Rishabh Pant Most costly  subordinate    of IPL History

IPL Auction 2024: ક્રિકેટના મહાકુંભ ગણાતા ઈન્ડિયન પ્રીમિયર લીગની જેદ્દાહ (સાઉદી અરેબિયા)માં ઑક્શન ચાલી રહી છે. શરૂઆતમાં 12 માર્કી ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. આ વખતે માર્કી ખેલાડીઓની યાદીમાં સાત ભારતીય અને પાંચ વિદેશી ખેલાડીઓ હતા. આ તમામ ખેલાડીએ છેલ્લા કેટલાક વર્ષોમાં T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. બધાની નજર ઋષભ પંત પર હતી. પંતને હરાજી પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમે રિલીઝ કર્યો હતો. તેના પર મોટી બોલી લગાવવામાં આવશે તે નિશ્ચિત હતું અને એવું જ થયું. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2016 બાદ પહેલીવાર પંત દિલ્હી સિવાય અન્ય ટીમ તરફથી રમતા જોવા મળશે. લખનૌની ટીમ તેને કેપ્ટન બનાવી શકે છે.

આ પણ વાંચો : IPL Auction 2025: આ બે ટીમો રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે, જાણો શું છે RTM?

આ ઑક્શનમાં જ ઐયર 26.75 કરોડમાં વેચાયો હતો

પંત IPL ઈતિહાસમાં સૌથી વધુ કિંમતે વેચાયેલો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે શ્રેયસ ઐયરને પાછળ છોડી દીધો હતો. જે થોડા સમય પહેલા પંજાબે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શરૂઆતમાં ઋષભ પંત માટે લખનૌ અને આરસીબી વચ્ચે જંગ હતો. પંત રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે ઑકશનમાં ઉતર્યો હતો અને થોડા જ સમયમાં તેની કિંમત રૂ. 10 કરોડને પાર કરી ગઈ હતી. આ દરમિયાન હૈદરાબાદ પણ આ રેસમાં જોડાયું, પરંતુ લખનઉએ હાર ન માની.

હૈદરાબાદના માલિક કાવ્યા મારન અને લખનઉના માલિક સંજય ગોએન્કાએ હરાજીના ટેબલ પર પંત માટે બોલી લગાવી અને થોડી જ વારમાં તેની કિંમત 17 કરોડ રૂપિયાને પાર કરી ગઈ. હૈદરાબાદ અને લખનઉ અહીં પણ અટક્યા નહીં અને પંત પરની બોલી સતત વધતી રહી. લખનઉએ પંત માટે રૂ. 20.75 કરોડની બોલી લગાવી અને હૈદરાબાદે પીછેહઠ કરી. જોકે, દિલ્હીએ આરટીએમનો ઉપયોગ કર્યો હતો. આ પછી લખનઉએ પંત માટે 27 કરોડ રૂપિયાની ઓફર કરી અને દિલ્હીએ હાથ પાછો ખેંચી લીધો. આ રીતે પંતને લખનઉની ટીમે 27 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો અને તે આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

2016થી પંત હતો દિલ્હી સાથે

પંતે 2016થી તેની સમગ્ર IPL કારકિર્દી દરમિયાન દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સમયગાળા દરમિયાન, તેણે દિલ્હી માટે 110 મેચોમાં 35.31ની સરેરાશથી એક સદી અને 18 અડધી સદી સાથે 3,284 રન બનાવ્યા છે. તેને 2021 માં ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને તે જ સિઝનમાં તેણે તેની ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી.

2022માં અકસ્માત બાદ પંતે કર્યુ શાનદાર કમબેક

પંત 2022માં કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. તેણે આ વર્ષે IPLમાં પુનરાગમન કર્યું હતું. પંત વર્ષ 2024માં દિલ્હી માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 13 મેચમાં 40.54ની એવરેજ અને 155.40ની સ્ટ્રાઈક રેટથી 446 રન બનાવ્યા. જેમાં ત્રણ અડધી સદી સામેલ છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 88 રન હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને