Remembering the devastating earthquake 25 years ago

તસવીરની આરપાર -ભાટી એન.

“ચમત્કાર… ચમત્કાર..!?” આ શું… !!?, શિવજીનું તાંડવ નૃત્ય છે…!!!?. ના ભૈ ના…!?. આ તો ધરા ધ્રુજી ભૂકંપ થયો છે હો તા. 26મી જાન્યુઆરી 2001ના દા’ડે પ્રજાસતાક દિન નિમિત્તે ભારત ભરમાં ધ્વજવંદન થતું હતું, ત્યારે સાવરના 8. 46 મિનિટે મહાકાય ધરતીકંપ થયો હતો ને સમગ્ર ગરવી વસુંધરા ગુજરાતને દોઢ મિનિટ સુધી હૃદયદ્રાવક અનુભૂતિ થઈ હતી. ત્યાં તો ગુજરાતની પ્રજાને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય એવી અનુભૂતિ તંતોતંત થઈ હતી…!

તસવીરની આરપાર કોલમનાં કોલમિસ્ટ ભાટી એનને થયું કે શું આજે પ્રલય થવાનો છે…!? દરિયાનાં મોજાની માફક ધરતી ધ્રુજાતી હતી, મારી આંખો સામે પૃથ્વી આમ તેમ ડોલતી હતી. લોકો ચિચિયારી મારતા ઘરમાંથી બહાર નીકળી ચોક તરફ આવતા હતા. ધરતીમાંથી ભયાવહક ગેબી અવાજ થી ઘરતીના પડ તૂટતાં હતા…!. આવી અણધારી બિના ચર્મચક્ષુમાંથી ચોધાર આંસુ સંગાથે સાક્ષી ભાવે નિહાળતો હતો…!, હું અને બધાજ લાચાર હતા, કુદરત કને કોનું કશું ચાલે છે…!?. આવી ભયાનક દર્દ ભરી સ્ટોરીને પચીસ વર્ષનાં વાણા વાઈ ગયા છે તેમ છતાં ઈ ’ સ્મૃતિ આજે પણ મસ્તિષ્કમાં અંકિત છે…!?.

ભૂકંપમાં કચ્છ તબાહ ને નેસ્તનાબૂદ થઈ ગયું હતું. કચ્છના ગામડાં પડીને પાધર થઈ ગયાં હતાં. હજારો લોકોએ જીવતા સમાધિ લીધી હતી. 26મી જાન્યુઆરી, 2025 નાં રોજ આ ભયાવહક દુર્ઘટનાને પૂરા 25 વર્ષ થયાં. આ ભૂકંપના સમાચાર મળતાં હું રાત્રીનાં બે વાગ્યે સ્કૂટર લઈને કડકડતી ઠંડીમાં છાતી માં પસ્તી ભરાવી 200 કિ.મી. દુર, વાંકાનેર મારા ગામથી સ્કુટર ચલાવી કચ્છ બહારનાં ફોટોજર્નાલિસ્ટ ભાટી એન પ્રથમ હતા, સવાર સુધી સ્કૂટર ચલાવી કચ્છ પહોંચ્યો અને આ ભયાનક ભૂકંપની વરવી વાસ્તવિકતા નિહાળી હું હચમચી ગયો…! અરે..! ભોળાનાથ તેં આ શું કર્યું..!?. હજારો લાશો આમતેમ પડી હતી, ગામોના ગામો પડીને પાધર થયાં હતાં. આંખમાં દુ:ખ બિહામણાં દર્દથી આંખોમાં શ્રાવણ – ભાદરવાની અશ્રુધારા વહેતી હતી…!. આ સાથે પ્રસ્તુત છે, 26 મી જાન્યુઆરી 2001 નાં દિવસે આવેલા ભૂકંપની આછેરી ઝલક.

આ મહાભયાનક ભૂકંપને યાદ કરતાં મારી મતિ મૂંઝાઈ જાય છે…! હાંજા ગગડવા લાગે છે…! ગુજરાતને ખાસ કરીને સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્રની હાલત તો દયનિય હતી. સમગ્ર કચ્છ તો તબાહ થયું છે. તેવી બાતમી મળી..!!. જેમાં હજારો નિર્દોષ લોકો એ જીવતાજીવ સમાધિ લીધી છે.. !!!. ને સૂરજબારી પુલમાં ભયાનક ગાબડું પડતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, રસ્તામાં તિરાડો પડી ગઈ હતી. અને ટેલિફોનનાં થાંભલા પડી જત્તા કચ્છ સમગ્ર દેશ અને દુનિયાથી સંપર્ક વિહોણું થઈ ગયું હતું…!. તે સમયે મોબાઈલની સુવિધા ઉપલબ્ધ ન હતી, એટલે સાચી માહિતી પ્રાપ્ત થતી ન હતી.

મારું ગામ વાંકાનેરમાં પણ ભૂકંપે ખૂબ જ તારાજી વેરેલી. અસંખ્ય લોકોનાં મૃત્યુ થયાં હતાં, હું પોતે આ દારૂણ પરિસ્થિતિમાં ફસાયો હતો તેમ છતાં એક સાચા ફોટો જર્નાલિસ્ટનો ધર્મ બજાવા બધું ભૂલી રાતનાં બે વાગ્યે શિયાળાની કડકડતી ઠંડીમાં બજાજ સુપર સ્કૂટરની ટાંકી ફૂલ પેટ્રોલ ભરાવી નીકળી પડ્યો. રાતનાં કચ્છ તરફ એક પણ વાહન જતું ન હતું. સૂરજબારીના પુલમાં ભયાનક તિરાડ પડતા કોઈ પણ વહાન આવન જાવન બંધ હતી આથી નેશનલ હાઇવે પર હું ને મારાં કાકાનો દીકરો જ નોનસ્ટોપ સ્કૂટર ચલાવ્યે જતા હતા, આખી રાત સ્કૂટર ચલાવી થકી ગયો હતો.!. સવાર થતા સામખીયારી થઈ ને વૌધ ગામે ગયો તો રોડ પર આવેલ આખું ગામ પડીને પાધર થઈ ગયેલ ને કાટમાળ નીચે અસંખ્ય લાશો દટાયેલ હતી અને ભેંકાર ભાસતું હતું, મૃતદેહ કાઢી કાઢી લોકો થાકી ગયા હતાને ગામને પાધર ટાયર સળગાવી લાશોને બાળતા હતા…!!!?.

હું મારા આધુનિક કેમેરાથી બધી દસ્તાવેજી તસવીર કઠણ હૃદયે પાડતો હતો, અંતે હું પણ માનવ ખરોને હું કાટમાળ ઉપર ચાલતો જાવને દટાયેલ મૃતદેહ જોઈ કહું કે અહીં મૃતદેહ છે તો ક્હે હવે અમે પણ લાશ કાઢી કાઢી થાકી ગયા છીએ…!? હિંમત કરી ભચાઉ ગયો. નેશનલ હાઈવે પર આવેલી વિશાળ હોસ્પિટલ આખી ધરતીની સાથે સમથળ થઈ ગયેલી..! ભચાઉનું થિયેટર પડી ગયેલું માત્રને માત્ર સિનેમાનો પડદો જઊભો હતો..!, ભચાઉનું રેલવે સ્ટેશન પડીને પાઘર થઈગયું હતું માત્ર પીળા ક્લરના સાઈન બોર્ડમાં ભચાઉ લખેલ હતું તેની સિગ્નલ આપવાની કેબીન પડી ગઈ હતી. ભચાઉમાં તો ભગવાન જાણે વેરી બની ગયો હોય એમ તમામ મંદિરો પડી ગયા હતા! પોતાના પરિવારને ગુમાવ્યાની પારાવાર વેદનાથી લોકો ચોધાર આંસુ એ રડતા હતા, મને આવા કરુણાંતિક દૃષ્ય લેતા અંતરમનમાં ખૂંચતું હતું. તેમ છતાં મારો પત્રકરત્વનો ધર્મ બજાવતો હતો.

ત્યાંથી અંજાર ગયો ત્યાં તો કુદરતે કંઈ કમી રાખી ન હતી. આખા અંજારનો સોથવાળી દીધો હતો, ત્યાં તો દિવસોનાં દિવસો લાશો કાઢતા થયાં હતા ને વિખ્યાત જેસલ-તોરલની સમાધિ મંદિર પડીને, પાધર થઈ ગયેલી. કચ્છના મુખ્ય મથક ભુજમાં ઘણાં બહુમાળી બિલ્ડિંગ પડી ગયેલાં, ભુજ પણ તબાહ થઈ ગયેલું, આમ મે સતત એક મહિનો ધરતીકંપની હજારો તસવીર લીધીને ગુજરાતનાં તમામ માતબાર દૈનિકોએ અસંખ્ય તસવીર પ્રસિદ્ધ કરેલને બાદમાં ભૂકંપનું ફોટો પ્રદર્શન રાજકોટ, અમદાવાદ, દિલ્હી સુધી કરેલ ને ભાટી એનની કદર સરકારે કરતા બેસ્ટ ફોટો જર્નાલિસ્ટ અવૉર્ડ 1999 =2000 માટે અવૉર્ડ માહિતી ખાતા તરફથી આપવામાં આવેલ તો કચ્છ મિત્ર દૈનિકે ભાટી એનની ખાસ નોંધ લઈ વિશેષ આર્ટિકલ લખેલ મુંબઈ સમાચારના વાંચક મિત્રો માટે પચીસ વર્ષ અગાઉની તસવીર બતાવી એક દસ્તાવેજીકરણની જાંખી કરાવું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને