશે, Gig Workers માટે થઈ આ જાહેરાત

બજેટમાં વીમા ક્ષેત્રમાં એફડીઆઇની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવ્યા બાદએચડીએફસી લાઇફ, એસબીઆઇ લાઇફ, સ્ટાર હેલ્થ વગેરે જેવી વીમા ક્ષેત્રની કંપનીઓના સ્ટોકના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
નાણા પ્રધાને શીપ બિલ્ડિંગ ક્ષેત્રને વેગ આપવા માટે પગલા ભરવાની જાહેરાત કર્યા બાદ શિપિંગ કોર્પોરેશન, મઝગાંવ ડૉક જેવી શિપિંગ ક્ષેત્રની કંપનીઓના શેર્સમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

બજેટમાં સ્વચ્છ ઉર્જા ઇકોસિસ્ટમની જાહેરાત કર્યા બાદ સુઝલોન, વારી એનર્જી, આઇનોક્સ વિન્ડ, અદાણી ગ્રીન જેવા શેરોના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ITC, HUL, મેરિકો અને ડાબર જેવી કન્ઝ્યુમર કંપનીના શેરમાં પણ ભડકો જોવા મળ્યો હતો. જોકે, બજેટ પૂરું થયા બાદ લોકોનો આરંભનો ઉત્સાહ ઓસરવા માંડ્યો હતો અને માર્કેટમાં ઘટાડો થવા માંડ્યો હતો. લાગે છે કે શેરબજારની અપેક્ષા સંતોષવામાં બજેટ ખરું ઉતર્યું નથી. તેથી માર્કેટની ચાલ સુસ્ત જ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને