મુંબઈ: નાલાસોપારા ખાતેની ૪૧ અનધિકૃત ઇમારતો સામે આજે સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં જોખમી ઇમારતોને તોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકોએ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
નાલાસોપારા પૂર્વમાં અગ્રવાલ નગરીના ૩૦ એકરની જમીનમાં કેટલીક જમીન ખાનગી તથા બાકીની જમીન કચરો અને ગંદા પાણીના નિકાલ પ્રકલ્પ માટે અનામત રાખવામાં આવી હતી. ૨૦૧૦થી ૨૦૧૨માં આ જમીન પર બનાવટી દસ્તાવેજોને આધારે ૪૧ ઇમારત ઊભી કરવામાં આવી હતી, જ્યાં ૨૦૦૦થી વધુ પરિવાર રહે છે.
આ પણ વાંચો: વસઈ-વિરાર મનપા વિસ્તારના અર્નાળા બીચ પાસેના અનધિકૃત રિસોટર્સ પર પાલિકાનો હથોડો
બૉમ્બે હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ ઇમારતો સામે કાર્યવાહી કરવાનો પાલિકા પ્રશાસનને નિર્દેશ કર્યો હતો. તેને ધ્યાનમાં રાખીને પાલિકાએ જોખમી સાત ઇમારત સામે કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહીને કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે. કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તોડકામ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેથી સંપૂર્ણ વિસ્તાર છાવણીમાં ફેરવાયો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને